Wednesday, 17 November 2021

માનગઢ હત્યા કાંડ 17-11- ભીલ લોકો

માનગઢ : ગુજરાતની સરહદે થયેલો એ નરસંહાર જેને 'જલિયાંવાલા બાગ'થી પણ મોટો ગણાવાયો હતો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડનાં છ વર્ષ પહેલાં ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢના પહાડો પર 17 નવેમ્બર 1913ના રોજ આવો જ નરસંહાર થયો હતો, પણ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
જલિયાંવાલા બાગમાં એક હજારથી વધારે લોકો અંગ્રેજ સેનાની ગોળીઓનો ભોગ બન્યા હતા.
તેની સામે માનગઢ નરસંહારમાં દોઢ હજારથી વધારે લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવે છે.માનગઢના ડુંગર પર હજારો લોકો એકઠા થયા હતા, તેના પર અંગ્રેજ અને દેશી રજવાડાંના સૈનિકોએ પૂરી તૈયારી કરીને ગોળીઓ વરસાવી હતી.

સાહિત્યકાર, ઇતિહાસકાર અને સ્થાનિક લોકોનો દાવો છે કે આ હત્યાકાંડ જલિયાંવાલા બાગથી મોટો નરસંહાર હતો. આમ છતાં તેને ઇતિહાસમાં એટલું મહત્ત્વનું સ્થાન મળ્યું નથી.
રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 550 કિલોમિટર દૂર આદિવાસી વિસ્તાર બાંસવાડા જિલ્લાના મુખ્યમથકથી 80 કિલોમિટર દૂર આવેલું છે માનગઢ.

આનંદપુરી પંચાયત સમિતિના કાર્યાલયથી આગળ વધીએ એટલે લગભગ ચાર કિલોમિટર દૂર એક ડુંગર દેખાવા લાગે છે.
108 વર્ષ પહેલાં અહીં થયેલા નરસંહારનો સાક્ષી બનેલો આ ડુંગર આજેય તેની યાદને સમાવીને ઊભો છે. લોકો હવે તેને માનગઢધામના નામે બોલાવે છે.આ ડુંગરનો લગભગ 80 ટકા ભાગ રાજસ્થાનમાં પડે છે, જ્યારે 20 ટકા હિસ્સો ગુજરાતમાં પડે છે.

માનગઢ સંગ્રહાલયમાં ઉપલબ્ધ 
માનગઢના ડુંગર ફરતે જંગલ આવેલું છે. આ પહાડની ઊંચાઈ લગભગ 800 મીટર છે.

આ ઘટનાનાં 80 વર્ષ સુધી અહીં તેની કોઈ નિશાનીઓ કે સ્મારક નહોતું, પરંતુ છેલ્લા બે દાયકામાં અહીં શહીદ સ્મારક, સંગ્રહાલય બન્યાં છે અને ત્યાં સુધી જવાનો રસ્તો પણ તૈયાર થયો છે.
જોકે જંગલની વચ્ચે આવેલા માનગઢ પહાડ પર 108 વર્ષ પહેલાં કેવી સ્થિતિ હશે, તેનો અંદાજ અહીં પહોંચીએ તો જ સમજી શકાય તેમ છે.
આ સ્થળે થયેલા નરસંહારની ઘટનાને સ્વીકાર કરવામાં પણ સરકારે ઘણો સમય વિતાવી દીધો હતો.
ઘટનાનાં લગભગ 80 વર્ષ પછી રાજસ્થાન સરકારે નરસંહારમાં માર્યા ગયેલા સેંકડો લોકોની યાદમાં 27 મે, 1999ના રોજ શહીદ સ્મારક બનાવ્યું હતું અને તે રીતે માનગઢને ઓળખ મળી હતી.
જોકે ઇતિહાસમાં આ નરસંહારને ક્યારેય મહત્ત્વનું સ્થાન મળ્યું નથી.

બાંસવાડાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આદિવાસી વિકાસમંત્રી મહેન્દ્રજિતસિંહ માલવીય કહે છે, "હું મંત્રી હતો ત્યારે પાંચ લોકોની સમિતિ બનાવી હતી અને દિલ્હીના રાષ્ટ્રીય આર્કાઇવમાંથી આનો ઇતિહાસ કઢાવ્યો હતો."

"ધીરેધીરે લોકો જાણી રહ્યા છે કે માનગઢમાં આટલી મોટી ઘટના બની હતી તેની ખુશી છે."

