Saturday 27 July 2024

રાજ્ય સરકાર દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે 'ઠાકરડા' શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દ પ્રયોગથી રાજ્યમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. સાથો સાથ મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

જુઓ પરિપત્ર

  
આ મુદ્દે સરકારને રજૂઆત મળી હતી

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રના આમુખમાં જણાવ્યું છે કેસ ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવથી કુલ-146 જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ક્રમાંક: 72 પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સમાજના લોકો "ઠાકરડા" શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારને મળી હતી.



"ઠાકરડા" શબ્દની જગ્યા "ઠાકોર" કરવાની સૂચના

પરિપત્રના ઠરાવામાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: 72 પર સમાવિષ્ટ "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી" પૈકી "ઠાકરડા" શબ્દનો પ્રયોગ બંધ કરવાનું ઠરાવવામાં આવે છે. જેથી જ્યાં જાતિ તરીકે "ઠાકરડા" શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ "ઠાકોર" સમજવું તેવી સ્પષ્ટતા કરવામાં આવે છે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે "ઠાકરડા" લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં "ઠાકરડા" તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને "ઠાકોર" સમજવાનું રહેશે. અર્થાત "ઠાકરડા" જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate)માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને "ઠાકરડા" ના સ્થાને "ઠાકોર" તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં "ઠાકોર" શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

No comments:

Post a Comment