Thursday 11 November 2021

કરતારપુર સાહિબ ગુરુદ્વારા

કરતારપુર સાહિબ ગુરુ નાનકદેવ અહીં સોળ વરસ રહ્યા હતા
19 નવેમ્બર ના રોજ શીખ ધર્મના પહેલા ધર્મ ગુરુ નાનક સાહેબ નો જન્મ દિવસ આવે છે .જોકે ,તેમનો જન્મદિન અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પરંતુ કાર્તિકી પૂનમે ઉજવવામાં આવે છે ગુરુ નાનક કાયમ સામાજિક કુરિવાજો ના વિરોધી રહ્યા હતા. સમાજને સાચો રસ્તો બતાવનાર આ દિવ્ય પુરુષે જીવનના અંતિમ વર્ષો હાલ પાકિસ્તાનમાં આવેલા કરતારપુર માં વિતાવ્યા હતા .એટલે જ આ સ્થળનું આગવું મહત્વ રહેલું છે. અને તેમની જન્મજયંતિનો દિવસ નજીક છે ત્યારે કરતારપુર સાહિબ વિશે જાણીએ.
કરતારપુર સાહિબ ગુરુદ્વારા જેને ગુરુદ્વારા દરબાર સાહેબના નામથી ઓળખવામાં આવે છે તે શીખોની આસ્થાનાં પ્રમુખ કેન્દ્ર પૈકીનું એક છે .અહીં ગુરુનાનક દેવે પોતાના જીવનના અંતિમ 16 વર્ષ વિતાવ્યા હતા અને છેલ્લે આ જ સ્થળ પર તેમણે 22 સપ્ટેમ્બર 1539ના રોજ દેહ છોડ્યો હતો .એ પછી અહીં ગુરુદ્વારા દરબાર સાહિબનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કરતારપુર પાકિસ્તાનસ્થિત પંજાબના નારોવાલ જિલ્લામાં લાહોરથી અંદાજે ૧૨૦ કિલોમીટર દૂર રાવી નદીના કાંઠે આવેલું છે. તે ડેરા સાહિબ રેલવે સ્ટેશનથી માત્ર ચાર કિલોમીટર અને ભારત પાકિસ્તાનની બોર્ડર થી ફક્ત ૩ કિમી દૂર છે.
એટલે ભારત તરફથી તે એકદમ સ્પષ્ટ દેખાય છે .ભારતીય શ્રદ્ધાળુઓ બોર્ડર પર મૂકવામાં આવેલા દૂરબીનમાં જોઈને ગુરુદ્વારા ના દર્શન કરી શકે છે. પાકિસ્તાન ઓથોરિટી આ બાબતનું ધ્યાન રાખે છે કે ગુરુદ્વારા અને ભારતમાં લગાવવામાં આવેલા દુરબીન વચ્ચે ઘાસ ઊગી ન નીકળે, કેમ કે તેનાથી દર્શન થવામાં અવરોધો થાય છે .એટલે તેઓ સમયાંતરે ઘાસ કાપતી રહે છે જેથી શ્રદ્ધાળુઓને ગુરુદ્વારા ના સ્પષ્ટ દર્શન થઈ શકે.
એવી માન્યતા છે કે ગુરુનાનક દેવે અંતિમ શ્વાસ લીધા એ પછી તેમનું શરીર ગાયબ થઈ ગયું હતું અને તેની જગ્યાએ માત્ર ફૂલોનો ઢગલો રહ્યો હતો .તેમાંથી થોડા ફૂલો શીખોએ પોતાની પાસે રાખ્યા અને હિન્દુ રીતરિવાજ મુજબ ગુરુ નાનકના અંતિમ સંસ્કાર કર્યા જ્યારે બાકીના ફુલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુસ્લિમ ભક્ત પોતાની સાથે લઈ ગયા અને તેમણે ગુરુદ્વારા દરબાર સાહેબ ની બહાર આંગણા માં મુસ્લિમ રીતરિવાજો પ્રમાણે કબર બનાવી હતી. ગુરુ નાનકે એ આ જ સ્થળે પોતાની રચનાઓ અને ઉપદેશો લખીને શિષ્ય ભાઈ લહણાના હાથમાં સોંપી દીધા હતા. આ શિષ્ય પછી ગુરુ અંગદ દેવ નામથી જાણીતા થયા હતા ગુરુનાનક એ લખેલા પાના પર એક પછી એક બધા ગુરુઓની રચનાઓ જોડાતી ગઇ અને 10 ગુરુઓ પછી આ પાનાઓને ગુરુ ગ્રંથસાહેબ નામ આપવામાં આવ્યું જેને શીખ ધર્મ નો મુખ્ય ધર્મગ્રંથ માનવામાં આવ્યો.
પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહે એ જમાનામાં રૂપિયા 135000 આ ગુરુદ્વારા માટે દાનમાં આપ્યા હતા .જોકે, ભાગલા પડતાં ગુરુદ્વારા પાકિસ્તાનના કબજામાં જતું રહ્યું હતું .1995માં પાકિસ્તાન સરકારે તેનું સમારકામ કરાવ્યું હતું જે 2004માં પૂર્ણ થઈ ગયું હતું.જો કે બંને દેશો વચ્ચેના સંબંધો યોગ્ય ન રહેતા લાંબા સમય સુધી કતારપુર સુધીનો કોરિડોર બનાવવા નો મુદ્દો લટકી પડ્યો હતો.છેલ્લે 2019 માં ગુરૂનાનક દેવના 550 માં જન્મદિને બંને તરફથી આ કોરિડોરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો એ પછી પાંચ હજાર શ્રદ્ધાળુઓ દરરોજ વગર વિઝાએ પાકિસ્તાનમાં આવેલા આ ગુરુદ્વારા ના દર્શને જઈ શકે છે વચ્ચે કોરોના ને કારણે તેમાં થોડું બ્રેક લાગ્યો હતો પણ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સ્થિતિ સામાન્ય થતાં ફરી દર્શનની વ્યવસ્થા રાબેતા મુજબ થઇ રહી છે.
કેવી રીતે પહોંચશો?
કરતારપુર સાહિબ જવા માટે પંજાબના ગુરુદાસપુર પહોંચવું પડે. આ શહેર દેશના તમામ મુખ્ય શહેરો સાથે રોડ, રેલવે અને હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલું છે. અમૃતસરનું ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અહીંથી ૩૨ કિ.મી દૂર છે અહીંયાથી પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહેબ કોરિડોર ૪.૧ કિ.મી લાંબો છે.બોર્ડર પર રજિસ્ટ્રેશન કરાવીને નિયમોને આધીન રહીને દર્શન કરવા જઇ શકાય છે.
સંદેશ સમાચાર પૂર્તિ તારીખ 11 નવેમ્બર 2021

No comments:

Post a Comment