અમે માનગઢ પહાડ પર ગયા અને જોયું તો ત્યાં એક ધૂણી ધખાવેલી છે. ગોવિંદગુરુની પ્રતિમા છે અને માનગઢ વિશેની માહિતી સાથેના શિલાલેખ બનાવેલા છે.
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બાંસિયા (વેડસા) ગામના વણજારા પરિવારમાં જન્મેલા ગોવિંદગુરુએ 1880માં લોકોમાં સામાજિક સુધારા માટે આંદોલન ચલાવ્યું હતું.

તે વખતે બ્રિટિશરાજ હતું અને દેશી રજવાડાંના વેરા, વેઠપ્રથા સહિતના અત્યાચારો પ્રજા પર થતા હતા.

ઇતિહાસકાર અને નિવૃત્ત પ્રોફેસર બી.કે. શર્મા કહે છે, "બળજબરીથી વેરા વસૂલવામાં આવતા હતા. લોકો સાથે અછૂત જેવો વ્યવહાર થતો હતો. આવી સ્થિતિમાં ગોવિંદગુરુના આંદોલનના કારણે નવી ચેતના જાગી રહી હતી."

ગોવિંદગુરુએ લોકોને સમજાવ્યું કે ધૂણી કરીને જ પૂજા કરો, શરાબ અને માંસનો ત્યાગ કરો અને સ્વચ્છતા રાખો. તેમની ઝુંબેશને કારણે ચોરીઓ બંધ થવા લાગી અને શરાબના ઠેકામાંથી મહેસૂલ મળતી હતી તેની આવક ઘટવા લાગી.

રાજસ્થાન, માનગઢ, ઇતિહાસધૂણી તપે તીર' પુસ્તકના લેખક અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી હરિરામ મીણા કહે છે, "સાલ 1903માં ગોવિંદગુરુએ સંપસભાની સ્થાપના કરી હતી. તેમની ઝુંબેશને ભગત આંદોલન પણ કહેવામાં આવે છે."

"જનજાગૃતિનું એ અભિયાન આગળ વધવા લાગ્યું હતું. દેશી રજવાડાંને લાગ્યું કે ગોવિંદગુરુની આગેવાનીમાં આદિવાસીઓ અલગ રાજ્યની માગણી કરી રહ્યા છે."
ઇતિહાસકાર અને નિવૃત્ત પ્રોફેસર વી.કે. વશિષ્ઠ પણ માને છે કે ભીલ લોકો પોતાનું રજવાડું સ્થાપવા માગતા હતા. રજવાડાંઓએ બ્રિટિશ સરકારને જાણ કરી કે આદિવાસીઓ પોતાનું રાજ્ય બનાવવા માગે છે. તેના કારણે અહીં દારૂનું વેચાણ પણ ઘટી ગયું હતું.

જોકે ગોવિંદગુરુએ સંપસભાની સ્થાપના કરી હતી તે વાત સાથે પ્રોફેસર વશિષ્ઠ સહમત થતા નથી. પરંતુ ગોવિંદગુરુની ઝુંબેશનો પ્રભાવ એટલો વધવા લાગ્યો કે દેશી રજવાડાંએ બ્રિટિશ હકૂમતને તેની ફરિયાદ કરવાનું શરૂ કર્યું.

તે પછી સ્થિતિ બદલવા લાગી અને થોડાં વર્ષો પછી 17 નવેમ્બર, 1913ના રોજ માનગઢ ડુંગર પર નરસંહાર થયો.
ગોવિંદગુરુનું જનજાગૃતિ આંદોલન ફેલાઈ ચૂક્યું હતું. લોકો માનગઢમાં ધૂણી પર સતત આવી રહ્યા હતા.

નેશનલ આર્કાઇવ્સમાં રહેલા તે વખતના પત્રોમાં જણાવાયું છે કે અંગ્રેજોએ 13 અને 15 નવેમ્બરે ગોવિંદગુરુને માનગઢ ડુંગર ખાલી કરી દેવા જણાવ્યું હતું. પરંતુ ગોવિંદગુરુએ લોકો યજ્ઞમાં આવી રહ્યા છે તેની વાત કરી હતી.

