Sunday 24 October 2021

ધોરણ --૪--કુહૂ--પાઠ--૫--પવન ખિજાય તો ગોળ ઝાપટો----વાર્તા--મિન્ટુભાઈ ગોળવાળા

પાઠ--૫--ધોરણ --૪--કુહૂ---પવન ખિજાય તો ગોળ ઝાપટો
વાર્તા---મિન્ટુભાઈ ગોળવાળા
એક હતાં મંકોડીબહેન, નામ એમનું મંછી .તેમને એક દિકરો મંકોડો. નામ એનું મિન્ટુ. મિન્ટુભાઇ તો કાળા. મિન્ટુભાઇ રિસાળવા .મિન્ટુભાઇ ખૂબ હઠીલા. મિન્ટુભાઇ તો ગુસ્સાવાળા.
મિન્ટુભાઈ ખિજાય ત્યારે જોવા જેવી થાય. મિન્ટુભાઈને રીસ ચડે અને ગુસ્સે થાય ત્યારે પોતાની જ પૂંઠ ઉપર બચકું ભરે અને મોટો ભેંકડો તાણે.
મિન્ટુભાઈ ને ગોળ ખૂબ ભાવે. રમતા જાય અને ગોળ ખાતા જાય, જમતા જાય ને ગોળ ખાતા જાય, હસતા અને ગોળ ખાતા જાય, રડતા જાય અને ગોળ ખાતા જાય ,ભણતા જાય અને ગોળ ખાતા જાય. ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે.
એકવાર આ મિન્ટુભાઈ સાંજે નિશાળેથી ઘરે આવ્યા. મમ્મી પાસે ગોળ માગ્યો. મમ્મી મંછીએ ભાખરી શાક ખાવાનું કહ્યું, પણ આ તો મંકોડા ભાઈ મિન્ટુ !એમ માને કાંઈ? એ તો રિસાયા, ખૂબ રિસાયા, ખૂબ ખિજાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની જ પૂંઠ પર ભર્યું બચકુ! હવે તો ખરેખરી જોવા જેવી થઈ. આમ આળોટે તેમ આળોટે પણ પકડ છૂટે નહીં. તેમને પકડતાં આવડે પણ મૂકતા આવડે નહીં લોહીલુહાણ થઈ ગયા પણ જીદ છોડે એ બીજા !મમ્મી મંછીએ માંડ માંડ બે અંકોડા છૂટા પાડી બચકું છોડાવ્યું, પણ ગોળ લાવો જ લાવો ની કડક ઉઘરાણી ચાલુ જ ચાલું.
મમ્મીએ કહ્યું ,બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો તોય ધરાતો નથી ?".                     
           "ઊભો રહે ,બાજુમાં કીડી કાકીને ઘેર ગોળ હોય તો લઈ આવું." કહી મંછીતો ગઈ કીડી કાકીને ઘેર, અને કહ્યું, કીડી કાકી, થોડોક ગોળ ઉછીનો આપો મેં મારો મિન્ટુડો રિસાયો છે.    
       "મારે ઘેર તો ખાંડ છે મંછીબહેન. જોઈએ તો લઈ જાઓ." મંછી વિચારવા લાગી,' આ મિન્ટુડા નું શું કરવું ?'
એટલામાં એને એકા એક વિચાર આવ્યો. એ તો મિન્ટુડાને લઈને ઊપડ્યાં રામજીબાપા ના ખેતરે. એ.. ય...શેરડી નો ઊંચો ઊંચો વાઢ લહેરાય!
      ચિચોડા ચિચડક ચિચડક બોલે. ગોળના રવાના થપ્પેથપ્પા લાગેલા જોઈ મિન્ટુભાઇ તો ખુશ ખુશ થઈ ગયા .નાચવા લાગ્યા.          
         મંછીબહેને રામજીબાપા ને કહ્યું," બાપા, મારા મિન્ટુડાને ગોળ ખૂબ ભાવે છે. મારે એટલો બધો ગોળ ક્યાંથી લાવવો?
        રામજીબાપા હસીને કહ્યું;" એને મારી પાસે મૂકતાં જાઓ ધરાઈને ગોળ ખાવા મળશે."
    મિન્ટુ તો ખુશ ખુશ થઈ કહેવા લાગ્યો:"હા મમ્મી હું અહીં બાપા પાસે રહીશ."
    "પણ મારી સાથે તારે કામ કરવું પડશે." બાપાએ કહ્યું. મિન્ટુટભાઇ તો રાજીના રેડ થઈ કહેવા લાગ્યા:
"ભલે ,બાપા .પણ ગોળ ખાવા તો મળશે ને!"
"અરે, તારે જેટલો ગોળ હોય એટલો ખાજે ને કહ્યું રામજી બાપા એ કહ્યું.
મિન્ટુ તો ગોળના થપ્પા જોતો જાય આમ જુએ તો બસ ગોળ જ ગોળ તેમ જુએ તો ગોળ જ ગોળ તાજો તાજો ગોળ, લસલસ તો ગોળ,. ગરમ ગરમ ગોળ ,રાતો રાતો ગોળ,. આછો પીળો ગોળ, મઘમઘતો ગોળ,
ગળ્યો ગળ્યો ગોળ....
       મિન્ટુ મંકોડો તો ઊંડા શ્વાસ લઈ મઘમઘતા ગોળની સુગંધ ફેફસામાં ભરવા લાગ્યો. ગોળ ખાવા તલપાપડ થઈ ગયો ને એના મોંમાં પાણી છૂટવા લાગ્યું. ત્યાં તો બાપાએ એક મોટો દડિયો ભરીને મિન્ટુને તાજો તાજો ગોળ ખાવા ખાવા આપ્યો.મિન્ટુ તો ગોળ ખાવા મંડી પડ્યો. રાત્રે તો ધરાઈ ધરાઈને શેરડી નો રસ પણ પીધો.
રાત્રે સૂતાં સૂતાં બાપા સાથે મિન્ટુભાઈ તો વાતો કરવા લાગ્યા .વાતમાં ને વાતમાં બાપા ને પૂછ્યું" હે બાપા, આ ગોળ શામાંથી બને?" બાપાએ કહ્યું :"અલ્યા ,ગોળ તો શેરડી માંથી બને." વળી પાછા પૂછવા લાગ્યા:" બાપા ગોળ શેરી માંથી કેવી રીતે બનાવાય?"
  "એ માટે ચિચોડો જોઈએ ."બાપાએ કહ્યું.
હવે તો સવાર ક્યારે ય પડે ને ક્યારે ચિચોડો જોવાય એના વિચારમાં ને વિચારમાં પીન્ટુભાઇ તો ઊંઘી ગયા.
    સવાર થઈ. મજૂરો કામે લાગી ગયા. શેરડી વઢાય અને ઢગલા થાય. મિન્ટુભાઇ પણ જોર કરીને શેરડીના સાંઠા ઉપાડી ચિચોડા પાસે મૂકતા જાય.
    હવે બાપાએ વીજળીની સ્વીચ દબાવી ને ચિચોડો ગાવા લાગ્યો ચિ...ચિ..ડૂ..ક,ચિ..ચિ..ડૂક..
   કારીગર સાંઠા મૂકતો જાય ને શેરડી પીલાતી જાય ,અને રસ પણ ગાતો ગાતો આગળ જાય ધ..લ્..લ્...લ્.....ધ...લ્...લ્..
    હવે તાલ બરાબર જામ્યો.
ચિ..ચ..ડૂ..ક.. ચિ.....ડૂ..ક.
  રસની ડોલો ભરાવા માંડી અને ઠલવાવા લાગી હ..લ્...લ્...લ્..ભઠ્ઠા પર મૂકેલા મસમોટા તાવડામાં સ્તો !ચિન્ટુભાઈ ને તો મઝા એ પડી ગાવા લાગ્યા.
ચિ...ચ..ડૂ...ક..ચિ....ડૂ..ક
ધ...લ્...લ્..ધ...લ્..લ્...લ.
ગાતા જાય અને ચિચોડામાં સાંઠા મૂકતા જાય ચિ..ચ..ડૂ..ક..ચિ...ચ...ડૂ...ક..
ધ..લ્...લ્...લ્..હ...લ્...લ્...

