Wednesday, 16 July 2025

નૌસેનાનું ફાઇટર જેટ ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બની આસ્થા પૂનિયા

આસ્થાને દેશની સેવા કરવાની તીવ્ર ઇચ્છા હતી, જે તેણે નેવીમાં જોડાઈને પૂરી કરી



નૌસેનાનું ફાઇટર જેટ ઉડાડનાર પહેલી મહિલા પાઇલટ બની આસ્થા પૂનિયા



ઘરને સાચવવાથી માંડીને દેશની સીમાને સાચવવાની જવાબદારી મહિલાઓ બહુ સારી રીતે નિભાવી રહી છે. સેનામાં હવે મહિલાઓની ભાગીદારી વધી રહી છે. એટલું જ નહીં તેઓ નવો નવો ઇતિહાસ રચી રહી છે. તેમણે આકરી મહેનત, અનુશાસન અને દેઢ સંકલ્પથી પોતાના સપનાને પાંખ આપી છે. થોડા સમય પહેલાં ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાની વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે અગત્યની ભૂમિકા ભજવી હતી. એ સંકેત છે કે ભારતીય સશસ્ત્ર દળમાં મહિલાઓની ભૂમિકા હવે સીમિત રહી ગઈ નથી, એ હવે મુખ્ય ઓપરેશનની જવાબદારી પણ ભજવી શકે છે. એમાં હવે એક કડી નવી ઉમેરાઈ છે. એ છે ફ્રન્ટ લાઈન ફાઈટર પ્લેન ઉડાડવાની. પહેલાં નૌસેનામાં મહિલાઓને આ કામગીરી આપવામાં આવતી નહોતી. જેની શરૂઆત આસ્થા પૂનિયા દ્વારા કરવામાં આવશે. નૌસેનામાં ફરજ બજાવતી મહિલાઓ માટે ગર્વની વાત છે. આમ જોવા જઈએ તો આ ક્ષેત્રમાં માઇલ્ડ સ્ટોન બનીને આસ્થાએ અન્ય મહિલાઓનો માર્ગ પણ મોકળો કરી દીધો.

કમ્પ્યૂટર સાયન્સમાં બીટેક કરનારી આસ્થા ભારતીય નૌસેનામાં ઓફિસર તરીકે સિલેક્ટ થઈ છે. તે નૌસેનાની પહેલી મહિલા ફાઈટર પાઈલટ બનીને ઇતિહાસ રચવા ઉપરાંત મહિલા જો ધારે તો કંઈ પણ કરી શકે છે એ સમગ્ર દુનિયાને બતાવશે. આસ્થા આમ જોવા જઈએ તો બાગપતના હિસાવદા ગામની વતની છે, પણ તેનો સમગ્ર પરિવાર મેરઠમાં જ રહે છે. તેના પિતા અરુણ પૂનિયા સરધનામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં મેથ્સના શિક્ષક છે. તેની માતા સંયોગિતા પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. આસ્થાને એક ભાઈ છે જેનું નામ હર્ષવર્ધન છે. પૂનિયાએ સ્કૂલનો અભ્યાસ મેરઠમાં કર્યો. એ પછી રાજસ્થાનમાં જયપુરમાં આવેલ વનસ્થલી વિદ્યાપીઠ કમ્પ્યૂટર સાયન્સ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ કરતી વખતે આસ્થાએ પ્રાઇવેટ કંપનીમાં નોકરી નહીં કરવાનું નક્કી કરી લીધું હતું. તેને કંઇક મોટું અને અલગ કરવું હતું, તેથી આસ્થાએ ડિફેન્સ સેક્ટરની 

પસંદગી કરી. બીટેક પછી તેણે એસએસબીની અઘરી પરીક્ષા પાસ કરી અને ઇન્ટરવ્યૂમાં તેણે આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને માનસિક મજબૂતીના આધારે પસંદ કરવામાં આવી. એ પછી મેડિકલ અને ટ્રેનિંગની બધી પ્રક્રિયા પૂર્ણ કરીને ભારતીય નૌસેનામાં ઓફિસર બની ગઇ. એસએસબીમાં સિલેક્ટ થયા પછી કેરલના કુન્નુરમાં આસ્થાની એક વર્ષની ટ્રેનિંગ શરૂ થઇ અને એ પછી વિશાખાપટ્ટનનમાં એક વર્ષ ફાઇટર પાઇલટ તરીકે ટ્રેનિંગ લીધી. આસ્થા પુનિયાને વિંગ્સ ઓફ ગોલ્ડ સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માન નૌસેનાની ફાઈટર પાઇલટ બનવાની લાયકાતનું પ્રતીક છે. અત્યાર સુધી નૌસેનામાં મહિલાઓ હેલિકોપ્ટર અને દરિયાઈ ગશ્તી વિમાન સુધી સીમિત હતી. પહેલી વખત કોઇ મહિલાને કોમ્બેટ ફાઇટર જેટ ઉડાડવાની જવાબદારી મળી છે. તે આઇએનએસ વિક્રમાદિત્ય અને આઇએનએસ વિક્રાંત જેવા એરક્રાફ્ટ કરિયરથી ઉડાન ભરશે. આ એક ઐતિહાસિક પરિવર્તન છે, જે નૌસેનાની નીતિમાં જેન્ડર ઇક્વાલિટીને દર્શાવે છે.

૨૪ વર્ષની આસ્થા જ્યારે નાની હતી ત્યારે આકાશમાં જ્યારે જ્યારે વિમાન અને હેલિકોપ્ટર પસાર થાય ત્યારે ઘરની બહાર નીકળીને તેને ઊડતા જોતી રહેતી. એ સમયે તેને વિમાન ઉડાડવાની ઇચ્છા થઈ આવતી અને મમ્મી કે પપ્પાને કહેતી પણ ખરી કે હું આકાશમાં વિમાન ઉડાડીશ. આસ્થાને દેશની સેવા કરવાની તીવ્ર ઇચ્છા હતી, જે તેણે નેવીમાં જોડાઈને પૂરી કરી.

આસ્થા પૂનિયાએ મેળવેલી ઉપલબ્ધ સમગ્ર દેશની દીકરીઓ માટે મિસાલ છે, જે દર્શાવે છે કે ઇચ્છાશક્તિ મજબૂત હોય, તો કોઈ પણ ક્ષેત્ર મહિલાઓ માટે બંધ નથી. પહેલાં કોઇ મહિલાને ફાઈટર જેટ ઉડાડવાની પરમિશન નહોતી. હવે આસ્થા દ્વારા ભારતીય નૌસેનાનું ફાઈટર જેટ ઊડવા માટે બિલકુલ તૈયાર છે. આસ્થા કહે છે કે, જે ક્ષેત્રમાં મહિલાઓ કામ કરતી ન હોય, એ ક્ષેત્રમાં શરૂઆતમાં તકલીફ પડે, પરંતુ ઇચ્છાશક્તિ મજબૂત હોય તો એમાં સફળ થાઓ જ છો, તેથી ફિલ્ડમાં આવતી મુશ્કેલીઓથી ક્યારેય ગભરાવું જોઈએ નહીં. તેનો સામનો કરીને આગળ વધવું જોઈએ.

No comments:

Post a Comment