Friday 24 November 2023

મુસ્લિમ વિશ્વ શિયા અને સુન્ની એમ બે હિસ્સામાં વહેંચાયેલું છે.

ઈરાનના નેતા આયાતુલ્લા અલી ખોમૈની અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન.
મુસ્લિમ વિશ્વ શિયા અને સુન્ની એમ બે હિસ્સામાં વહેંચાયેલું છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા વર્તમાન યુદ્ધના સંદર્ભમાં મુસ્લિમ બાહુલ્ય ધરાવતા દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન ભલે આપ્યું હોય, પરંતુ મધ્ય-પૂર્વમાં પરંપરાગત રાજકીય તથા ધાર્મિક તણાવ પ્રવર્તે છે અને તે વિવિધ દેશોની સ્થિતિને સ્પષ્ટ કરે છે.
ઘણા વિશ્લેષકો માટે ઇસ્લામની બંને શાખાઓ વચ્ચેનો તફાવત મધ્ય-પૂર્વમાંના બે મુખ્ય હરીફો સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધોની જટિલતાનો સ્પષ્ટ સંકેત છે.

બંને દેશ વચ્ચે પ્રાદેશિક વર્ચસ્વ માટે ઉગ્ર સંઘર્ષ ચાલતો રહ્યો છે અને દાયકાઓથી ચાલતો આ વિવાદ ધાર્મિક વિભાજનને કારણે ઉગ્ર બન્યો છે.

ઈરાનમાં મોટાભાગના લોકો શિયા મુસ્લિમ છે, જ્યારે સાઉદી અરેબિયા ખુદને અગ્રણી સુન્ની મુસ્લિમ શક્તિ માને છે.

તેમની વચ્ચેની ઘર્ષણનું પ્રતિબિંબ ગાઝા સ્ટ્રીપમાં હાલ ચાલતા સંઘર્ષમાં પણ જોવા મળી રહ્યું છે.

ઘણા વિશ્લેષકો માને છે કે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર આશ્ચર્યજનક હુમલો કરવાનો પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથનો હેતુ તે દેશ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધને સામાન્ય બનાવવા માટેની વાટાઘાટને પાટા પરથી ઉતારી દેવાનો હતો.

તેનું કારણ શું હતું? તેમની વચ્ચેની સમજૂતિને લીધે તહેરાનના ત્રણ મુખ્ય વિરોધીઓ ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને અમેરિકા (જેણે આ કરારના પ્રમોટર તરીકે કામ કર્યું છે)નું જોડાણ પાક્કું થશે.

શિયા-સુન્ની વિભાજનમાં હમાસ એક પૃથક પક્ષકાર છે, કારણ કે સુન્નીઓનું આ જૂથ દાયકાઓથી ઈરાનનું સાથી છે અને તેને નાણાકીય તથા લશ્કરી સહાય પૂરી પાડે છે.

વાસ્તવમાં વર્તમાન યુદ્ધ શરૂ થયું ત્યારથી મધ્ય-પૂર્વમાંના જે અન્ય રાજકીય ખેલાડીઓએ ઇઝરાયલ પર શસસ્ત્ર હુમલા કર્યા છે તે લેબનીઝ જૂથ હિઝબોલ્લાહ અને યમનનું હુથી છે. આ બન્ને શિયા જૂથ હમાસના ટેકેદાર હોવાની સાથે તહેરાનના સાથી પણ છે.

બીજી તરફ સાઉદી સરકારે ઇઝરાયલ સાથેના કરાર માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે અને સાઉદી શાહી પરિવારના એક સભ્ય પ્રિન્સ તુર્કી અલ ફૈઝલે યુદ્ધમાં સામાન્ય નાગરિકોને જે નુકસાન થઈ રહ્યું છે એ માટે ઇઝરાયલ અને હમાસ બન્નેની ટીકા કરી છે.

શિયા અને સુન્ની વચ્ચેનું વિભાજન વર્ષ 632થી શરૂ થયું હતું અને પયગંબર મહમદના મૃત્યુને પગલે મુસ્લિમોનું નેતૃત્વ કરવાના અધિકાર માટે સંઘર્ષ થયો હતો, જે અમુક અંશે આજ સુધી ચાલુ છે.

