શહેરના મધ્ય ભાગમાં એક શાળા આવી હતી. ખુબ ગીચ વિસ્તારમાં આ શાળા આવી હોવાથી વિદ્યાર્થીઓને ભણવામાં ખલેલ પડતી હતી. વળી, શાળા શહેરના મુખ્ય માર્ગ ઉપર હતી.
જતા આવતા લોકોનો ઘોંઘાટ, વાહનોના હોર્નના કર્કશ અવાજો, ફેરિયાઓની પોતાનો માલ વેચવા માટેની કર્કશ સ્વરની ઘાંટાઘાટ... બસ, દરેક જાતના અવાજના પ્રદૂષણોથી આ શાળા ઘેરાયેલી હતી.
થોડાક દિવસોથી એક નવી સમસ્યાનો શાળા સામનો કરી રહી હતી. શાળાના કમ્પાઉન્ડમાં એક ઝાડ હતું. કમ્પાઉન્ડ નાનુ હતું અને આ ઝાડ સિવાય કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓની સાઈકલો અને શિક્ષકોના સ્કુટરો નજેર પડતાં રહેતાં.
કેટલાક ગુંડા તત્વો શાળાના આ કમ્પાઉન્માં ઘૂસી જતા અને ઝાડ નીચે આરામ ફરમાવતા. એ ટોળું મોટેથી વાતો કરતું અને ગાળાગાળી પણ કરતું. આ ગાળો દરેક વર્ગમાં સંભળાતી.
શાળાના આચાર્યે બે દિવસ બધું ચાલવા દીધું. ત્રીજે દિવસે તેમણે પટાવાળાને આ મવાલીઓ પાસે મોકલ્યો. પટાવાળો ટોળા પાસે જઈને ઊભો રહ્યો. ગુંડાઓ પટાવાળાને મજાકના ભાવથી જોઈ રહ્યા હતા.
પટાવાળો મનોમન ગભરાઈ રહ્યો હતો. પણ, આચાર્ય સાહેબનું કહ્યું તો માનવું જ પડે ! તે કમને મવાલીઓ પાસે આવ્યો હતો. મવાલીઓ જાણતા હતા કે પટાવાળો શા માટે આવ્યો હતો.
એક મવાલીએ કહ્યું, “બોલ... દીકરા... કેમ આવ્યો છે?”
“તમને કહેવા માટે કે...”
પટાવાળો અટકી ગયો.
“કે શું... ગધેડા ?’’ બીજો ખડખડાટ
હસી પડયો.
ત્રીજું મવાલી ઊભો થયો. તે પટાવાળાની લગોલગ આવીને ઊભો રહી ગયો. પટાવાળો ડરથી ધ્રૂજી રહ્યો હતો. મવાલીએ શાંતિથી પટાવાળા તરફ જોયું. તેના મુળ
ઉપર મજાકનો ભાવ હતો. તે પાનની પિચકારી મારતા બોલ્યો, “શા માટે જતા રહીએ ? તું અમને સમજવ ગધેડા..!”
“સાહેબે કહ્યું છે.”
“તો આ વાત કહેવા તારા સાહેબને મોકલ. તેમના પગમાં મહેંદી મૂકાઈ છે ? આવતા નથી...! ભાગ... અહીંથી.. જા, તારા સાહેબને મોકલાવ.” મવાલી ઊંચ સ્વરમાં બોલ્યો.
પટાવાળો તો ત્યાં ઊભો જ ન રહ્યો. તે સીધો આચાર્યના ખંડમાં ગયો. આચાર્યને બધી વાત કરી. આચાર્યને ક્રોધ આવ્યો. તે પોતાને સ્થાનેથી ઊભા થયા. દાંત પીસતા ને મવાલીઓ પાસે જઈને ઊભા રહી ગયા.
મવાલીઓ તેમની જ રાહ જોઈ રહ્યા હતા.
“આવો, સાહેબ... ફરમાવો.” એક મવાલી આવકારના સ્વરમાં બોલ્યો.
