Monday 1 November 2021

સરદાર વલ્લભભાઈ પટેલની જેલયાત્રા

સરદારની જેલયાત્રાઓ
ગાંધીજી અને સરદાર વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વખત ગાંધીજીની દાંડી માર્ચ માટે જન જાગૃતિ લાવવામાં અને આખી યાત્રા ની પૂર્વ તૈયારી કરવા માં સરદાર નો કેટલો મોટો ફાળો હતો તેને યાદ અપાવી હતી.
પ્રસંગ હતો દાંડી માર્ચની જયંતિનો દિવસ પહેલાંની આ વાત ગાંધીજીના આ મીઠાના સત્યાગ્રહની વાત કરતી વખતે આઝાદી પછી ફૂટી નીકળેલા મોટાભાગના ઇતિહાસકારો એ આ એક મહત્વની ચળવળમાં સરદારના પ્રદાન વિશે બહુધા મૌન સેવી છે કે ચડતા ઉલ્લેખો કરીને આટોપી લીધું છે.
એ વાત ખરી કે ગાંધીજી જ્યારે મીઠું પકવીને, એના પર નો કરવેરો બ્રિટિશ સરકારને ન આપીને સવિનય કાનૂન ભંગ કરવાની યોજના તૈયાર કરી રહ્યા હતા ત્યારે સરદારે સૂચન કર્યું હતું કે એના કરતાં સરકારને મહેસુલ નહીં આપવાની ચળવળ વધારે અસરકારક રહેશે. સરદારને બે વર્ષ પહેલાના બારડોલીના સત્યાગ્રહનું નેતૃત્વ કરવાનો અને એને સફળતા અપાવવાનો અનુભવ હતો. એ સત્યાગ્રહને કારણે તેઓ' સરદાર' નું બિરુદ પામ્યા અને રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે સ્થપાયા .તેમને બીરદાવતાં ગાંધીજીએ કહ્યું હતું વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત. એટલો બધો શુભ અનુભવ મને આ ભાઈથી થયો છે.
  ૧૯૩૦ની ૧૨મી માર્ચે શરૂ થનારી ગાંધીજીની દાંડી કૂચને રોકવા માટે બ્રિટિશ હકૂમત પાસે બીજો કોઈ રસ્તો નહોતો સિવાય કે એક સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ ૮મી માર્ચે ગાંધીજી દાંડી યાત્રાની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં ગાંધીજીના અનુયાયીઓ અને સરકાર ,પોલીસ સૌ કોઈને ખબર હતી કે નમકનો સત્યાગ્રહ થવાનો છે .દાંડીયાત્રાના માર્ગમાં આવતા ગામોમાં જનજાગૃતિ લાવવા માટે ગાંધીજી કરતાં સરદાર નો શબ્દ વધારે અસરકારક હતો. મહેસુલનો સત્યાગ્રહ કરવાને બદલે નમકનો સત્યાગ્રહ કરવાનો ગાંધીજીએ નક્કી કર્યું એટલે સરદાર પોતાના સુચનો તરત પાછા ખેંચી લઇને ગાંધીજીના નેતૃત્વ હેઠળ તન-મન-ધનથી દાંડીયાત્રા માટે ના આયોજન માટે દિવસ-રાત મહેનત કરવા લાગ્યા.
ગામેગામ જઈને સરદાર લોકોને કહેવા લાગ્યા સરકારી જમીન ઉપરાંત હવે સમુદ્રના પાણી પર પણ વેરો નાખ્યો છે કાલ ઉઠીને તમારે હવા પર પણ ભરવો પડશે. ગાંધીજીની દાંડી યાત્રા રોકવા માટે સરદારને રોકવા અનિવાર્ય હતા ૭મી માર્ચે સરદાર બોરસદ તાલુકાના રાસ ગામે પ્રવચન કરતા હતા. સ્થાનિક મેજિસ્ટ્રેટે મનાઈહુકમ જાહેર કર્યો હોવા છતાં આ પ્રવચન ગોઠવાયું હતું. બ્રિટિશ સરકારને પોલીસ નું ટોળું ત્રાટકયું અને સરદારની ધરપકડ કરવામાં આવી. એમને તાબડતોબ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા.
7-3- 1930ના શુક્રવારથી સરદારે પોતાની જેલયાત્રા ની ડાયરી લખવાનું શરૂ કર્યું એ દિવસની પહેલી નોંધ છે.
રાતના આઠ વાગ્યે સેન્ટ્રલ જેલ સાબરમતી માં બોરસદ થી ડે.સુ.મિ. બિલીમોરીયા મૂકી ગયા પકડતાં તેમજ છુટા પડતા ખૂબ રોયો કેમ રસ્તામાં ખૂબ ભલમનસાઈથી વર્ત્યો . રાતે જેલમાં કવોરોન્ટિન વોર્ડ કહે છે કે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઈ રહ્યો.