મિન્ટુએ પણ એક સાંઠો લઈને ચિચોડામાં નાખ્યો. ચિચૂડો ફરતો જાય અને શેરડી પીલાતી જાય ....રસ નીકળતો જાય.
   બાપાએ કહ્યું :જોજે મિન્ટુ ,સાંઠાને બદલે તારો હાથ અંદર ના આવી જાય ,નહી તો સાંઠાની માફક પિલાઈ જશે ને એમાંથી ગોળ નહીં થાય‌"
  પછી તો મોટા તવેથા વડે કારીગર રસ હલાવવા માંડ્યા. ફીણ થાય તો કાઢતા જાય‌... સુગંધ તો એવી આવે કેમ મિન્ટુની જીભ લબ્...લબ્ થાય અને રસ ઊકળે ખ..બ.. ખ..બ.."
    કેટલાક મજૂર શેરડીના કૂચા ટોપલામાં ફરી તડકે નાખતા જાય... કેટલાક મજૂર તડકે સુકાયેલા કૂચા ટોપલામાં ભરી ભઠ્ઠામાં નાખતા જાય ,મિન્ટુ બોલ્યો:"વાહ! બાપા! બળતણ માટે કૂચાનો ઉપયોગ !કમાલ કરી."
   સાંજ પડતાં...-પડતાં તો ગોળ તૈયાર ! લસલસતો ગોળ નાની-મોટી ડોલમાં.. ડબલા માં ઠાલવવામાં આવ્યો. હવે મિન્ટુને સમજાયું કે ગોળના રવા કેવી રીતે બને છે.
    ચાર દિવસમાં મંકોડા ભાઈ ગોળ બનાવતા શીખી ગયા અને ઘેર જવાની તૈયારી કરી.
બાપાએ બળદગાડામાં ગોળના દસ-બાર રવા અને શેરડીના સાંઠા મૂકી આપ્યા .ખુશ થતાં મિન્ટુભાઇ ઘેર આવ્યા.
બીજા દિવસે મિન્ટુભાઈ તો ગયા નિશાળે! મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરે ને મસ્ત બનીને ગાયા કરે,
ચિચડૂક...ચિ...ચડૂક
ધલ્ લ્ લ્...ધ..લ્...લ્..લ.
રમણલાલ સોની

No comments:

Post a Comment