ખુશાલની નજર લીલી ઓઢણીવાળી ચંચી ઉપર જ રહેતી હતી.
ભાદરવાનો ઓતરા ચિતરાનો તાપ દેહ બાળી રહ્યો છે. આકાશમાં ફંગોળાતા લૂના ઢગલામાં વાદળાં આંખો આંજી નાખે છે. વરસાદ કેટલાય દિવસથી મેલાઈ ગયો છે અને હવે લોકોએ આશા પણ છોડી દીધી છે. મેઘરાજાને મનાવવા રામજી મંદિર માં સાત સાત દહાડાની અખંડ રામધૂન બાદ પણ વરસાદ ન વરસતાં ખેડૂતોએ હવે બે આની તો બે આની જ પણ જે દાણા ઘરમાં આવે તે લણી લેવાની કામગીરી આરંભી દીધી હતી. આમ ને આમ બહુ દન ખેચાય તો કદાચ કશુએ હાથમાં ન આવે. એવી પણ એક દહેશત હતી.
નથા પટેલે પણ
એમના ગામની સીમમાં જ ચાર વીઘાના કટકામાં કરેલી બાજરી વાઢી લેવા આજે ચાર દાડિયા, પોતાની દીકરી ચંચી. એની મા અને ઉધડિયા ખુશાલને મોકલ્યાં હતાં.
હે..તમતમારે વાઢવા માંડજો... ચંચીની મા. આ હું જરા દરશન કરીને આવું છું.” કહેતા નાથા પટેલ દન માથે ચડવા આવ્યો તોય હોટેલ બેઠાબેઠા ચલમ ફૂંકતાં હતાં. આ બાજુ ખેતર અડધું બોડાઈ કર્યું હોય એવું લાગતું હતું.આડા ચાસે વઢાતી બાજરીમાં ચાર દાડિયા બાદ કરતાં યુવાનીમાં ડગ માંડી હેલી ચંચી મોખરે હતી. એની માની ઉંમર થઈ હોવાથી વારંવારે પાછળ રહી જતી. હરીફાઈ તો ખુશાલ અને ચંચી વચ્ચે જ હતી.
માથું ફાડી નાખે એવો તાપ ઝીંકાતો હતો, લમણે પસીનાની નદીઓ ઊતરતી હતી. બેઠાં બેઠાં વઢાતી બાજરીના રાડાં દાંતરડાના એકી ઝાટકે હેઠાં ઊતરતાં હતાં. એક હાથે થડ પકડતાં જ બીજા હાથે ધસાતા દાંતરડાનો ઘસરકો જાણે હમણાં હાથના કાંડા પર ફરી જશે. ‘ધેમે ધેમે...” ખુશાલે હસીને ચંચી સામે જોયા વિના જ ટકોર કરી. પણ ચંચી ગંભીર હતી.
આમેય એ ખૂબ ઓછું બોલતી, વળી ગમે તેમ તોય ખુશાલ એનો ઉપડિયો હતો, નોકર હતો એની સાથે મર્યાદિત વ્યવહાર જ રહેતો. પણ ખુશાલ છેલછબીલો જવાન હતો. એનો ચહેરો સદાય હસતો રહેતો. આંખો ભમરની જેમ ફરતી રહેતી. લીલી બાંધણીની ઓઢણીમાં કેડસમી બાંધેલી લાલ-લાલ ધાધરીની સહેજ ઉપર ડોકિયા કરતી ચંચીની પેલી કટિ પર એની નજર ફરતી રહેતી....
બાજરી વાઢતાં વાઢતાં નજીક આવી ગયેલા ખુશાલ તરફ જોયા વિના પણ એ ખુશાલની નજર પામી જતી અને એની હારે નજર મેળવ્યા વિના જ અધિક ગંભીરતાથી તે ઝડપથી ઘસરકા લેતી આઘી જતી રહેતી.
વઢાયેલી બાજરીનો પૂળો ઊંચકતી ચંચીની દેહલતા તરફ ફરી ખુશાલ જોઈ લેતો. રેબઝેબ થયેલી કાષામાંથી નીતરતો પસીનો છેક એના ઉરની કરીબ પહોંચ્યો છે અને એની અભિનવ કલ્પના આગળ ચાલતી ત્યારે ચહેરા પર સ્મિત ફરકી જતું.
