.30%થી ઓછા પરિણામવાળી શાળાને એકપણ રૂપિયો મળતો નહોતો.
2013થી અત્યાર સુધીમાં 27 હજાર જેટલી શાળાઓની ગ્રાન્ટમાં કાપ આવ્યો
શિક્ષણમંત્રીના નિર્ણયથી રાજ્યની 5,189 ગ્રાન્ટેડ શાળાઓને હવે 100 ટકા ગ્રાન્ટ મળશે
ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ કાપવાની 10 વર્ષ પહેલા લાગુ કરાયેલી પરિણામ આધારીત નીતિને આખરે તિલાંજલિ આપવામાં આવી છે.
પરિણામ આધારીત ગ્રાન્ટ કાપવાની નીતિ રદ કરવા અંગેની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા મંગળવારે રાત્રે 11 વાગે ટ્વીટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી રાજ્યની 5,189 ગ્રાન્ટેડ શાળાઓને હવે 100 ટકા ગ્રાન્ટ મળશે. તેનો લાભ થશે. મળતી વિગતો મુજબ વર્ષ-2013થી લઈને અત્યાર સુધીમાં રાજ્યની અંદાજે 27 હજાર જેટલી ગ્રાન્ટેડ શાળાઓને ઓછા પરિણામના કારણે અમુક ટકા ગ્રાન્ટ ગુમાવવાની સ્થિતિનો સામનો કરવો પડયો છે. ગ્રાન્ટ કાપવાની જે નીતિ હતી તેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં 30 ટકાથી ઓછો પરિણામ આવે તો એકપણ રૂપિયો ગ્રાન્ટ મળતી નહોતો અને 100 ટકા ગ્રાન્ટ એવી જ શાળાઓને મળતી હતી કે જેઓનું બોર્ડની પરીક્ષાનું પરિણામ 70 ટકાથી વધુ હોય.
ઉલ્લેખનીય છે કે, પછાત વિસ્તારની શાળાઓની જે ગ્રાન્ટ કાપવામાં આવતી હતી તેમાં 20 ટકાથી ઓછો પરિણામ હોય તો તેવી શાળાઓની 100 ટકા ગ્રાન્ટ કપાઈ જતી હતી. ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં 60 ટકાથી વધુ અને સાયન્સમાં 50 ટકાથી વધુ પરિણામ હોય તો તેવી શાળાને 100 ટકા ગ્રાન્ટ મળવાપાત્ર હતી. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષાના પરિણામ આધારે ગ્રાન્ટ કાપવાની નીતિ વર્ષ-2013થી અમલમાં મુકાઈ હતી. એ પહેલા વર્ષ-1999ના ઠરાવ મુજબ ગ્રાન્ટેડ શાળાઓને 1થી 5 વર્ગ ચાલતાં હોય ત્યાં વર્ગદીઠ રૂ.1,800 ગ્રાન્ટ મળતી હતી અને 6થી 30 વર્ગ ચાલતા હોય તેવી શાળાને વર્ગદીઠ રૂ.1,500 ગ્રાન્ટ મળતી હતી જેમાં વર્ષ-2013માં વધારો કરી ક્રમશઃ2,400 અને રૂ.2,000 ગ્રાન્ટ કરાઈ હતી. એ પછી એ પછી વર્ષ-2017માં વર્ગદીઠ મળતી ગ્રાન્ટમાં 25 ટકા જેટલો નજીવો વધારો કરી આપ્યો હતો. હાલમાં 1થી 5 વર્ગ ચાલતા હોય તેવી શાળાને વર્ગદીઠ રૂ.3000, 6થી 30 વર્ગની શાળાને રૂ.2500 અને 30થી વધુ વર્ગ ધરાવતી શાળાને વર્ગદીઠ રૂ.1,6500 ગ્રાન્ટ મળે છે. વર્ષ-2013માં ગ્રાન્ટમાં વધારો કરવાની સાથે સાથે પરિણામ આધારીત ગ્રાન્ટ કાપવાની નીતિ અમલમાં મુકવામાં આવી હતી. ગ્રાન્ટ કાપવાની નીતિનો અમલ થતાં રાજ્યની અનેક ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ વાગવાનો શરૂ થઈ ગયો હતો. એટલુ જ નહી, ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા આ અંગેની અનેક વખત રજૂઆતો કરતાં હતા. ગ્રાન્ટેડ શાળાઓનો લાભ મોટાભાગે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને મળતો હોય છે. આ વિસ્તારમાં સારૂ પરિણામ લાવવુ તે પણ મુશ્કેલી સમાન રહેતુ હતુ. જેના કારણે બોર્ડનું પરિણામ નીચુ આવતાં જ સરકાર દ્વારા ગ્રાન્ટ પર કાપ મુકવામાં આવતો હતો. સરકારની આ નીતિના કારણે ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યુઘંટ અને ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળવા લાગ્યું હતુ.
No comments:
Post a Comment