Sunday 16 June 2024

સુબ્રમણ્યમ ચંદ્રશેખરઃ એક ભુલાઈ ગયેલી વૈજ્ઞાનિકની સુંદર દાસ્તાં


 
 થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર વાંચવા મળ્યું કે . ભારતના એક વૈજ્ઞાનિક સુબ્રમણ્યમ ચંદ્રશેખર, જ્યારે શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ત્યારે માત્ર બે વિદ્યાર્થીઓને ભણાવવા માટે 250 કિલોમીટરનો પ્રવાસ કરતા હતા. કોઈએ પૂછ્યું કે તમે બે વિદ્યાર્થીઓ માટે આટલે દૂર કેમ જાવ છો, તો ચંદ્રશેખરનો જવાબ બહુ સાદો હતો. 'બંને બહુ તેજસ્વી વિદ્યાર્થી છે.' તેજસ્વી વિદ્યાર્થી હોય તો શિક્ષકનો ઉત્સાહ કેવો હોય તેનું આ ઉદાહરણ
છે. ભારતમાં મોટા થયા પછી ઉચ્ચ અભ્યાસ માટે તે અમેરિકા ગયા હતા. ત્યાં શિકાગો યુનિવર્સિટીમાં તેમને નોકરી મળી હતી અને તે ત્યાં જ રહી ગયા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરોમાં તેમની અને તેમના કોર્સની લોકપ્રિયતાને લઈને બહુ ઘમંડ રહેતો હતો.

એટલે ચંદ્રશેખરના એસ્ટ્રોફિઝિક્સના કોર્સમાં માત્ર બે જ વિદ્યાર્થીઓએ અરજી કરી તો, એક તો તેમની મજાક ઊડવા લાગી અને બીજું એવું માની લેવાયું કે મુખ્ય કેમ્પસથી 250 કિલોમીટર દૂર આવેલી યકેસ ઓબ્ઝર્વેટરીમાં માત્ર બે વિદ્યાર્થીઓ માટે તે નહીં જાય.

ડૉ. ચંદ્રશેખરે કોર્સ રદ ન કર્યો, કારણ કે એ તેમનો ગમતો વિષય હતો અને તેને ઊંડાણથી ભણાવવાનો કોઈ અવસર જવા દેતા નહોતા. ઉલટાનું. નાનો ક્લાસ હતો એટલે ચેન નિંગ યાંગ અને સુંગ-ડાઓ લી નામના ચાઈનીઝ વિદ્યાર્થીઓ અને શિક્ષક ગહન જ્ઞાન વિકસિત કરવા, નવી ધારણાઓનું નિર્માણ કરવા અને નવાં ક્ષેત્રોની તપાસ કરવા માટે વધુ સક્ષમ હતા.

એ ત્રણ લોકોએ એ ક્લાસમાં ભૌતિકશાસ્ત્રની બારીક વાતો અને બ્રહ્માંડનાં વિશાળ રહસ્યોની એવી શોધખોળ કરી કે વર્ષો પછી એક ઈતિહાસ રચાયો હતો. એ ઇતિહાસની વાત પછી કરીએ, પહેલાં આ સુબ્રમણ્યમ ચંદ્રશેખરને ઓળખીએ જે ભારતમાં આમ લોકોની યાદદાસ્તમાં ગુમનામ છે.

ચંદ્રશેખર એક મહાન ખગોળશાસ્ત્રી હતા. ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં તેમની મહાન શોધો અને કાર્યો [ માટે 1983માં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા હતા. નોબેલ પુરસ્કાર મેળવનારા તે ત્રીજા ભારતીય વૈજ્ઞાનિક હતા. તે પહેલાં 1930માં ચંદ્રશેખર વેંકટરમણ (ફિઝિક્સ) અને 1968માં ડૉ. હરગોવિંદ ખુરાના (ફિઝિયોલોજી અથવા મેડિસિન)ને વિજ્ઞાનના ક્ષેત્રમાં આ સિદ્ધિ મળી છે. નોબેલ

પુરસ્કાર જીતનાર તેઓ પાંચમા ભારતીય હતા. વિજ્ઞાનના ક્ષેત્ર ઉપરાંત 1913માં સાહિત્ય માટે આ સિદ્ધિ મેળવનાર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને 1979માં શાંતિ અને સદભાવના માટે નોબેલ પુરસ્કાર મેળવનાર બીજાં મધર ટેરેસા હતાં.

ચંદ્રશેખરે તેમનાં કાર્યો અને સિદ્ધિઓ માટે નોબેલ પુરસ્કાર મેળવીને વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. એસ્ટ્રોફિઝિક્સના ક્ષેત્રમાં સુબ્રમણ્યમની ખ્યાતિ એ જ કારણે છે કે તેમને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તારાઓ પર તેમનું સઘન સંશોધનકાર્ય અને ચંદ્રશેખર લિમિટ' તરીકે ઓળખાતા એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતને હજુ પણ ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં એક સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે.



ચંદ્રશેખરની આ મહાન શોધે માત્ર અગાઉની અધૂરી શોધોના સિદ્ધાંતોને જ પુનર્જીવિત કર્યા હતા એટલું જ નહીં, પરંતુ ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં ભવિષ્યનાં ઘણાં સંશોધનો માટેનો માર્ગ પણ મોકળો કર્યો હતો. આ સફળ શોધે તેમને નોબેલ પુરસ્કાર અપાવ્યો હતો.

