ભગવાન શંકરે પાર્વતીજીને નાગપંચમીના વ્રતનો મહિમા સમજાવતાં કહ્યું હતું કે, આ વ્રત અતિ પુણ્યશાળી વ્રત છે અને તે દેવોને પણ દુર્લભ છે. દૂધપાક કે ખીરનો નૈવેધ ધરાવી ભક્તિભાવથી પૂજા કરી બ્રાહ્મણોને જમાડી પ્રસન્ન કરવા અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. જે વ્રતી શુદ્ધ ભાવથી આ વ્રત કરે છે તે જરૂર વિષ્ણુપદને પામે છે.
આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે સ્વીકાર્યાં છે. નાગદેવતા ખેતરોનું રક્ષણ કરે છે તેથી તેને ‘ક્ષેત્રપાળ’ પણ કહે છે. ગીતામાં તો શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, ‘નાગોમાં હું વાસુકિ નાગ છું.’ શિવજીએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે કંઠે વિષ ધારણ કરીને ‘નીલકંઠ’ બની તેમજ સાપને પોતાના શરીર પર રાખીનેને ભગવાન વિષ્ણુએ શેષશયન કરીને નાગદેવતાનું મહત્ત્વ સમજાવ્યું છે.
કાળીનાગને વશ કરવા શ્રીકૃષ્ણે ઊંડા પાણીના ધરામાં ઝંપલાવ્યું અને નાગને વશ કર્યો હતો. લક્ષ્યાર્થ લઈએ તો આ દેહરૂપી ધરામાં કાળીનાગ રૂપી કાળ છુપાઈને બેઠો છે અને દેહરૂપી ધરાને ઝેરરૂપ બનાવી દીધો છે. જે પ્રાણીઓ પૃથ્વી પર આવા દેહરૂપી ધરામાં પ્રવેશે છે તે કાળીનાગ રૂપી કાળને આધીન બની જાય છે. એનું જીવન મૃત્યુતુલ્ય બની જાય છે. એમાં અમૃત જીવનનો અંશ પણ રહેતો નથી.
આથી શ્રીકૃષ્ણ રૂપી આત્મા કાળીનાગ રૂપી કાળને ઢંઢોળી વશ કરવા માટે દેહરૂપી ધરાના ઊંડાણમાં મૃત્યુની પરવા કર્યા વિના ઝંપલાવે છે. માતા-પિતા અને ગોવાળિયા રૂપી આપ્તજનો અને દેહની દરકાર કોરાણે મૂકીને જ કાળને વશ કરી શકાય છે. મહાકાળને વંશ રહેનારી અને તેને જ વરેલી એની આશા-તૃષ્ણા રૂપી નાગણીઓ શ્રીકૃષ્ણ રૂપી આત્માને પાછા વાળવા માટે વિવિધ પ્રકારની લાલચો આપે છે. શ્રીકૃષ્ણ રૂપી આત્મા આ બંધનમાં જકડી રાખનારી લાલચોથી લલચાયો નથી.
મહાકાળને (નાગદેવતાને) જગાડી દમન ન કરે તે દેહરૂપી ધરો દિનપ્રતિદિન ઝેરી બનતો જાય છે. આ દેહરૂપી ધરામાં નાગણીઓ રૂપી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે લાચાર બન્યાં છે અને શ્રીકૃષ્ણ રૂપી આત્માને નમી પડ્યાં છે. શ્રાવણ વદ પંચમીના રોજ નાગપંચમીનું વ્રત કરનાર બહેનો સવારે સ્નાનવિધિથી પરવારીને પાણિયારા પર નાગદેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી, બાજરાની કુલેર અને નાળિયેર નું નૈવેદ ધરાવી પ્રેમપૂર્વક અર્ચન પૂજન કરે છે.
ત્યારબાદ નાગપંચમીની જે પ્રચલિત વાર્તા છે તે વાંચે છે અથવા સાંભળે છે અને આગલા દિવસે પલાળેલા મગ, મઠ વગેરે કઠોળનું નૈવેધ ધરાવી એકટાણું કરે છે. આ વ્રત પુરુષો પણ કરતા હોય છે. આર્ય સંસ્કૃતિની યાદો આપતો નાગપંચમીનો ઉત્સવ વ્રતધારીને પાવન કરે છે.
નાગપંચમીની વ્રતકથા એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક ડોશીમા રહે. તેમને સાત દીકરા હતા. સાતમા દીકરાની વહુ
બહુ જ ગરીબ હતી. પિયરમાં મા-બાપ કે નજીકનું કાંઈ સગુંવહાલું હતું નહીં. કરિયાવરમાં ખાસ કંઈ લાવેલી નહીં. આથી જ ગરીબ વહુની સૌ ઠેકડી ઉડાડે. મેણાંટોણાં મારે અને સૌ જમી લે પછી વધ્યુંઘટયું ખાવા આપે. ક્યારેક તો આ વહુને પાણી પીને જ સૂઈ જવું પડતું.
