વાર્તા --શેરીથી શર્ટ સુધી
એક હતું ખિસ્સુ, નાનકડું ને નમણું ! પણ સાવ રખડું. એ નવા નવા બુટ જોઈએ તો એને થાય, 'આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે!'એ દોડીને બુશકોટ પાસે જાય. બુશકોટ એને જોઇને મોઢું બગાડે ને કહે, "ખસ, આઘું ખસ, ભાગ અહીંથી"
ખિસ્સું કહે ,"એમ શું કહો છો બુશકોટભાઈ! મને તમારી સાથે બહુ ગમે છે."
બુશકોટ ભાઈ કહે," તું રખડું છે. જ્યાં ત્યાં રખડયા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે! તને જોઈ સૂગ ચડે છે. તારી સાથે વાતય કોણ કરે !"
રોજ રોજ બુશકોટ ભાઈ એને ગંદુ ને ગંધારુ કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપાં પડવા માંડ્યાં. ટપ ટપ... ટપ ટપ... ટપ ટપ...
થોડીવારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઇ ગઇ. ઊજળું ઊજળું ને ચોખ્ખુંચોખ્ખું થઈ ગયું.
ખિસ્સું રડતું બંધ થયુ. તેણે આંખો પટપટાવીને જોયું એના થી હસી પડાયું.
એ બોલ્યું ,"વાહ ,વાહ !હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું".
એ તો રોક થી ચાલવા લાગ્યું.
પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા . ખિસ્સું સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજદાદા હસતાં હસતાં, બોલ્યા એય બચુડા,બીશ નહીં, તું તો ભીંજાયેલું છે .આવ, મારી પાસે આવ તને સૂકવી દઉં એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યા.
ખિસ્સું ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો .ત્યાં એ સૂકાઈ ગયું.
સૂરજદાદા બોલ્યા," કેમ બચુકડા !હવે તું રડીશ નહીં ને?"
ખિસ્સું ડોક હલાવી બોલ્યુ," ના રે ના સૂરજદાદા, હવે હું નહીં રડું."
એમ કહી હસતાં હસતાં બોલ્યુ, સૂરજ દાદા, સૂરજદાદા
હવે હું ફાઈન લાગું છું, નહીં "!
સૂરજદાદા કહે," હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા."
પછી સૂરજદાદા હસતાં હસતાં એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈ ના નવા નવા બૂશકોટ સીવે .નેહાબેના ફ્રોક, મેક્સી વન પીસ સીવે.
ખિસ્સું હસતાં હસતાં દરજી ભાઈ ને કહે, દરજીકાકા, કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે .મને તેમના નવા નવા બુશકોટ પર બેસાડી દો."
દરજીભાઈ એ ખિસ્સા સામે જોયું. બોલ્યા, " અરે એય,શુ છે ? નીરજભાઈ ના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોટાડવાનો છું. તું કરચલીવાળું છે. મારે તારું કામ નથી .ભાગ અહીંથી."
દરજીભાઈ એ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું.
ખિસ્સું રડી પડ્યું. રડતાં રડતાં ચાલ્યું. રસ્તામાં ધોબી ની દુકાન આવી .ધોબીભાઇ દુકાનમાં નિરાંતે સૂતા હતા .રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા .જુએ તો, ખિસ્સું ઊભું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈ ના કપડાં ભીનાં ભીનાં થઇ ગયા હતા.
ધોબી ભાઈ તો ખિસ્સાની ઉપર ખિજાઈ ગયા, બોલ્યા , "બચોળિયા, ભાગ અહીંથી, આંગળીથી મારાં કપડાં બગાડી નાખ્યાં. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢયું છે?"
ખિસ્સું રડતાં રડતાં બોલ્યુ," મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈ ના પર ચોડતા નથી .એટલે મને રડવું આવે છે."
ધોબી ભાઈ કહે, એમ વાત છે? અહીં આવ ર તારી કરચલી ચપટી વગાડતા છૂ કરી દઉં."
ધોબીભાઈ એ ઈસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સુ એવું દાઝયું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબી ભાઈ કહે," ચુપ...
ધોબી ભાઈ જોર જોરથી ઈસ્ત્રી ફેરવવા માંડી. થોડીવારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગૂમ...!
ખિસ્સું હસી પડયું કહે ,ધોબી કાકા, થેન્ક યુ. તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું.
ધોબી ભાઈ ને આવજો કહી ખિસ્સુ દરજી ભાઈની દુકાને ગયું. દરજી ભાઈ ને કહે ,"જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું.મને નીરજભાઈ ના બુશકોટ પર ચોટાડશોને?"
દરજીભાઈ કહે," અરે વાહ! ખરેખર, તું તો સરસ લાગે છે .ચાલ, બેસી જા નીરજભાઈ ના બૂશકોટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફુદરડી ફરતું ફરતું બેસી ગયું .તેને નીરજભાઈ ના બૂશકોટ પર બેસવાની બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજી ભાઈએ સંચો ચલાવ્યો ભરરરર... ભરરરર...ને ખિસ્સું નીરજભાઈ ના બૂશકોટ પર ચોટી ગયું.
સાંજે નીરજભાઈ બૂશકોટ લેવા માટે આવ્યા .એ પોતાનો નવો બુશકોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા,"આરે વાહ! કેવું મજાનું ખિસ્સું છે! મને બહુ ગમ્યું."
નીરજભાઈ નવો-નવો બુશકોટ પહેરી બાલમંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુંય બાલ મંદિરે જાય .નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુંય રમવા જાય નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુંય સૂઇ જાય.
____રમેશ પારેખ
No comments:
Post a Comment