Wednesday 14 November 2018

બિરસા મુંડા જન્મ દિન વિશેષ

આજે 15 નવેમ્બર,

આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાનો જન્મદિવસ

બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875નાં દિવસે ઉલીહાતુ ગામ, રાંચી, ઝારખંડમાં થયો હતો.

બિરસાએ  પ્રાથમિક શિક્ષા સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ 1886માં ચાઈબાસા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બિરસાનું મન વારંવાર વિચલિત થઇ જતું.

1894માં છોટાનાગપુરમાં ચોમાસું સારું ન થતા ભયંકર દુષ્કાળ અને મહામારી ફેલાઇ. આ સમયે બિરસાએ આદિવાસીને એકત્ર કર્યા અને બ્રિટિશ સરકાર સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું. આદિવાસીઓ બિરસા ને ભગવાન માનવા લાગ્યા. બિરસાએ આદિવાસીઓ ને નારો આપ્યો-

"अबुआ: दिशोम रे अबुआ: राज"
'અમારા દેશમાં અમારું શાસન'

આ નારા સાથે આદિવાસીઓ એ જળ, જમીન અને જંગલ માટે 'ઉલગુલાન આંદોલન' કર્યું. આદિવાસીઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહિ. 1895 માં બિરસા ને પકડી લેવામાં આવ્યા અને 2 વર્ષ સુધી જેલમાં કેદ કરવામાં આવ્યા. બિરસા જેલમાં હોવા છતાં એમણે સળગાવેલી આંદોલનની આગ એમના શિષ્યો એ સળગતી જ રાખેલી.

1897માં જેલ માંથી બહાર આવતાં જ બિરસા એ 400 આદિવાસીઓ ને એકત્ર કાર્ય અને તીર-કામઠાઓ સાથે ખુંટીના પોલીસ થાણા પણ હુમલો કર્યો.
1898માં તાંગા નદીના કિનારે આદિવાસીઓ અને અંગ્રેજો સામે સીધું યુદ્ધ થયું જેમાં અંગ્રેજોએ હાર માની ભાગવું પડ્યું હતું.

આદિવાસીઓ ને અંગ્રેજો તરફ ક્રાંતિ માટે ઉશ્કેરનાર બિરસા મુંડાને અંગ્રેજ સરકાર હવે કોઈ પણ ભોગે કેદ કરવા માથામાં કરવા લાગી હતી.

3 જાન્યુઆરી 1900 ના દિવસે બિરસા મુંડા ડૉમ્બવાલી પહાડી પર વિશાળ આદિવાસી જનસભાને સંબોધી રહ્યા હતા અને આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા હતાં. આ સમયે અંગ્રેજોની વિશળ સેનાએ પુરા આદિવાસી આંદોલનને ચારે તરફ થી ઘેરી લીધું અને બંદૂકો તથા  લાઠીઓ વડે આદિવાસીઓ પર પ્રાણઘાતક હુમલો કર્યો. આ ઘટના જલિયાંવાલા બાગના હત્યાકાંડ જેવી જ હતી. અસંખ્ય આદિવાસી યુવાનો, સ્ત્રીઓ અને બાળકો મૃત્યુ પામ્યા અને બિરસાના તમામ શિષ્યોને પકડી લેવામાં આવ્યા.

3 ફેબ્રુઆરી 1900 ના દિવસે બિરસાને પણ પકડી લેવામાં આવ્યા અને જેલમાં કેદ કરવામાં આવ્યા.

જેલમાં જ 9 જૂન 1900 ના દિવસે બિરસા મુંડા એ અંતિમ શ્વાસ લીધા.

આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડા ને 'ભગવાન' અને 'ધરતી બાબા' ના નામ થી પૂજે છે.

એમની યાદમાં રાંચીમાં એમની પ્રતિમા મુકવામાં આવી છે, રાંચી જેલ ને 'બિરસા મુંડા કેન્દ્રીય કારાગૃહ' નામ આપવામાં આવ્યું છે તથા રાંચી એરપોર્ટને 'બિરસા મુંડા એરપોર્ટ' નામ આપવામાં આવ્યું છે.

No comments:

Post a Comment