પોલિસના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ મિસ્ટર બિલીમોરીયા દ્વારા ધરપકડ થઇ ત્યારે સાથીઓથી છૂટા પડતી વખતે સરદાર ની આંખમાં આંસુ હતાં.ધરપકડ થવાને કારણે નહી જેલમાં રહેવું પડશે એ વિચારીને નહીં પોતાના વિના આ જનઆંદોલનનું શું થશે, ગાંધીજી નું શું થશે ,સ્વતંત્રતાની ચળવળનું શું થશે. એ વિચારથી જ વજ્ર જેવી છાતી ધરાવતા લોખંડી પુરુષનું હૈયું ભરાઈ આવ્યું હતું. અને પોતાના હસ્તાક્ષરે લખાતી ડાયરીમાં એ વિશે નોંધ કરવામાં એમણે કોઈ સંકોચ નહોતો. બીજા દિવસે શનિવાર હતો .તા.8-3- 1930ના રોજ લખેલી નોંધમાં સરદાર લખે છે.'સવારે ઉઠતા આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું . એકમાં જવાનું અને બીજામાં (પાણી લેવાનું) આ નવો જ અનુભવ હતો. એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબ માટે સામે જ ખુલ્લામાં એક કૂંડુ મૂકેલું હતું. તેમાં જેને જવું હોય તે બધા જ ઊભા ઊભા પેશાબ કરે. આજુબાજુ કેદી, વોર્ડર, પોલીસ ફરતા જ હોય એટલે એ ક્રિયા કરવાની પણ હિંમત ન ચાલી. લીમડાના સુંદર ઝાડમાંથી વોર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું. કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા....'
   દાંડીયાત્રાના બે દિવસ પહેલાં, સોમવાર 10 માર્ચ ના રોજ બપોરે મહાદેવ દેસાઈ અને આચાર્ય કૃપલાની સરદાર ને મળવા જેલમાં આવે છે. 12 માર્ચ ની રોજનીશી નું પાનું આ શબ્દોથી શરૂ થાય છે.' સવારના ચાર વાગ્યે ઊઠી પ્રાર્થના કરી ગીતા વાંચી .આજે છ -સાડા છ વાગ્યે બાપુ આશ્રમમાંથી નીકાળવાના તે યાદ કરી ખાસ ઈશ્વર સ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુને સહાયતા માગી.'
  15 દિવસમાં જ ૫૫ વર્ષની ઉંમરના સરદારનું વજન દોઢ કિલો જેટલું ઘટી ગયું .જેલનો ખોરાક સરદારને ખૂબ તકલીફ આપતો હતો .એમનું પાચનતંત્ર અમેય ખોરવાયેલું રહેતું. સાબરમતીમાં ત્રણ મહિનાનો કારાવાસ ભોગવી ને સરદાર છૂટ્યા.
  ગોળમેજી પરિષદમાં હાજરી આપીને ગાંધીજી વિલાયતી પાછા ફર્યા એ પછી, જાન્યુઆરી 1932માં ગાંધીજી અને સરદાર બેઉની ધરપકડ થઈ. બેઉ મહાન નેતાઓ ને પુણેની યરવડા જેલમાં રાખવામાં આવ્યા .આ લાંબા કારાવાસ દરમિયાન નેતાઓ એકબીજાની વધુ નિકટ આવ્યા, બેઉ એકમેકને વધુ સારી રીતે સમજતા થયા. મહાદેવભાઈની ડાયરીમાં બંને નેતાઓને વાતચીતો ની ઘણી વિગતો નોંધાયેલી છે. એ પછી સરદારને યરવડા જેલમાંથી નાસિકની જેલમાં ખસેડવામાં આવ્યા. જુલાઈ ૧૯૩૪ માં એમને છોડવામાં આવ્યા .1940માં સરદારને ફરી એકવાર જેલની સજા થઈ નવ મહિનાના કારાવાસમાં એમણે દશે કિલો જેટલું વજન ગુમાવ્યું.
  સરદાર વલ્લભભાઈ પટેલને જેટલી વખત જેલમાં પૂરવામાં આવ્યા એટલી વખત તેમણે બહાર નીકળીને બમણા જોરથી સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો .સરદારના લોખંડી મનોબળને બ્રિટિશ હુકૂમત તોડી શકી નહીં. સરદારની જેલ યાત્રાઓ તેમના આંતરિક વિકાસની યાત્રાઓ પણ પુરવાર થઇ .જેલમાં વિતાવેલા એકાંત સમયની સાધના દરમિયાન જ ચિંતન કર્યું તેનો અમલ એમણે બહાર આવીને કર્યું. સરદારના એ પરિપકવ ચિંતનનો જ પ્રતાપ છે કે આજે ભારતનાં 565 નાનાંમોટાં રાજ્યો એક થઈને ભારતને વિશ્વની મહાસત્તા બનાવી રહ્યા છે. 31મી ઓક્ટોબરની તારીખે સાત વર્ષ પહેલાં નહીં, ૧૯૫૦માં તેમના અવસાન પછી તરત જ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું શરૂ થઈ જવું જોઈતું હતું.
ચાર વાગ્યે ઊઠ્યાં. પ્રાર્થના નિત્યક્રમ .સુરતથી રામદાસ અને બીજા આઠ મળી નવ કેદી આવ્યા. તેમની સાથે રાખવા ગોઠવણ કરી એકંદર 44 થયા. કમિશનર ગેરેટ દસ વાગ્યે આવ્યો. તેને સુપ્રિટેન્ડેન્ટ લઈ આવ્યો હતો. કલેક્ટર, કમિશનર આવે ત્યારે દરેક કેદી પોતાની કોટડીના બારણા પાસે સીધો ઊભો રહે .એવી માગણી સુપ્રિટેન્ડેન્ટ અમારી પાસે કર્યા કરતો હતો. મેં તેને સાફ ના પાડી દીધી. અને સંભળાવી દીધું કે માન ભંગ થાય એવી કોઈ જાતની સ્થિતિને અમે તાબે થવાના નથી. સભ્યતા વગર વિવેકમાં ચૂકવાના નથી પણ સ્વમાનનો ભંગ કરનારી એવી કોઈ વાતનો અમે સ્વીકાર કરવા નથી.' સરદાર વલ્લભભાઈ પટેલ તા.૧૧-૪-૧૯૩૦ ના રોજ લખેલ ડાયરીનુ પાનું.
આભાર ---+સંદેશ ન્યુઝ પેપર
    ૩૧-૧૦-૨૦૨૧



No comments:

Post a Comment