યુવતીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે આગળ વધી રહી છે. એમાં કોઈ બે મત નથી. એક સમય એવો હતો જ્યારે આર્થિક રીતે સધ્ધર હોય એવા પરિવારનાં સંતાનો જ સ્પોર્ટ્સમાં ભાગ લઇ શકતાં હતાં, કારણ કે સ્પોર્ટ્સ ખર્ચાળ છે. કોઇ પણ ગેઇમમાં મહારથ હાંસલ કરવા કોચિગ ક્લાસમાં જવું પડે, જરૂર લાગે ત્યાં પર્સનલ કૉચ હાયર કરવા પડે. આ બધું સામાન્ય પરિવારનાં માતાપિતાનાં ખિસ્સાને ન પરવડે એ સ્વાભાવિક છે. પરંતુ સમયની સાથે આ સિનારિયો બદલાયો છે. હવે સામાન્ય પરિવારનાં માતાપિતા પણ દીકરીઓને સ્પોર્ટ્સમાં શોખ હોય તો તેને આગળ વધવામાં પ્રોત્સાહન પૂરું પાડે છે. તો બીજી બાજુ દીકરીઓ પણ જરાક અમથી તક મળી નથી કે તેને ઝડપીને આકાશને આંબવા મચી પડે છે. એ દીકરીઓમાં પારુલ ચૌધરીને સામેલ કરવામાં આવે તો જરાય ખોટું નથી. પારુલ ચૌધરીએ તાજેતરમાં નેશનલ રેકોર્ડ બ્રેક કર્યો છે અને દેશની નંબરવન ખેલાડી બની ગઈ છે.
હંગેરીમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં પૂર્ણ થઈ એમાં અનેક ભારતીય ખેલાડીઓનું પૂર્ણ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારત માટે પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટિપલચેઝમાં નેશનલ રેકોર્ડ તોડી નાંખ્યો અને વિશ્વમાં 11મું સ્થાન મેળવ્યું. પારુલ પોતાના આ રેકોર્ડની સાથે 2014માં પેરિસમાં યોજાનાર ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઇ ગઇ છે. 3000મીટર સ્ટિપલચેઝ પારુંલે 9 મિનિટ ને 15,31 સેકન્ડમાં પૂર્ણ કરીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને ઇતિહાસ રચી દીધો છે. આ પહેલાં આ રેકોર્ડ લલિતા બબ્બરના નામે હતો.
પારુલ મેરઠના દૌરાલાની વતની છે. તેના પિતા કૃષ્ણપાલ સિંહ ખેડૂત છે. તેની માતા રાજેશ દેવી ગૃહિણી છે. તેઓ ચાર ભાઈ-બહેન છે, એમાં પારુલનો નંબર ત્રીજો છે. માતાપિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને બાળકોનો ઉછેર કર્યો. સંતાનો જીવનમાં પ્રગતિ કરે એવું એ ઇચ્છતાં હતાં. પારુલના પિતા દીકરીના આ શાનદાર એચિવમેન્ટથી ઘણાં ખુશ છે. તેમણે કહ્યું કે પારુલે નાનપણથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તે ચાલીને ગામની બહાર જતી અને બસમાં બેસીને મેરઠનાં કૈલાશ પ્રકાશ સ્ટેડિયમમાં ટ્રેનિંગ લેવા જતી હતી. તેને પહેલેથી સ્પોર્ટ્સમાં રસ હતો. પારુલે જે સંઘર્ષ કર્યો એનું જ આ પરિણામ છે કે તે દેશની નંબરવન
ખેલાડી બની ગઇ છે. ગયા વર્ષે તેણે લોસ એન્જલસમાં 3000 મીટર દોડમાં
નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપલબ્ધિ પારુલે સાઉન્ડ રનિંગ સનસેટ ટુર વન દરમિયાન મેળવી હતી અને મહિલાઓની 3000 મીટર સ્પર્ધામાં નવ મિનિટથી પણ ઓછો સમય લેનાર દેશની પહેલી એથ્લેટિક બની હતી. આપણને સ્ટિપલચેઝ ગેઇમ વિશે જાણવાની ઇચ્છા થાય, કારણ કે આ ગેઇમ એટલી પ્રચલિત નથી. સ્ટિપલચેઝ એક ટ્રેક રેસ છે. જેમાં ખેલાડીએ 28 જેટલા અવરોધો એમાં સાત પાણીથી ભરેલા ખાડાઓને પાર કરવાના હોય છે. આમ આ સામાન્ય રમત કરતાં એકદમ અલગ પ્રકારની રમત છે, એમાં આવતાં અવરોધોને પાર કરતી વખતે તમે પડી ન જાવ અથવા તમને ઇજા ન થાય એનું ખાસધ્યાન રાખવાનું હોય છે. સ્ટિપલચેઝમાં જીતવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને આવનારા અવરોધો પર ફોકસ કરીને તેને પાર કરવા પડે છે એ પણ અમુક સમયની અંદર. જે ખેલાડી જેટલો ઓછો સમય લે છે એ ખેલાડી એટલો આગળ વધે છે. 28 વર્ષની પારુલ ચૌધરી નાનપણથી સ્ટિપલચેઝની ટ્રેનિંગ લઇ રહી
હતી એવું નથી. તે છેલ્લાં આઠનવ વર્ષથી જ સ્ટિપલચેઝમાં જોડાઇ હતી
પણ કંઈક કરી બતાવવાના ઝનૂને તેને અહીં સુધી પહોંચાડી છે. તેની પાસે આખો રૂમ
ભરાય એટલા મેડલ છે. પારુલની નાની બહેન પણ સ્પોર્ટ્સમાં છે. પારુલ કહે છે કે,
અમારો ઉછેર ગામડામાં થયો છે, અહીં દીકરીઓને પોતાની ઓળખ બનાવવા માટે
બહુ મહેનત કરવી પડે છે. અમને અમારાં માતાપિતાનો સપોર્ટ મળ્યો એટલે અમે અહીં
સુધી પહોંચી શક્યાં. બાકી આ લેવલે પહોંચવા માટે અનેક તકલીફોનો સામનો
કરવો પડ્યો છે, ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો છે, મારા પરિવારે
પણ મારી સાથે મુશ્કેલી વેઠી છે, મને આગળ વધારવા માટે એ લોકોએ
અથાગ પ્રયત્નો કર્યાં છે, પેટે પાટા બાંધીને પણ મને અહી પહોંચાડી છે એમ
કહું તો ચાલે, સમસ્યા તો ઘણી હતી પરંતુ મેં મનોમન નક્કી કર્યું હતું કે જે
પણ થાય આ પારથી પેલે પાર જઇને જ જંપવું. અહીં સુધી પહોંચ્યાનો
આનંદ છે પરંતુ હજુ આગળ વધીને દેશનું અને માતાપિતાનું નામ રોશન
કરવું છે. હજી દેશ અને મારા માતા-પિતા માટે હું હજી વધારે પ્રગતી
કરીને તેમનું નામ રોશન કરી શકું એવી મારી ઇચ્છા છે. પારુલને
જ્યારે પૂછવામાં આવ્યું કે તું દેશની બીજી સ્ત્રીઓને શું કહેવા માંગે છે તો તેણે જણાવ્યું હતું કે જે છોકરીઓ કંઇ કરવાની ઇચ્છા રાખે છે તેમણે પરિસ્થિતિ સામે કદી હાર ન માનવી જોઇએ. તેમણે કઠોર પરિશ્રમ કરીને પણ આગળ વધવું જોઇએ. હું મારી આસપાસ ઘણી એવી છોકરીઓ જોવું છું જેમને એવું શીખવવામાં આવે છે કે સ્ત્રીનો જન્મ માત્ર લગ્ન કરવા અને બાળકો કરવા જ થયો છે. મને આ યુગમાં પણ આવું જોવું કે સાંભળુ ત્યારે નવાઇ લાગે છે, મારા માતા-પિતા ઓછું ભણેલાં છે તેમ છતાં તેમણે મને આઝાદી આપી છે, મને આગળ વધવા માટે પૂરતી સ્પેસ આપી છે. મારા માટે પ્રગતીનાં દ્વાર ખોલવામાં તેમણે પણ બહુ મહત્વનો ફાળો આપ્યો છે તો મારી જેમ જ દરેક છોકરીને પણ આવો જ સાથ અને સહકાર મળે અને તેમનો જન્મ માત્ર લગ્ન માટે જ નથી થયો એવું તેમને શીખવવામાં આવે જેથી તેઓ આગળ વધી શકે.
No comments:
Post a Comment