શહેરની નામાંકિત શાળામાં મનન ભણતો હતો. તેના પિતા ઈજનેર હતા. તેના મા હોસ્પિટલમાં નર્સ હતાં. મનન ભણવામાં તેજસ્વી હતો. વળી, રમતગમતમાં પણ તે હંમેશા આગળ રહેતો હતો.
શાળાના આચાર્યનો તે પ્રિય વિદ્યાર્થી હતો. શિક્ષકોનો પણ તે માનીતો હતો. તેના અનેક મિત્રો શાળામાં હતા. સહુ તેને પસંદ કરતા હતા કારણ કે તે મિલનસાર અને નમ્ર હતો. જરૂર પડયે તે કોઈને પણ મદદ કરવા દોડી જતો.
મનનના વર્ગમાં બે વિદ્યાર્થીઓ એવા હતા જે મનનની ઈર્ષા કરતા હતા. એકનું નામ હર્ષ હતું જ્યારે બીજાનું નામ મોન્ટી હતું. બેઉ જણ કરોડપતિ પિતાના સંતાનો હતા. બન્નેના કુટુંબો શહેરના જાણીતા કુટુંબોમાં ગણાતાં હતાં.
હર્ષ અને મોન્ટુ એવું ઇચ્છતા હતા કે સહુ તેમને મનન કરતા વધુ માન આપે. બધા તેમની આગળ પાછળ ફરે. પણ, તેમ થતું નહોતું. આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હર્ષ અને મોન્ટુની દરકાર કરતા જ નહોતા જાણે.એ માટે કારણભૂત હતો બન્નેનો ઉધ્ધત સ્વભાવ. ગમે ત્યારે તેઓ કોઈનું પત્ર અપમાન કરી નાખતા. તેમની જીભ ઉપર ઝેર ભરેલું હતું. કેટલીય વાર તે બન્ને મારામારી ઉપર પણ ઊતરી આવતા હતા. પિતાની સંપત્તિનો રોફ તે દાખવતા રહેતા
આ ઉપરાંત તે અભ્યાસમાં પણ સામાન્ય હતા. માંડ માંડ પાસ થતા હતા. વર્ગમાં અપાતું ગૃહકાર્ય પણ કોઈ દિવસ તે કરતા નહિ. ચાલુ વર્ગમાં તેમની વાતો ચાલતી રહેતી બીજા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચતી, પણ, હર્ષ અને મોન્ટુ કોઈની દરકાર કરતા નહિ
શાળાના વાર્ષિકોત્સવના પ્રસંગે મનનને અનેક પારિતોષિકો મળ્યા. શાળાના આચાર્યે મનને શાળાનું અણમોલ રત્ન ગણાવી તેની ભરપૂર પ્રશંસા કરી. સહુ તાળીઓ પાડીને મનનને વધાવી રહ્યા હતા. મનન સહુનું અભિવાદન ઝીલી રહ્યો હતો.
હર્ષ અને મોન્ટુ સહુથી છેલ્લી હરોળમાં ગુમસુમ થઈને બેઠા હતા. મનનના વખાણ તેમને દઝાડી રહ્યા હતા. મનન ઉપર તેમને ક્રોધ આવી રહ્યો હતો. હર્ષે ધીમેથી મોન્ટુના કાનમાં કહ્યું, “હવે તો હદ થાય છે. આ મનનનો બચ્ચો તો
હીરો બની ગયો છે.”
“હા, હર્ષ, તેની હીરોગીરી ઊતારવી જ પડશે.” મોન્ટુ દાઢમાં બોલ્યો.
“શું કરીશું કે જેથી મનન ઝીરો થઈ જાય !”
“મારા મનમાં એક વિચાર આવી રહ્યો છે.” મોન્ટુ ધીમેથી બોલ્યો.
“એક કામ કરીએ. આપણે એકાંતમાં ચર્ચા કરીએ. અહીં કોઈ સાંભળી લેશે તો નાહકની મુશ્કેલી ઊભી થશે.” હર્ષે સૂચન કર્યું.
