Wednesday 25 March 2020

છંદ ની સમજ

'મંથનની છંદમાળા'ના વર્ગમાં તમારું સ્વાગત છે. 
તો મિત્રો, આપણે આજે અભ્યાસની શરૂઆત કરીએ.

છંદ અમુક નિશ્ચિત કરેલાં બંધારણમાં શબ્દોને લખવાની રીત છે. શબ્દોની લયબદ્ધ ગોઠવણીથી છંદ બને છે. છંદને સમજવા માટે શબ્દ સમજવો પડે અને શબ્દને સમજવા માટે અક્ષરો સમજવા પડે. અક્ષરોને વજન પ્રમાણે લઘુ અને ગુરુ એમ બે ભાગમાં વહેચેલા છે. તો ચાલો સૌપ્રથમ અક્ષરોને ઓળખીએ 

પાઠ (૧) 
પહેલાં આપણે લઘુ અક્ષરો શીખી લઈએ 
~ ક થી ક્ષ બધા માત્રા વગરના અક્ષરો લઘુ અક્ષરો ગણાય છે. 
~ લઘુ અક્ષરો માટે ‘લ’, ૧ અથવા U એવી સંજ્ઞાઓ વપરાય છે. 
~ અ, ઇ, ઉ, અને હ્રસ્વ માત્રાવાળા અક્ષરો જેમ કે પુ, નિ, તુ વગેરે લઘુ અક્ષર ગણાય છે.
~ ઘણીવાર માત્રાવાળા એકાકી અક્ષરો જેવાકે, કે, જે, છે, છું, છો, તે, આ, ને, હું, તું, સૌ વગેરેને લઘુ ગણવામાં આવે છે.
~ પ્ર, ક્ર, મૃ, ઋ, તૃ, ત્ર વગેરે લઘુ ગણવાના છે. 

આ સ્થૂળ નિયમો છે. જ્યારે કાવ્યમાં વપરાય ત્યારે લઘુ - ગુરુનું વજન નક્કી કરવા અમુક બાબતોને અનુસરવાની હોય છે, *તે બાબતો આપણે આગળ સમજીશું*  અત્યારે ઉપરોક્ત નિયમ મુજબ રીયાઝ કરીશું.  
દા.ત. : 
પ્રિત=લલ,    
ઋતુ=લલ,     
સફર=લલલ, 
કમળ=લલલ, 
સુમિત=લલલ,     
કિરણ=લલલ, 
અવસર=લલલલ,     
અણસમજુ=લલલલલ

*સ્વાધ્યાય ૧.૧* : હવે તમે નીચે આપેલા બંધારણ પ્રમાણે બે -ત્રણ શબ્દો લખી સ્વાધ્યાય કરો.  
(૧) લલ (૨) લલલ (૩) લલલલ

હવે આપણે ગુરુ અક્ષરો શીખી લઈએ 
~ આ, એ, ઐ, ઓ, ઔ, ઈ, ઊ, અને તમામ દીર્ઘ માત્રાવાળા અને અનુસ્વાર (માથે મીંડું)વાળા અક્ષરો જેમ કે, દા, મેં, ધૈ, છો, કૌ, ગી, મૂ, ચં  વગેરે ગુરુ અક્ષર ગણાય છે. 
~ પ્ર, ક્ર, મૃ, ઋ, તૃ, ત્ર વગેરેને જો દીર્ઘ માત્રા લાગેલી હોય તો ગુરુ ગણવા. જેમ કે, પ્રે, ક્રી, ત્રો ગુરુ ગણાય.
~ગુરુ અક્ષરો માટે ‘ગા’, ૨ અને – (લીટી) સંજ્ઞાઓ વપરાય છે.  
મહેન્દ્ર = મ-હે-ન્દ્ર = લગાલ 
અથવા    ૧ ૨ ૧ 
અથવા  u  _  u  એમ લખી શકાય  
એ પ્રમાણે નીચેના શબ્દોમાં પણ લઘુ અને ગુરુ અક્ષરોને સમજીએ.  
જીત=ગાલ, મેના=ગાગા, કૃપા=લગા, હંસ=ગાલ    અમૃત=ગાલલ, સંજોગો=ગાગાગા, સંગાથ=ગાગાલ, જીંદગી=ગાલગા, પ્રકાશ=લગાલ, કૌવત=ગાલલ,        મનમાંથી=લલગાગા,

*સ્વાધ્યાય 1.2* : હવે તમે નીચે આપેલા બંધારણ પ્રમાણે બે-ત્રણ શબ્દો શોધી કાઢો.

(૧) લલ (૨) લલલ (૩) લલગાગા (૪) લલલલ (૫) લગાગા (૬) ગાગાગા (૭) ગાગાલ (૮) ગાલગા (૯) લગાલ (૧૦) ગાલલ (૧૧) લલગાલ

*સ્વાધ્યાય 1.3* - નીચેના શબ્દોનું વજન (બંધારણ) જણાવો. 
વિભૂતિ, કૃષ્ણ, ગોદાવરી, અવઢવ, સાચવવાનું, તપાસણી, મહેમાન, હૃદય, બહુ, ખુદા.

અહીં, આપણે પહેલો લેશન પૂરો કરીએ. તમારા પ્રતિભાવોને આધારે હવે આગળ વધીશું, બીજા લેશન તરફ.

No comments:

Post a Comment