*શયદા*
💐સાદર સ્મરણ વંદના 💐
( લેખન - સંકલન અને સ્કેચ:
'શિલ્પી' બુરેઠા .કચ્છ)
24/10/2021.
****
'શયદા' નામ સાંભળતાં જ આપણું માથું આદરપૂર્વક ઝૂકી જાય એવા મહાન ગઝલકાર ગુજરાતી ગઝલના પ્રણેતા' અને 'ગઝલ સમ્રાટ' તરીકે જાણીતા છે. હરજી લવજી દામાણી તેમના આ મૂળ નામ કરતાં તેઓ 'શયદા' ઉપનામ થી જ વધુ જાણીતા છે.તેમના ઉપનામ 'શયદા' શબ્દનો અર્થ ઉર્દૂ ભાષામાં 'પ્રેમ સાથે પાગલ' એવો થાય છે. આ ગઝલકારે તેમના જમાનામાં અરબી કે ફારસી શબ્દો અને વિષયોથી ગુજરાતી ગઝલોમાં ગુજરાતી ભાષાનો નવો પ્રવાહ લઈ આવીને ગુજરાતી ભાષામાં ગઝલના શુદ્ધ ગુજરાતી કવિતા સ્વરૂપનાં માંડણ કર્યા હતા.
તેઓ ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નાટ્યકાર હતા.
'શયદા'નો જન્મ 24 ઓક્ટોબર 1892માં ધંધુકા નજીક પીપળી ગામમાં લવજીભાઇ અને સંતોકબહેનને ત્યાં થયો હતો. તેમનુ કુટુંબ ખોજા શિયા ઇશ્ના અશેરી સમુદાય સાથે જોડાયેલો હતો. તેમણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ઈ.સ. 1912માં પ્રથમ વખત તેમની કવિતા મુંબઇ સમાચારમાં પ્રગટ થઇ હતી. ત્યારબાદ, તેમણે ગઝલો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નાટકો લખવાનું શરૂ કર્યું. કુમળી કળી' તેમના વખણાયેલા નાટકોમાંનું એક હતું. તેઓ બે ઘડી મોજ (1924 )ના સ્થાપક તંત્રી હતા, જેનાથી ગુજરાતી ગઝલની સ્થાપના ઉર્દૂ ગઝલોથી સ્વતંત્ર શૈલી તરીકે થઇ. તેમણે ગુજરાતી કવિતાના સામયિક ગઝલ માં પણ તંત્રી તરીકે સેવા આપી હતી.
તેમના સાહિત્યસર્જનમાં જોઈએ તો ગુજરાતી કવિતા અને ગઝલોનો સમાવેશ થાય છે. જેમાં જય ભારતી (1922), ગુલ્ઝારે-શાયરી-શયદા (1961), દિપક ના ફૂલ (1965), ચિતા (1968) અને અશ્રુ ચાલ્યા જાય છે'નો સમાવેશ થાય છે. જય ભારતી એક લાંબી કથા કવિતા છે, જે દલપતરામ શૈલીમાં છે. તેમની નવલકથાઓમાં મા તે મા (1-2), અમીના, છેલ્લી રોશની (1-2)બહાદુરશાહ ઝફર (1-2)આઝાદીની શમા (1-2), ખમ્મા ભાઇને (1-2), દુખિયારી, ચાંદની રાત, મુમતાઝ, સૌંદર્યપુજા, નવો સંસાર, જમાનાની ઝલક, લૈલા, ભાદરિયે, અંધારી રાત (1-2)), સેંથીમાં સિંદુર (1-2(, અમાનત (૧-૨), સાબિરા (1-2), મોટી ભાભી, વાંઝણી વાવ, વિરહાક (1-2), જ્યોતિ તોરણ, બેઠો બોલાવે, લક્ષ્મીનંદન, ડો.અનુપમ, શમશીરે આરબ (1-2)), પુનિત ગંગા, લાખેણી લાજ (1-2)), જીવતા સૂર, નાની નંદી, આગ અને અજવાળા, શહજાદી કાશ્મિરા, રાજહંસ (1-2)), સૂરસમાધિ (1-2), દેવ દુલારી (1-2), હમિદા, માયાનું મન, રાજેશ્વરી, રાજબા, અનાવરી, માસૂમા અને દોશીઝાનો સમાવેશ થાય છે. અમરજ્યોત (1956), સંસારનૌકા, કર્મપ્રભાવ, વસંતવિણા, કુમળી કળી, નારીહૃદય, પુજાર, કોઇકનું મીંઢળ કોઇકના હાથે તેમના નાટકો છે, જ્યારે પંખીડો (1938), અમીઝરણા, કેરીની મોસમ અને બીજી વાતો તેમના વાર્તા સંગ્રહો છે. તેઓનું અવસાન 31 મે, 1962ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમની યાદમાં ઇન્ડિયન નેશનલ થિયેટર, મુંબઈ યુવા ગુજરાતી ગઝલકાર-કવિઓને વાર્ષિક 'શયદા પુરસ્કાર' અપાય છે.(સાભાર સંદર્ભ : વિકીપીડિયા)
***
તેમના જાણીતા થોડાક શેર અને એક રચના માણીએ.
***
*તમારા પગ મહી જ્યારે પડ્યો છું,*
*હું સમજ્યો - એમ આકાશે ચડ્યો છું.*
***
*હાથ આવ્યું હતું, હરણ છૂટ્યું,*
*હાય, મારું એ બાળપણ છૂટ્યું*
***
*હૃદયમંથન કરી મેં વાત કાઢી છે મનન માટે,*
*મળી છે દ્રષ્ટિ જોવા કાજ ને આંખો રુદન માટે.*
***
*જાશું, જઈને મોતથી પંજો લડાવશું,*
*મળશે સમય તો આપની મહેફિલમાં આવશું.*
***
*તારા જીવનથી કોઇનું જીવન બની જશે,*
*પારસમણિના સ્પર્શથી કંચન બની જશે.*
***
** *ગઝલ* ****
*જનારી રાત્રિ જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે;*
*કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.*
*હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;*
*તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.*
*વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?*
*કરાર એવો કરી ગયાં છે – ન મારા દિલને કરાર આવે.*
*કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,*
*હવે સુકાની, ડરે શું કરવા? ભલે તૂફાનો હજાર આવે.*
*ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;*
*ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.*
*'જરૂર આવીશ' કહો છો સાચું મને તો શંકા નથી જરાયે,*
*પરંતુ એતો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે.*
*સિતારો દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,*
*તમો ખુલાસો કરો ને સાચે, કહો શું રાતે સવાર આવે?*
*વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું;*
*જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.*
*તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ;*
*હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.*
*હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?*
*ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.*
********
💐💐💐💐
સાદર સ્મરણ વંદના
24/10/2021
No comments:
Post a Comment