બેઉ જણ શાળાના મેદાનનાં દૂરના છેડે જઈને ઊભા રહી ગયા. હર્ષ મોન્ટુ સામે જોઈ
રહ્યો હતો.
મોન્ટુ બોલ્યો, “અઠવાડિયા બાદ છ માસિક પરીક્ષા છે. આપણે કેટલીક કાપલીઓ બનાવીશું. પરીક્ષા અગાઉ, વર્ગમાં મનનની પાટલી નીચે આ કાપલીઓ મૂકી દઈશું. આપણું અડધું પે૫૫ પૂરૂ થવાની તૈયારીમાં હશે તે વખતે આપણે બંને વર્ગમાં હાજર સુપર વાઈઝરનું ધ્યાન કાપલીઓ તરફ દોરીશું. સુપરવાઈઝર મનનને કાપલીઓમાંથી લખવા માટે આચાર્ય સમક્ષ હાજર કરશે. બસ, મનન આખી શાળામાં બદનામ થઈ જશે. સહુનો પ્રિય મનન અણમાનીતો બની જશે.”
હર્ષને આ વિચાર ગમી ગયો. બેઉ જણ કાપલીઓ તૈયાર કરવાના કામમાં તે રાતથી જ લાગી ગયા. અંતે પરીક્ષાનો દિવસ આવી ગયો.
હર્ષ અને મોન્ટુ પરીક્ષા ખંડમાં સહુથી પહેલા પહોંચી ગયા. જે સ્થાને મનન બેસવાનો હતો તે પાટલી બન્નેએ તેના ક્રમાંક ઉપરથી શોધી કાઢી. હર્ષે ખીસામાંથી પચીસ જેટલી કાપલીઓ કાઢી અને પાટલી નીચે સિફતથી મૂકી દીધી.
ઘંટ વાગતા જ સહુ વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા. મનન પોતાને સ્થાને ગોઠવાયો. હર્ષ અને મોન્ટુ પોતપોતાની પાટલીઓ ઉપર હતા. બન્નેના મુખ ઉપર સ્મિત હતું. પરીક્ષા ચાલુ થઈ. હર્ષ અને મોન્ટુનું ધ્યાન મનનની પાટલી નીચે મૂકાયેલી કાપલીઓ ઉપર જ હતું. એક વિદ્યાર્થીએ શિક્ષકને પંખો ચાલુ કરવાની સૂચના આપી. શિક્ષક પંખો ચાલુ કર્યો.
અને પંખાની હવામાં મનની પાટલી નીચેની કાપલીઓ સરકવા માંડી. થોડી કાપલીઓ હર્ષની પાટલી નીચે આવીને અટકી ગઈ. બાકી વધેલ મોન્ટુની પાટલી નીચે જતી રહી. હર્ષ અને મોન્ટુ બેબાકળા બની ગયા. કાપલીઓ તેમના માથે જ પડી હતી. બેઉ જણ નીચા નમીને પાટલીઓ નીચેની કાપલીઓ ખસેડવાની ક્રિયામાં જોતરાઈ ગયા. સલામતી જરૂરી હતી, બન્ને માટે.
સુપર વાઈઝરનું ધ્યાન હર્ષ અને મોન્ટુ તરફ ગયું. તે તરત જ બંને પાસે પહોંચ્યા. નીચે નમીને પાટલી નીચે જોયું. બંનેની પાટલીઓ નીચે કાપલીઓ હતી.
તરત જ તેમણે કાપલીઓ લઈ લીધી. હર્ષ અને મોન્ટુની ઉતરવહીઓ આંચકી લીધી. કાપલીઓ સાથે બંનેને આચાર્ય સમક્ષ હાજર કરવામાં આવ્યા, બંને જણાની હાલત કફોડી હતી. આચાર્યે તાત્કાલીક બંનેના પિતાઓને ફોન કરીને બોલાવી લીધા. પ્રથમવાર ભૂલ થઈ હોવાથી આચાર્યે બંનેને તાકીદ આપીને માફ કરી દીધા. હર્ષ અને મોન્ટુ મનનને સ્પર્શ કરવાની ખો ભૂલી ગયા.
કહેવત : ખાડો ખોદે, તે પડે.
No comments:
Post a Comment