ચંદ્રશેખરનો જન્મ 19 ઓક્ટોબર, 1910ના રોજ લાહોર (હવે પાકિસ્તાન) માં થયો હતો. દક્ષિણ ભારતીય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ચંદ્રશેખર 7 ભાઈ-બહેનોના પરિવારમાં સૌથી મોટા પુત્ર હતા. તેમના પિતા શ્રી સી. એસ.ઐયર બ્રિટિશ સરકારના રેલવે વિભાગમાં અધિકારી હતા.

બાળપણથી જ તેમને રમતગમત કરતાં પુસ્તકોમાં વધુ રસ હતો. ભવિષ્યમાં મહાન વૈજ્ઞાનિક બનવાના ગુણો તેમના લોહીમાં હતા, તો તે ખોટું ન કહેવાય. શિક્ષિત માતાપિતાના ઘરે જન્મેલા ચંદ્રશેખર મહાન ભૌતિકશાસ્ત્રી શ્રી ચંદ્રશેખર વેંકટ રમણના ભત્રીજા હતા. તેમનો જન્મ થયો તે સમયે વેંકટરમણ ભારતમાં ભૌતિકશાસ્ત્રનો પાયો નાંખી રહ્યા હતા. તેમના

સહાધ્યાયીઓ તેમના અભ્યાસક્રમનાં પુસ્તકો સિવાય બીજું કંઈ વાંચતા નહોતા, પરંતુ સુબ્રમણ્યમ નિયમિતપણે પુસ્તકાલયમાં જતા હતા અને ભૌતિકશાસ્ત્રનાં જે પણ નવાં પુસ્તકો મળતાં હતાં તે અને સંશોધનપત્રો પણ વાંચતા હતા. તેમણે બી.એસસી. ના ભૌતિક વિજ્ઞાન ઓનર્સમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.

તે પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને ત્યાં ભણ્યા પછી અમેરિકા ગયા હતા. જોકે, ચંદ્રશેખર 20 વર્ષની ઉંમરે પોતાની માતૃભૂમિ છોડીને વિદેશ ચાલ્યા ગયા હતા. જ્યાં તેમણે લગભગ 7 વર્ષ ઇંગ્લેન્ડમાં અને બાકીનું જીવન અમેરિકાની પશ્ચિમી સંસ્કૃતિના સંપર્કમાં વિતાવ્યું, પરંતુ તેઓ પોતાના દેશ ભારત અને તેની સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નહીં. તેઓ ભારતીય જીવનશૈલી અનુસાર જીવતા હતા. તેઓ ઘણી વાર તેમના ઘરમાં દક્ષિણ ભારતીય પોશાક ધોતી કુરતો પહેરતા હતા. ખગોળશાસ્ત્રી હોવા છતાં તેમને સંગીતમાં વિશેષ રસ હતો.
ચંદ્રશેખર 1936માં ભારત આવ્યા હતા, પરંતુ તેઓ થોડો સમય સુધી જ રહ્યા હતા. તે જ સમયે તેમણે જીવનસાથીની પસંદગી કરી હતી અને તેને સાથે અમેરિકા લઈ ગયા હતા. તેમનાં પત્ની લલિતા દુરઈ સ્વામી પણ એક વૈજ્ઞાનિક હતાં. તેમણે ભારતમાં મહાન વૈજ્ઞાનિક વેંકટરમણની વિજ્ઞાન સંશોધન શાળામાં કામ કર્યુ હતું.
 વિજ્ઞાન શીખવા અને શીખવવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાન વૈજ્ઞાનિક સુબ્રમણ્યમ ચંદ્રશેખરે 21 ઓગસ્ટ, 1995ના
રોજ 85 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી. 

સુબ્રમણ્યમ ચંદ્રશેખરની સિદ્ધિઓથી ભરપૂર વૈજ્ઞાનિક જીવનમાં એક વિડંબના એ હતી કે તેમણે 1935-1936માં જે શોધ કરી હતી તેના માટે લગભગ 47-48 વર્ષ પછી 1983માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

વિડંબના કેવી કે શિકાગોમાં યર્કેસ ઓબ્ઝર્વેટરીમાં તેમના બે વિદ્યાર્થીઓને તેમના પહેલાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ચેન નિંગ યાંગ 35 વર્ષના હતા જ્યારે તેમને 1957માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમના સહ-સન્માનિત સુંગ-દાઓ લી માત્ર 31 વર્ષના હતા. આ બંને લોકો નોબેલ પુરસ્કારના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના વિજેતા છે.

નોબેલ પુરસ્કારના ઇતિહાસમાં, પૂરા ક્લાસને અને તેના શિક્ષકને નોબેલ પુરસ્કાર મળ્યો હોય તેવું માત્ર ચંદ્રશેખરના એસ્ટ્રોફિઝિક્સ કોર્સમાં જ બન્યું છે. 


પૂરા ક્લાસ અને તેના શિક્ષકને નોબેલ મળ્યો હોય તેવું માત્ર ચંદ્રશેખરના કેસમાં જ બન્યું છે

સુબ્રમણ્યમ ચંદ્રશેખરઃ એક ભુલાઈ ગયેલી વૈજ્ઞાનિકની સુંદર દાસ્તાં

ચંદ્રશેખરની આ મહાન શોધે માત્ર અગાઉની અધૂરી શોધોના સિદ્ધાંતોને જ પુનર્જીવિત કર્યાં હતા એટલું જ નહીં, પરંતુ ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં ભવિષ્યનાં ઘણાં સંશોધનો માટેનો માર્ગ પણ મોકળો કર્યો હતો. આ સફળ શોધે તેમને નોબેલ પુરસ્કાર અપાવ્યો હતો

No comments:

Post a Comment