Tuesday, 1 June 2021

પ્રેરક પ્રસંગ ---ગોરખનાથ

 


                ભય !

એક વાર ગુરુ મચ્છન્દ્રનાથ  અને તેમના શિષ્ય ગોરખનાથ એક સ્થળેથી બીજે સ્થળે જતા હતા .રસ્તામાં એક સુંદર તળાવ આવ્યું .ગુરુ કહે ;’’બેટા ગોરખ,આ ઝોળી બરાબર સંભાળીને અહી ઝાડ તળે તું બેસ .હું હમણાં નાહીને આવું છું .’’

          ગુરુ મચ્છન્દ્રનાથ  ઝોળી સોપીને ગયા .પણ ઝોળીમાં કશું ભારે ભારે જણાવાથી ગોરખનાથે ઝોળી ઉપાડીને જોયું ,તો એમાં સોનાની ઈંટ !

       એ જોઇને ગોરખનાથને ભારે નવાઈ લાગી .તે મનમાં કહેવા લાગ્યા .;’’અરે ગુરુજી જેવા સિદ્ધ પુરુષ આવી કાંચનની માયામાં કયાંથી ફસાઈ પડ્યા ?કાંચન ,ધન  એ તો માણસને માણસાઈ વિનાનો કરી મૂકે છે ,માણસની જંજાળ  વધારે છે અને જેમ જેમ એ મળતું જાય તેમ તેમ વધારે ને વધારે મેળવવાનો લોભ થતો જાય  .ધન શું કે સુવર્ણ શું ,એ બધું અનર્થનું મૂળ છે .ધર્મશાસ્ત્ર એટલે જ સંન્યાસીઓને  ઉપદેશ આપે છે કે ,પૈસાનો જો  સ્પર્શ થી જાય ,તો સન્યાસીએ  ત્રણ દિવસ જેટલું તપ કરીને  પ્રાયશ્ચિત કરીને પવિત્ર બની જવું ,તો પછી ગુરુજી આવી માયાજાળમાં શી રીતે લપટાયા ?’’ એમ વિચાર કરીને ગોરખનાથે એ સોનાની ઈંટને બીજી બાજુએ જઈને તળાવમાં ફગાવી દીધી .

   થોડી વાર પછી ગુરુ મચ્છીન્દ્રનાથ આવ્યા .આગળ ચાલતાં પહેલાં તેમણે પૂછ્યું ;બેટા ,આપણને નિર્જન રસ્તે થઈને જવાનું છે .રસ્તામાં કશો ભય તો નથી  ને ? ‘’

   ગોરખનાથ દ્રઢ અવાજે બોલ્યા ;’’ ગુરુજી ,ભયને તો મેં કયારનો આપની ઝોળીમાંથી ફગાવી દીધો છે !  આપ સુખેથી આગળ ચાલો .’’

  શિષ્યની કસોટી કરતા ગુરુ મચ્છીન્દ્રનાથ પોતાના વહાલા શિષ્ય ગોરખનાથની આવી કાંચન –મુક્તિની દશા જોઇને મનમાં આનંદ પામતાં આગળ ચાલ્યા .

  પચાસ પ્રેરક પ્રસંગ પુસ્તકમાંથી ----સાભાર

મુકુલભાઈ કલાર્થી


સંકલન ---રામજીભાઈ રોટાતર

No comments:

Post a Comment