પ્રોફેસર અરુણ વાઘેલા જણાવે છે, "ગુજરાતનું કુંડા, બાંસવાડાનું ભૂખિયા અને હાલના આનંદપુરી અને માર્ચાવાલી ખીણમાંથી માનગઢને સેનાએ ઘેરી લીધું હતું."
આ કાર્યવાહીમાં બ્રિટિશ સેના સાથે બાંસવાડા, ડુંગરપુર, બરોડા, જોગરબારિયા, ગાયકવાડ રજવાડાંની સેના અને મેવાડ ભીલ કૉર કંપની પણ જોડાઈ હતી."

સેનાએ પહાડનો નકશો તૈયાર કર્યો હતો અને ખચ્ચરોથી મશીનગન અને તોપ માનગઢના ડુંગર પર પહોંચાડ્યા હતા.

મેજર હેમિલ્ટન અને તેમના ત્રણ અધિકારીએ સવારે 6.30 વાગ્યે હથિયારબંધ સેના સાથે માનગઢ ડુંગરને ત્રણેય બાજુથી ઘેરી લીધો હતો. સવારે આઠ ને 10 મિનિટે ગોળીબાર શરૂ થયો, જે 10 વાગ્યા સુધી ચાલતો રહ્યો.

માનગઢની નજીક ગુજરાત સરહદમાં કુંડા ગામના રહેવાસી પારગી મંદિરીના પૂજારી જણાવે છે, "એક મૃત માતાને વળગીને બાળક સ્તનપાન કરી રહ્યું છે તે જોયું તે પછી અંગ્રેજોએ ગોળીબારી બંધ કરી હતી."
આર્કાઇવ્સમાંથી મળેલા બ્રિટિશ પત્રવ્યવહાર પરથી ખ્યાલ આવે છે કે અહીં સેના મોકલાઈ તેમાં સાતમી જાટ રેજિમેન્ટ, નવમી રાજપૂત રેજિમેન્ટ, 104 વેલ્સરેઝ રાઇફલ રેજિમેન્ટ, મહૂ, બરોડા, અમદાવાદ છાવણીની એકએક કંપની હતી.

મેવાડ ભીલ કૉરના કૅપ્ટન જે.પી. સ્ટેકલીનની આગેવાનીમાં બે કંપની આવી હતી.

હરિરામ મીણા જણાવે છે, "એક કંપનીમાં લગભગ 120 જવાનો હોય છે, જેમાં 100 હથિયારબંધ હોય છે."
આટલા જ પ્રમાણમાં સૈનિકો મેવાડ, ડુંગરપુર, પ્રતાપગઢ, બાંસવાડા, કુશલગઢ જેવાં દેશી રજવાડાં તરફથી મોકલવામાં આવ્યા હતા. દોઢ હજાર શહીદ થયા અને તેટલા જ સૈનિકો લગભગ હતા."

તેઓ કહે છે, "મારા સંશોધન અનુસાર માનગઢમાં અંદાજે 1500 લોકોનો ભોગ લેવાયો હતો. 700નાં મૃત્યુ ગોળીબારમાં થયાં હતાં, જ્યારે તેનાથીય વધુ લોકો ડુંગર પરથી પડીને ઘાયલ થયા અને સારવાર ન મળી એટલે માર્યા ગયા હતા."

ઇતિહાસકાર બી.કે. શર્મા પણ માને છે કે દોઢ હજાર આદિવાસીઓનો નરસંહાર થયો હતો. માનગઢ વિશેના પુસ્તક અને અહીંના સંગ્રહાલયમાં ઉપલબ્ધ માહિતીમાં પણ 1500 લોકોનાં મૃત્યુનો દાવો કરાયેલો છે.

બ્રિટિશ અધિકારીએ નરસંહાર વિશે શું કહ્યું હતું?
હુમલા પછી કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી બ્રિટિશ અધિકારીએ આપી નહોતી, પરંતુ એવું જણાવ્યું હતું કે "માનગઢ ડુંગરને ખાલી કરાવી લેવાયો છે. આઠ લોકો ઘાયલ થયા છે. 900 લોકોએ આત્મસમર્પણ કર્યું છે."

આ ઘટના બાદ ગોવિંદગુરુ અને તેમના શિષ્ય પૂંજા પારગીને ફાંસીની સજા આપવામાં આવી હતી.

બાદમાં ગોવિંદગુરુની ફાંસીની સજાને ઉંમરકેદમાં ફેરવી નખાઈ હતી. તે પછી બાંસવાડા, સંતરામપુર અને માનગઢમાં પ્રવેશ નહીં કરવાની શરતે છોડી મુકાયા હતા.

