Friday, 1 September 2023

શીતળા સાતમ---શીતળા માતાના પૂજન નું પર્વ

      શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઊજવવામાં આવે છે. જે વ્રતધારી સાધના-પૂજા અને કર્મપૂજનનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી જ પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળાની સુખદ અનુભૂતિ થાય છે.

શીતળા માતા સેવાની દેવી છે, માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે, વ્રત કરનાર સિવાય અન્ય કોઈ એટલી શાંતિ મેળવી શકતું નથી.

સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે. બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળે ટો ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીંપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે.

આ દિવસે ચૂલો કે સગડી સળગાવવા નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાનાં બાળકોની રક્ષાકાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.

આ પવિત્ર પર્વ સાધન-પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્ત રૂપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની

આપણે વિધિવિધાન સહિત પૂજા કરવી જોઈએ.

ફૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન-સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે.

આંબાના રોપનું રહસ્ય એ છે કે, સમગ્ર કુટુંબવર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠોમધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે.

ભારતીય સંસ્કૃતિએ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી તેનું પૂજન કરવા અનુરોધ કર્યો છે. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સૂપડું વગેરે સેવાનાં સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. ખેડૂત હળની તથા અન્ય ખેતીનાં ઓજારોની પૂજા કરે છે. વેપારી ત્રાજવાં અને ચોપડાઓનું પૂજન કરે છે. પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે. આ રીતે આપણી સંસ્કૃતિ ‘પ્રત્યેક સેવાકર્મને પવિત્ર માનો’ એવો અનુરોધ કરે તે યથાર્થ જ છે.

‘સ્વે સ્વે કર્મણ્યભિરત,

સંસિદ્ધ લભતે નરઃ।

ઉપર્યુક્ત સાધનોને માત્ર પવિત્ર માનવામાં જ સાધનપૂજા પરિપૂર્ણ થતી નથી. દા.ત. આપણાં વસ્ત્રોને સ્વચ્છ અને પવિત્ર રાખવાં એ વસ્ત્રોની પૂજા છે. શરીરને સ્વચ્છ રાખવું તે શરીરની પૂજા છે. માતા-પિતા કે ગુની સેવા કરવી વગેરે આપણી કર્મપૂજા છે. શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં સેવાનાં સાધનોને તેમનીમહત્તા અને ઉપયોગિતા જોઈ તેમને પોતાની પાસે રાખ્યાં છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગ થતા નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે.જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે

આડકતરી રીતે જોઈએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.

જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધનપૂજા અને કર્મપૂજા પોતાના જીવનમાં સાકારિત થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે. શીતળા માતાની ક્ષમા અને સહનશીલતા અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે અને આદ્યશક્તિ એમની આકાંક્ષાઓ જરૂર પૂર્ણ કરે છે.

શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આધશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ. ‘શીતલાયૈ નમઃ’ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી.

શીતળાદેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રત ‘વૈધવ્યનાશન’ વ્રત કહેવાય છે. - ધનંજય પટેલ

No comments:

Post a Comment