Sunday, 20 August 2023

કહેવત : ગઈ ગુજરી ભૂલી જવી.

૨૦. યાત્રા

રામનગર ગામ.

સુખી લોકોનું ગામ.

ગામમાં એક સમૃદ્ધ વિસ્તાર હતો. ત્યાં એક શેરી હતી. શેરીમાં મોટાભાગના ઘરોમાં વેપારીઓ રહેતા હતા. સહુ પૈસાપાત્ર હતા, સુખમાં આળોટનારા જીવ હતા. તેમાંય દશરથભાઈનું ઘર સહુથી સુખી ઘર ગણાતું હતું. દશરથભાઈ પચાસ વર્ષના તંદુરસ્ત વેપારી હતા. અનાજનો વેપાર કરતા. લક્ષ્મીની રેલમછેલથી તેમનું કુટુંબ ભર્યુ ભાદર્યુ બન્યું હતું. દશરથભાઈના પત્ની લતાબહેન ધાર્મિક વૃત્તિના સ્વી હતાં. માયાળુ સ્વભાવના

લતાબહેન કદી પણ ઊંચા સ્વરમાં વાત કરતાં નહોતાં. સહુના આદરને પાત્ર તે બન્યાં હતાં. દશરથભાઈનો એક માત્ર પુત્ર સરગમ વીસ વર્ષનો યુવક હતો. શાળાંત પરીક્ષા આપીને સરગમે ભણવાનું છોડી દીધું હતું. તે ભણવામાં ખૂબ જ નબળો સાબિત થયો હતો. તેના પિતા તો ઈચ્છતા હતા કે તે ભણીને ગામનું તથા કુટુંબનું નામ રોશન કરે.

પણ, સરગમને ભણવા કરતા બાપના ધંધામાં વધારે રસ હતો. તે નાનપણથી જ પિતા સાથે તેમની પેઢી ઉપર જતો. તે પિતાજીનું અવલોકન કરતો. તે ઘરે આવીને પોતાના ખંડમાં જઈને તેમની નકલ પણ કરતો.

તે પિતાના ધંધામાં જ જોડાવા માગતો હોવાથી દશરથભાઈએ શાળાંત પરીક્ષા બાદ તેને પોતાની સાથે જોતરી લીધો હતો. બે વર્ષમાં જ સરગમે ધધામાં કાબેલિયતના દર્શન સહુને કરાવી દીધા હતા. સરગમ વીસ વર્ષનો હતો પણ તેની ધંધાની સમજ મોટેરાઓ જેવી વિકસી હતી. સરગમના માતા લતાબહેન તો પુત્રની પ્રગતિથી ફૂલ્યા નહોતા સમાતાં.

એક દિવસે લતાબહેને પતિને કહ્યું “મારો વિચાર ચાર ધામની યાત્રા કરવા જવાનો છે.”

દશરથભાઈ હસ્યા. “તેં તો મારા મનની જ વાત કહી દીધી. હું પણ યાત્રા ઉપર જવાનું છેલ્લા કેટલાય સમયથી વિચારી રહ્યો છ’’

“સરગમ તમારો ધંધો સંભાળી શકશે ને ?” “હા, તે મારા જેટલી જ કુનેહ ધરાવે છે.” “તો, ક્યારે જવું છે, યાત્રા ઉપર ?’ લતાબહેન ઉતાવળાં બન્યા હતાં.દશરથભાઈ કશુંક વિચારવા માંડ્યા. બે મિનિટ બાદ તે બોલ્યા, “આવતા અઠવાડિય જવા રવાના થઈ જઈએ તે દરમિયાન હું સરગમને મારા ધંધાની કેટલીક અગત્યની વાતો સમજાવી દઉં.”

અને સાત દિવસ બાદ પતિ-પત્ની ચાર ધામની યાત્રાએ ઊપડી ગયા. સરગમના હાથમાં પિતાનો કારભાર આવી ગયો. તે રાજીનો રેડ થઈ ગયો. સરગમના કેટલાક મિત્રો અવળે માર્ગે ફંટાયેલા હતા. રમણ તેમાંનો એક હતો. તે

સરગમનો ખાસ મિત્ર હતો. તેણે સરગમને ફોસલાવાનું નક્કી કર્યું. તે સુખી ઘરનો હતો પણ તેની કામગીરીને લઈને પિતાએ તેને ઘરમાંથી હાંકી કાઢ્યો હતો. તે તેના એક મવાલીછાપ મિત્રને ત્યાં રહેતો હતો.

તે હંમેશા પૈસાની ભીડમાં રહેતો હોવાથી તેણે સરગમ પાસે પૈસા પડાવવાનું કારસ્તાન રચ્યું. સાંજના સહુ મિત્રો ભેગા થતા. જુગાર રમતા. સરગમને ધીમેધીમે જુગારની લત પડી ગઈ. તે પૈસા જીતતો.

તે જીતેલા પૈસામાંથી રમણને થોડા પૈસા દરરોજ વાપરવા માટે આપતો. તે નહોતો ઈચ્છતો કે મિત્ર પૈસા વગર ટળવળે. જુગારની લત હવે સરગમની મજબૂરી બની ગઈ. તે હારવા માંડ્યો હતો. જીતવાની શક્યતાઓ જાણે હંમેશ માટે દૂર ઠેલાઈ ગઈ હતી.

તે પેઢીમાંથી પૈસા ઉપાડવા માંડ્યો હતો. રમણ તેનો સલાહકાર બની ગયો હતો. એક દિવસે પેઢી ઉપર પિતાજીનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે તેમની યાત્રા દસ દિવસમાં પૂર્ણ થવાની હતી.

સરગમને ચિંતા થવા માંડી. પેઢીના નાણા તેણે વાપર્યા હતા. જુગારમાં તે હારી ગયો હતો. પિતાને કઈ રીતે સમજાવવા તે વિચારથી તેની ઊંઘ ઊડી ગઈ હતી. રમણે બેફિકર બનીને સરગમને સલાહ આપતા કહ્યું, “તું તારા પિતાથી ડરે છે શા માટે

? તે તારા ભાગના પૈસા વાપર્યા છે. તારો હક છે પેઢી ઉપર.”

પણ, સરગમ હવે રમણની વાતમાં ફસાવા માગતો નહોતો. પણ યાત્રાએથી પરત ફરેલા માતાપિતાને સાચી હકીકતથી વાકેફ કરી દીધા. તે ખૂબ રડ્યો. તે રમણનો સંગ કરવા બદલ ખૂબ જ પસ્તાઈ રહ્યો હતો.

દશરથભાઈ અને લતાબહેને પુત્રને સમજાવ્યો. પાછલું ભૂલી જવાનું કહ્યું. સરગમ માતાપિતાના વલણથી ખૂબ ખુશ થયો. તેનામાં હિંમતનો સંચાર થયો.

હંમેશ માટે તેણે ખરાબ મિત્રોનો ત્યાગ કર્યો. સારા મિત્રોને જ જીવનમાં સ્થાન આપવાનું નક્કી કર્યુ. તે પોતાનો ખરાબ ભૂતકાળ જલદી ભૂલી જવા માગતો હતો.

કહેવત : ગઈ ગુજરી ભૂલી જવી.

No comments:

Post a Comment