આ બંને શાખાઓનું સદીઓથી સહઅસ્તિત્વ છે, તેમની ઘણી માન્યતાઓ અને પ્રથાઓ એકસમાન છે, છતાં સુન્ની અને શિયાઓમાં સિદ્ધાંતો, ધાર્મિક વિધિઓ, કાયદાઓ, ધર્મશાસ્ત્રો અને સંગઠનની બાબતમાં મહત્ત્વનો ભેદ જળવાઈ રહ્યો છે.

તેમના નેતાઓ પોતાના પ્રભાવને વિસ્તારવા માટે સતત એકમેકની સાથે સ્પર્ધા કરતા રહે છે.

સીરિયાથી (વાયા ઇરાક અને પાકિસ્તાન) લેબેનોન સુધી તાજેતરના ઘણા સંઘર્ષોએ આ વિભાજનને વધારે તીવ્ર બનાવ્યું છે, સમગ્ર મુસ્લિમ સમુદાયને વહેંચી નાખ્યો છે.

ઇસ્લામની આ બન્ને શાખાઓ અને તેમની વચ્ચેના મુખ્ય તફાવતો વિશે અમે અહીં માહિતી આપીએ છીએ.

સુન્ની મુસલમાન કોણ છે?

મોહમ્મદ બિન સલમાન
મુસ્લિમોમાં સુન્નીઓ બહુમતીમાં છે. કુલ પૈકીના લગભગ 90 મુસ્લિમો સુન્ની હોવાનો અંદાજ છે અને તેઓ પોતાને ઇસ્લામની સૌથી પરંપરાગત અને રૂઢિચુસ્ત શાખા માને છે.

હકીકતમાં સુન્ની શબ્દ 'અહલ અલ-સુન્ના' અભિવ્યક્તિ પરથી આવ્યો છે, જેનો અર્થ છે પરંપરાના લોકો.

આ કિસ્સામાં પરંપરાનો અર્થ પયગંબર મહમદ અને તેમના અનુયાયીઓના આચરણમાંથી પ્રાપ્ત થયેલી પ્રથા એવો થાય છે.

આમ સુન્નીઓ કુરાનમાં ઉલ્લેખિત તમામ પયગંબરોની પૂજા કરે છે. ખાસ કરીને મહમદની, જેમને અધિકૃત પ્રબોધક માનવામાં આવે છે અને ત્યાર પછીના લોકોને કામચલાઉ વ્યક્તિ ગણવામાં આવે છે.

અન્યથા સુન્ની શિક્ષકો અને ધાર્મિક નેતાઓ પર, શિયાઓથી વિપરીત, ઐતિહાસિક રીતે જે તે સરકારનું નિયંત્રણ રહ્યું છે.

સુન્ની પરંપરાનું સાઉદી અરેબિયામાં વ્યાપકપણે પાલન કરવામાં આવે છે અને તે સ્પષ્ટપણે સંજ્ઞાકૃત ઇસ્લામિક કાનૂની પ્રણાલી તેમજ ચાર સાંપ્રદાયિક શાખા પૈકીની કોઈ પણ એકના સભ્યપદની હિમાયત કરે છે.

શિયા મુસલમાન કોણ છે?

ઈરાનમાં શિયા બહુમતીવાળી સરકાર છે
શિયાઓનો પ્રારંભ એક રાજકીય જૂથ તરીકે થયો હતો. શાબ્દિક રીતે 'શિયાત અલી' એટલે કે અલીનો પક્ષ એવો તેનો સૂચિતાર્થ છે.

અહીં જે અલીનો ઉલ્લેખ છે તે પયગંબર મહમદના જમાઈ હતા અને શિયાઓ તેમના અને તેમના વંશજોના મુસ્લિમોનું નેતૃત્વ કરવાના અધિકારનો દાવો કરે છે.

ષડ્યંત્ર, હિંસા અને આંતર વિગ્રહને કારણે અલીની હત્યા કરવામાં આવી હતી અને તેમના પુત્રો હસન તથા હુસૈનને તેમના ઉત્તરાધિકારી માનવામાં આવ્યા ન હતા.

હસનને ઉમૈયા વંશના પ્રથમ ખલીફા એટલે કે મુસ્લિમોના નેતા મુઆવિયા દ્વારા ઝેર આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે, જ્યારે તેમના ભાઈ હુસૈન તેમના પરિવારના અનેક સભ્યો સાથે યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામ્યા હતા.