“તમે અબઘડી આ સ્થાન છોડીને જતા રહો. આ મારો હુકમ છે.” આચાર્ય તાડૂક્યા. મવાલીના સરદાર જેવો દેખાતો એક શખ્સ ઉઠીને આચાર્યની લગોલગ ઊભો રહી ગયો. તે પાન ચાવી રહ્યો હતો. તેણે વિચિત્ર રીતે આચાર્ય સામે જોયું. ત્યારબાદ તે પોતાના સાથીઓ તરફ ફર્યો.
તે મશ્કરીના સ્વરમાં બોલ્યો, “અલ્યાઓ... આ પાગલ આપણને હુકમ આપે
છે...! આ વિસ્તારના દાદાઓને હુકમ આપે છે...!”
સહુ જોરથી હસવા માંડ્યા.
સરદારે કડક અવાજમાં બોલ્યો, “માસ્તર, જતો રહે અહીંથી. નહીંતર માર ખાઈશ. અમે આ જગ્યા છોડવાના નથી. થાય તે કરી લે.'
આચાર્યે કંઈક વિચાર્યું અને જતા રહ્યા. તે સાંજના તેમણે શિક્ષકોને ભેગા કર્યા અને સંબોધન કર્યુ. મવાલીઓના પ્રશ્નનો અંત કઈ રીતે લાવવો તેના સૂચનો માગ્યા. સહુ
શિક્ષકો પોલીસને ફરિયાદ કરવાની વિરૂદ્ધમાં હતા.
સહુથી યુવાન શિક્ષક રજનીભાઈએ કહ્યું, “મને કાલનો દિવસ આપો. પરમદિવસે સાંજ સુધીમાં પ્રશ્નનો અંત સરળ રીતે આવી ગયો હશે.”
આચાર્ય રજનીભાઈની મક્કમતા જોઈને પ્રસન્ન થયા.
અન્ય શિક્ષકો પણ રજનીભાઈને તક આપવાની તરફ્સમાં હતા.
બીજે દિવસે રજનીભાઈ દરેક વર્ગમાં ગયા. વર્ગના વિદ્યાર્થીઓ સાથે વાત કરી. પોતાની યોજના સમજાવી. રજનીભાઈને સંપૂર્ણ સહકાર આપવાની દરેક વર્ગે તૈયારી બતાવી. અને પછીના દિવસે બપોરના સમયે મવાલીઓનું ટોળુ ઝાડ નીચે આવીને બેઠું. ગાળાગાળી અને અટ્ટહાસ્યનો કાર્યક્રમ આરંભાયો. પંદર મિનિટ બાદ રજનીભાઈ તેમની પાસે આવ્યા. શાળાનું કમ્પાઉન્ડ છોડી જવા વિનંતી કરી. નફફટ મવાલીઓ હસવા માંડ્યા. સરદાર બોલ્યો, “નહિ છોડીએ તો તું શું કરીશ ?”
અને તરત જ રજનીભાઈએ “સાથીઓ” આ શબ્દ મોટેથી ઉચ્ચાર્યો. તે સાથે જ દરેક વર્ગના વિદ્યાર્થીઓ મેદાનમાં આવી ગયા. આખુ કમ્પાઉન્ડ ભરચક થઈ ગયું.
રજનીભાઈ હસીને બોલ્યા, “હવે તમારા સવાલનો જવાબ આપીશ. તમે આ સ્થાન નહિ છોડો તો આ બધા જ વિદ્યાર્થીઓ તમારી ચટણી બનાવી દેશે. બધા તમારું શું બનાવશે તેની મને ખબર નથી. અમે તમને વિનંતી દ્વારા સમજાવી રહ્યા છીએ, પણ, તમે તમારા ઘમંડમાં જ ડૂબેલા છો.”
મવાલીઓના હૃદયની ગતિ વધી ગઈ હતી, સહુ ચુપચાપ ત્યાંથી જતા રહ્યા. પુનઃ કોઈએ દેખા ન દીધી.
આચાર્યે રજનીભાઈ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. એક ગંભીર પ્રશ્નનો અંત રજનીભાઈએ બુદ્ધિપૂર્વક, હિંસા વગર આણ્યો હતો. મવાલીરાજ શાળામાં ખતમ થયું હતું.
કહેવત : ઝાઝી કીડીઓ સાપને તાણે.
No comments:
Post a Comment