સગર્ભાવસ્થામાં તીખું ને ખાટુંખારું ખાવાની ખૂબ જ ઇચ્છા થાય, પણ કોણ આપે ? એક દિવસ શ્રાદ્ધના દિવસે ખીર બની, પણ તેના ભાગે તપેલા સાથે ચોંટેલા ઉખેડા જ રહ્યા. આ ઉખેડા જ સાથે લઈને તે પાણી ભરવા ગઈ. જ્યાં બેડું ઉતારીને હાથ-પગ ધૂએ છે, ત્યાં જ નજીકના રાફડામાંથી એક ગર્ભવતી નાગણી આવીને પેલા ઉખેડા ખાઈ ગઈ અને રાફડામાં સરકી ગઈ.
નાની વહુ ચોતરફ જોવા લાગી. અરે! એટલી વારમાં ખીરના ઉખેડા કોણ ખાઈ ગયું? આખરે વહુએ મન મનાવી લીધું અને બોલી ઊઠી, ‘જેણે ખાધું હશે તેનું પેટ ઠરજો.’
આ શબ્દો પેલી નાગણે સાંભળ્યા. તે રાફડામાંથી બહાર
આવી અને પૂછ્યું, ‘દીકરી! તું ખાવાનું લાવી હતી એ તો હું ખાઈ ગઈ. તું ખાવાનું અહીં શા માટે લાવી હતી ?'
નાની વહુ રડતાં હૃદયે નાગણને આપવીતી કહી સંભળાવે છે : આ કરુણ કથની સાંભળી નાગણે પ્રસન્ન થઈ કહ્યું, ‘દીકરી, તું રડીશ નહીં. આજથી તું અમને તારાંપિયરનાં જ ગણજે. હું તારા મા અને તું મારી દીક તારા સીમંત પ્રસંગે આ રાફડા પાસે નિમંત્રણ મૂકી જજે, હું જરૂર આવીશ. તું જરા પણ મૂંઝાઈશ નહીં.” આટલું કહીને નાગણ રાફડામાં જતી રહી.
સીમંત પ્રસંગે નાની વહુએ નિમંત્રણ લખીને રાફડા પાસે મૂક્યું. સીમંત પ્રસંગે સાસુએ કટાક્ષમાં ટોણો મારતાં કહ્યું. ‘જલદી ભાવતાં ભોજન બનાવો. વહુનાં પિયરિયાં આવી પહોંચશે ત્યારે શું જમાડશો?'
થોડી જ વારમાં નાગદેવતા અને નાગકુમારો વગેરે આવ્યા. સાથે કીમતી વસ્ત્રલંકારો તથા વિવિધ પ્રકારનાં વાસણો વગેરે લેતા આવ્યા. સીમંતનો પ્રસંગ સૌએ હર્ષોલ્લાસપૂર્વક રંગેચંગે ઊજવ્યો. સીમંતપ્રસંગે જે કરિયાવર આવ્યો તે જોઈ સૌનાં મોં સિવાઈ ગયાં. નાગદેવતા અને નાગકુમારોએ કહ્યું, ‘અમે ભોજનમાં માત્ર કઢેલું દૂધ જ લઈશું.’
નાની વહુને પિયરિયાંની જેમ પોતાને ત્યાં લઈ ગયા. કુટુંબીજનો અને જેઠાણીઓ આ બધું શૂન્યમનસ્ક બની નિહાળી રહ્યાં.
નાગદેવતાને ત્યાં નાની વહુને દોમદોમ સાહ્યબીમાં સુખપૂર્વક રહેવાની સુવિધા મળી. પૂરા માસે વહુએ પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રને લાડકોડથી ઉછેરવામાં આવ્યો. વહુને ઝિયાણું કરી કીમતી લૂગડાં, દરદાગીના, વાસણ વગેરે આપીને વળાવી.
નાગણે કહ્યું, ‘બેટા! આ નાગકુમારોને તારા ભાઈ સમજજે. જ્યારે દુઃખ આવી પડે ત્યારે આ રાફડા પાસે આવીને સાદ કરજે. અમે આવીને તારી મદદ કરીશું. અમારા ભાણેજને સાચવજે, એનો સર્વાંગી ઉછેર કરજે અને ભણાવજે-ગણાવજે.’
નાની વહુ પુત્રને લઈ વહાલ વરસાવતી સાસરે આવી. સાસુજી અને જેઠાણીઓ આગળ હવે વહુનાં માન વધી ગયાં. નાગણની કૃપાથી વહુના મનોરથો પરિપૂર્ણ થયા. નાગપાંચમનું વ્રત જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો જરૂર આ વ્રતની ફળશ્રુતિ મળે છે.
- ઘનશ્યામ ગોસ્વામી
ભારતના પ્રાચીન સંસ્કૃતિ પશુ-પક્ષી, વૃક્ષ-વનસ્પતિ વગેરેનું સન્માન કરે છે અને તેમની સાથે આત્મીયતા ધરાવે છે તેથી જ ગૌપૂજા, શસ્ત્રપૂજા, વૃક્ષપૂજ નાગપૂજા વગેરે કરાય છે. શ્રાવણ માસમાં નાગપંચમીના રોજ નાગનું પૂજન શા માટે કરવામાં આવે છે. તે રહસ્ય જાણવા જેવું છે.
No comments:
Post a Comment