ફરી ચંચીની પાસે પહોંચવા ખુશાલે બેવડા જોરથી દાંતરડું ઘસવા માંડ્યું. અને થાક, ભૂખ, તરસની પરવા કર્યા વિના એ આગળ વધ્યો. આ વખતે ચંચી થાપ ખાઈ ગઈ. એ એના કામમાં મશગૂલ હતી એ
દરમિયાન છેક નજીક આવી ગયેલા
ખુશાલનો ખભો પોતાના ખભા સાથે અથડાયો. ચોંકી ગયેલી ચંચીએ નજર ફેરવીને જોયું તો ખુશાલ લુચ્ચું હસતો હતો. કાળઝાળ થઈ ગઈ હોય એમ ચંચીએ તિરસ્કારભરી નજર ખુશાલ તરફ નાખી. આટલું ઓછું હોય એમ જ્યાં ખુશાલનો ખભો અથડાયો હતો.
ત્યાં એણે હાથ વડે લૂછી નાખ્યું. : એ બોલીઃ ‘છેટો રહે મારાથી.’ ખુશાલ ડથાઈ ગયો. આટલી બધી ઘૃણાની અને કલ્પના નહોતી. રાડાં વાઢતાં વાઢતાં એના હાથ ગંભી ગયા પણ ચંચી તો જાણે કે એની પરવા કર્યા વિના પહેલાંની જેમ
બાજરી વાઢે જ જતી હતી. જોતજોતામાં વાઢતી વાઢતી એ ફરી દૂર ચાલી ગઈ. ખુશાલ ધીમો પડી ગયો. એનું દાંતરડું હવે બરાબર વીઝાતું નહોતું. એની નજર હજુ ઊભેલી બાજરીની આરપાર દૂર દૂર ચાલી જતી. ચંચીમાં એ શું ઢૂંઢતો હતો એ એને સમજાતું નહોતું.
પણ ચંચી! એ દૂર ચાલી ગઈ હતી, પરંતુ આ બાજુ એ ખુશાલ સામે જોયા વિના જ ઊંધું ઘાલીને પછી છાનીછાની હસતી રહી. હવે... બંધ કરો લ્યા ત્યાં ' દૂરથી
નાથા પટેલની બૂમ આવી : બપો૨ ચડ્યો છે... રોટલા ખઈને ઘડીક વિસામો ખઈ લ્યો... ભઈ.. બધાંએ એકીનજરે ઉપર જોયું તો સૂર્ય ખરાખરીનો ઊકળ્યો હતો. દાંતરડાના ટેકે ઊભા થતાં બધાંએ જોયું તો અડધાથીયે ઉપરની ઊભી બાજરી ઢળી ગઈ હતી. હવે માંડ એક વેળાનું કામ હતું.
શેઢા પર લીમડાની ડાળીએ લટકાવેલું ભાથું ઉતારતાં ચંચીની માએ કહ્યું : ભઈ ખુશાલ ! પાણી ખલાસ થઈ ગયું છે.... હું રોટલા છોડું છું એટલામાં આ પેલા પાણીના ધરામાંથી આ ઘડો ભરી આવને ભઈ..
‘લાવ મા હું ભરી લાવું.
ઓઢણીના છેડાથી મોં પરનો પસીનો
લૂછતાં ચંચી બોલી, પણ ખુશાલે ઘડો
ઉઠાવતાં પાણીના ધરા તરફ હેડવા માંડયું.
ખીજવાયેલા ખુશાલને જોવાની ચંચીને ખૂબ મજા પડી. આમેય તેને ખુશાલ ગમતો હતો પણ કશું બોલતી ન હતી.
ખેતરે થી થોડે દૂર એક ઝાડી હતી.