આ રીતે આદિવાસીઓના આંદોલનને નરસંહાર કરીને કચડી નાખવામાં આવ્યું હતું.
ફાંસીની સજામાંથી ઉંમરકેદ, ત્યારબાદ પ્રવેશબંધી સાથે મુક્તિ થઈ તે પછી 1921માં દાહોદમાં ગોવિંદગુરુનું અવસાન થયું હતું.

આજે પણ તેમના નામે અનેક ધૂણી ધખે છે અને તેમની પૂજા થાય છે. 17 નવેમ્બરે થયેલા નરસંહારનાં લગભગ 80 વર્ષ સુધી માનગઢ ડુંગર પર કોઈને પણ જવા દેવાતા નહોતા.

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ઇતિહાસકાર અરુણ વાઘેલા કહે છે, "લોકો આ ઘટના પછી ડરી ગયા હતા. આસપાસનાં ગામના લોકો પણ જગ્યા છોડીને ઉઘાડા પગે જ બીજા ગામ જતા રહ્યા હતા."

માનગઢમાં રહેતા ભગવા વસ્ત્રધારી મહંત રામચંદ્રગીરી કહે છે, "માનગઢ હત્યાકાંડમાં અંગ્રેજોએ જે ગોળીઓ ચલાવી હતી તેમાં મારા દાદા હાલા અને દાદી આમરીનું મોત થયું હતું."
તેઓ બાવરીના રહેવાસી હતાં. અહીં 1500થી વધુ લોકો શહીદ થયા હતા. તેમના મૃતદેહો અહીં જ પડ્યા રહ્યા અને સડી ગયા હતા."

છેલ્લાં થોડાં વર્ષોથી અહીં 17 નવેમ્બરે શહીદદિવસ ઉજવવામાં આવે છે. નરસંહારમાં માર્યા ગયેલો લોકોને યાદ કરવામાં આવે છે. હવન કરવામાં આવે છે અને ગોવિંદગુરુનાં ભજનો ગાવામાં આવે છે.

અરુણ વાઘેલા જણાવે છે, "આ ઘટના પછી આદિવાસીઓ જ્યારે પણ એકઠા થવાની કોશિશ કરતાં ત્યારે માનગઢવાળી થશે એમ કહીને તેમને ડરાવવામાં આવતા હતા."

"ગુજરાતના દાહોદમાં વિરાટ ખેડીમાં 1938માં આવી રીતે જ એકઠા થયેલા આદિવાસીઓને માનગઢની યાદ અપાવીને વિખેરી નાખવામાં આવ્યા હતા."
બાંસવાડાના વિધાનસભ્ય મહેન્દ્રજિતસિંહ માલવીય કહે છે, "ઝાલોદ પાસે ગોવિંદગુરુનું અવસાન થયું હતું. ત્યાં આશ્રમ અને સમાધિ છે. અમારા વિસ્તારના આદિવાસીઓ તેમની સમાધિ પર ભુટ્ટા ના ચડાવે ત્યાં સુધી ખાતા નથી. આવી માન્યતા આજેય છે."

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર અરુણ વાઘેલા જણાવે છે, "માનગઢ ડુંગરના ગુજરાત તરફના હિસ્સામાં પણ સ્મૃતિવન બનાવાયું છે. નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું. અહીં માનગઢમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 1507 જણાવવામાં આવી છે."

ઇતિહાસકારો માને છે કે માનગઢ હત્યાકાંડ મોટી ઘટના હતી. પરંતુ ઇતિહાસમાં તેને કેમ સ્થાન ના મળ્યું તે માટે જુદાં-જુદાં કારણો આપવામાં આવે છે.

માલવીય કહે છે કે હાલમાં અહીં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે બ્રિટિશ સરકારની 303ની ગોળીઓ મળી હતી. તેને ઉદયપુર સંગ્રહાલયમાં લઈ જવામાં આવી છે."

"આટલો મોટો હત્યાકાંડ થયો પરંતુ હિન્દુસ્તાન કે રાજસ્થાનના ઇતિહાસનાં પાનાંઓ પર તેને જગ્યા ના મળી. પણ હવે ધીમેધીમે લોકો માનગઢ નરસંહાર વિશે જાણતા થયા છે."

Thanks for BBC news

No comments:

Post a Comment