શિયાઓના શહાદતના ખ્યાલ અને તેના શોકની વિધિની કારક આ ઘટનાઓ છે. વાસ્તવમાં શિયાઓની આસ્થાની વિશેષતા એક વિશિષ્ટ મસીહાઈ તત્ત્વ પણ છે.

એ ઉપરાંત શિયાઓમાં મૌલવીઓનો એક પદાનુક્રમ પણ છે, જે ઇસ્લામી ગ્રંથોની સ્પષ્ટ અને સુસંગત વ્યાખ્યાનું આચરણ કરે છે.

સાઉદી અરેબિયા જેવા સુન્ની દેશોમાં શિયા લઘુમતીઓ નિમ્ન સામાજિક આર્થિક વર્ગ સાથે સંબંધ ધરાવે છે
હાલ શિયા અનુયાયીઓની કુલ વસ્તી 12થી 17 કરોડની હોવાનું માનવામાં આવે છે, જે મુસ્લિમોની કુલ વસ્તીનો લગભગ દસમો હિસ્સો છે.

ઇરાક, ઈરાન, બહેરીન, અઝરબૈજાન અને કેટલાંક અનુમાનો મુજબ યમનમાં તેઓ બહુમતીમાં છે.

અફઘાનિસ્તાન, ભારત, કુવૈત, લેબનોન, પાકિસ્તાન, કતાર, સીરિયા, તુર્કી, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતમાં પણ શિયાઓની સારી એવી વસ્તી છે.

રાજકીય સંઘર્ષમાં આ વિભાજને કેવી ભૂમિકા ભજવી છે?

મધ્યપૂર્વમાં આ વિભિન્નતા કોણ સાથીદારો અને કોણ દુશ્મનો એ નક્કી કરતી હોય છે
સુન્ની શાસિત દેશોમાં શિયાઓ સામાન્ય રીતે સમાજના સૌથી ગરીબ લોકો પૈકીના એક છે અને તેઓ ખુદને ઉત્પીડન તથા ભેદભાવનો શિકાર બનેલા માને છે.

કેટલાક સુન્ની ઉગ્રતાવાદીઓએ તો સુન્નીઓ તેમના દુશ્મન હોવાની હદ સુધીનો પ્રચાર કર્યો છે.

1979ની ઈરાની ક્રાંતિએ શિયા અભિગમ સાથે કટ્ટરપંથી ઇસ્લામિક એજન્ડા શરૂ કર્યો હતો, જે રૂઢિચુસ્ત સુન્ની સરકારોને, ખાસ કરીને પર્શિયન ગલ્ફમાં પડકારવા માટેનો હતો.

તહેરાનની તેની સરહદો બહાર શિયા પક્ષો અને લશ્કરી દળોને ટેકો આપવાની નીતિ સામે અખાતી દેશોએ સુન્ની સરકારો તથા વિદેશમાં ચળવળને વધુ સમર્થન આપીને સરભર કરી હતી.

દાખલા તરીકે લેબનોનમાં આંતર વિગ્રહ દરમિયાન હિઝબોલ્લાહની લશ્કરી પ્રવૃત્તિઓને લીધે શિયાઓને મહત્ત્વ પ્રાપ્ત થયું હતું.

તાલિબાન જેવા સુન્ની ઉગ્રવાદીઓએ પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવું જ કર્યું છે. ત્યાં તેઓ શિયા ધર્મસ્થાનો પર વારંવાર હુમલા કરે છે.

શિયા અને સુન્નીના સમાન દુશ્મન

ઇરાક અને સીરિયામાંના તાજેતરના સંઘર્ષોને પણ સાંપ્રદાયિક પરિમાણ પ્રાપ્ત થયું છે.

ઘણા યુવાન સુન્નીઓ તે દેશોમાં લડવા માટે બળવાખોરોને જૂથોમાં જોડાયા હતા, જેમણે સુન્ની પક્ષ અલ-કાયદાની ઉગ્રવાદી વિચારધારા પુનઃપ્રસ્તુત કરી હતી.

તેમના શિયા સમકક્ષો મોટાભાગે સરકારી દળોમાં અથવા તેની સાથે મળીને લડતા હોય છે. જોકે, સાઉદી અરેબિયા અને ઈરાન બન્નેએ સ્વ-ઘોષિત ઇસ્લામિક સ્ટેટમાં તેમના સમાન દુશ્મનને ઓળખી કાઢ્યો છે.

source: bbc.com/gujarati


No comments:

Post a Comment