અને ઝાડીની નીચે ઊતર્યા બાદ પાણીનો ધરો આવતો હતો. વાંધાનું વહેણ અટકી જતું હોય તોય આ ધરામાં બારેમાસ પાણી ભરાઈ રહેતું. ખુશાલ ઝાડીની પેલે પાર અદ્દશ્ય થઈ નીચે ઊતર્યો ત્યાં સુધી ચંચી એને જોઈ રહી. પણ જે રીતે એ ચાલતો હતો એ જોઈ ઘડીક એના હૈયામાં અનુકંપા ઉદ્ભવી -
અરેરે ! મેં બિચારાનું ખાલી અપમાન કર્યું !' નીચે બેઠાં બેઠાં
એણે દાંતરડા વડે જમીન પર ખુશાલ શબ્દ કોતરવા કોશિશ કરી પણ એ બહુ ભણી નહોતી એટલે જેવું આવડ્યું.
એવું લખ્યું. એની નજર સમક્ષ ખુશાલનો ચહેરો તરવરી રહ્યો.
પોતાને ખબર નહોતી અને જાણીબુજીનેઅફળાયા
બાદ એ કેવું લુચ્ચું હસી રહ્યો હતો ! ઘડીભર એના
ખંભે ઝણઝણાટી થઈ આવી અને ચંચીનો હાથપોતાના ખભા પર ફરી રહ્યો. એને થયું ખુશાલ ફરી એનો ખભો અફળાવે તો તો એનો ખભો પકડી લઉં. એને મસળી નાખું. ચૂંટલી પણ ખણી લઉં.
ખુશાલ સાથેના પોતાના અગાઉના વર્તન બદલ ક્ષોભ અનુભવતી ચંચીએ નક્કી કર્યુ કે, ‘આ વખતે તો હું જ છાનીમાની એની પાછળ જઈને બેવડા જોરથી એક ધબ્બો મારી દઉ.... સાલો કેવું જુએ છે મારી સામે ? જાણે કે મારો સાહેબ ના હોય ?'
એની આંખોમાં, કાનમાં, હોઠપર ને હૈયામાં સર્વત્ર ખુશાલ ખુશાલ, ખુશાલ જ થઈ રહ્યું.
‘ચંચી... બેટા !’ નાથા પટેલે એનું માથું પકડી હલાવી : ‘શું ખુશાલ ખુશાલ બબડે છે ?'
ચંચી એકાએક જાગ્રત થઈ ગઈ.
જરા છોભીલી પડી જતાં એણે નીચે જોઈ લીધું. જરા... પેલા પાણીના ધરા પાસે તો જઈ આવ...શું થયું પાણીનું ! ખુશાલ કોઈની હારે ચલમ પીવા ના
બેઠો હોય... જા ને બેટા, એને બોલાવી
લાવ. નાથા પટેલની સૂચના થતાં જ ચંચી ઊભી થઈ અને એકીદોટે ધરા તરફ દોડી, ઝડપથી ઝાડી વટાવતાં એ સડસડાટ કોતરો ઊતરી રહી. ખુશાલને મળવાની આવી તક ક્યાંથી !' એ વિચારે દોડતી ચંચી ગોથું ખાતાં પણ રહી ગઈ.
પણ એના પગ એકાએક થંભી ગયા.
પાણીના ધરાના કિનારે એકમાત્ર ઘડો જ પડ્યો હતો. ઘડો અને તે પણ ખાલી. આસપાસ ક્યાંય ખુશાલ નહોતો. ચંચીએ બૂમ પાડી : '. ખુ..શા...લ
! ઓ ખુશાલ !”પણ કોતરોમાંથી પોતાના જ સ્વરના પડઘા ગાજી રહ્યા.
એક ભયાનક વિચાર આવી જતાં ચંચીને ફાળ પડી. એના શરીરનું લોહી થંભી ગયું. હૃદયના ધબકારા અટકી ગયા. એનો શ્વાસોશ્વાસ એ ખુદ સાંભળી રહી. ખુશાલ તરફ ખાલીખાલી ઘૃણા કરવાની પોતાની ભૂલની ગંભીરતાનો હવે ખ્યાલ આવ્યો હોય એમ ચંચી પડું પડું થઈ રહી. એને થયું કે, ‘શું ખુશાલ આટલો બધો નબળા હૈયાનો હશે?' એની નજર સમક્ષ માત્ર ખાલી ઘડો જ હતો.બાકીની દુનિયા અદશ્ય થતી જતી હતી.
ખુશાલ હવે આ જગતમાં નહોતો. એ પાણીના ઊંડા ધરામાં કૂદી પડ્યો હતો. - દેવેન્દ્ર પટેલ