મિત્ર કશ્યપ લંગાળીયાની ફેસબુક વોલ પરથી સાદર...
એવા સમયના આ કવિ છે જ્યારે ટી.વી.સ્ક્રિનોનું ભારતમાં અસ્તિત્વ જ ન હતું. આઇફા એવોર્ડ કે એસ.એમ.એસ. ન હતા, કોમેડી સર્કસ કે સાસુ વહુઓની સિરીયલો નહતી. સેન્સેક્સ,ઇન્ડેક્સની પળોજણ ન હતી. કોર્પોરેટ કંપનીઓ ન હતી કે પેટ્રોલ, ડીઝલના ભાવોની ચિંતા ન હતી. એ સમયે કવિઓ અને લેખકો સાયકલો ઉપર સવાર થઇ ને શાક્ભાજી લેવા જતાં. તેમના જીવનની સંઘર્ષ ગાથાઓ અપરંપાર હતી. લેખનમાં કે કાવ્યતત્વમાં ફિલસુફી ઉમેરાતી. કારણ કે જીવન સંઘર્ષોથી ભરેલું રહેતું. નબળી આર્થિક પરિસ્થિતી,પોતાના, પારકા બની જાય, સમય આવે ખભો મિલાવી સાથ ન આપે, હ્રદય ભગ્ન થાય અને ક્યારેક ઇશ્વર ઉપર પણ શંકા થવા લાગે કે મારી સામું જોવાની જાણે એને પણ નવરાશ નથી ! વિષાદ યોગ, વિરક્ત ભાવ, અને કવિના કાવ્યો કે ગઝલોમાં ફિલસુફી ઝલકવા લાગે.
“નાઝિર” જિંદગીની કડવાશ પી જઇને વહેવારૂં વાતો ગઝલનાં રૂપે આપતા ગયા. ક્યારેક તો આ માણસ ગઝલમાં ઇશ્વર સાથે સીધી વાત કરતા.
સુણે ના સાદ મારો તો મને શું કામ ઇશ્વરથી ? છીપાવે ના તૃષા તો આશ શી રાખું સમંદરથી ?
લખ્યાં છે લેખ, એની આબરૂનો ખ્યાલ રોકે છે, નહીંતર ફેંસલો હમણા કરી નાખું મુક્કદ્દરથી .
“નાઝિર” ( નાઝિર દેખૈયા, તખલ્લુસ સાથેનુ પુરુ નામ બહુ ઓછાને ખબર હશે ) ભાવનગરના આ કવિ ઘણો સંઘર્ષ કરીને જીવેલા. તેમણે ગઝલો લખી એક અનોખીજ છાપ પાડી, આધ્યાત્મિક છાંટ વાળી અને ફિલસુફીથી ભરેલી “નાઝિર”ની ગઝલો, રામાયણ કથાકાર શ્રી મોરારી બાપુ પ્રસંગોપાત સંગીત સાથે કથામાં ઘણી વખત ગાય છે. મેં પોતે બેત્રણ વાર સાંભળી છે. શ્રી મોરારી બાપુ લાડથી બોલતા ” અમારો ભાવનગરનો નાઝિર….” અને સંગીત સાથે તેમના સુરીલા અવાજમાં ગઝલ શરૂ થતી….
ખુશી દેજે જમાનાને, મને હરદમ રૂદન દેજે ;
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.
સદાયે દુ:ખમાં મલકે, મને એવા સ્વજન દેજે,
ખિઝામાં પણ ન કરમાયે, મને એવા સુમન દેજે. …………….
“નાઝિર” મૂળ નામ નૂર મહંમદ, તેમના મોટા ભાઇ “બેબસ” ભાવનગરમાં ઇન્ડીયન અભુ બેન્ડના માસ્ટર તરીખે કામ કરતા. માતા પિતાની છત્રછાંયા ગુમાવ્યા બાદ ભાઇ ભાભી સાથે રહી મોટા થયાં, ક્લેરોનેટ વગાડવાની તાલિમ લઇ અને વારસાગત ધંધામાંજ ઝંપલાવ્યુ. આ વખતે ભાવનગરના આંબા ચોકમાં ઇન્ડીયન અભુ બેન્ડની મેડીએ “ગઝલ સભા” ભરાતી. ભાવનગરનાં ત્યારનાં ગઝલકારો સ્વ.ખલીલ, સ્વ.રફતાર,આસિફ, નીશાત, બેફામ વિ.ની મહેફિલ જામતી અને નાઝીરને ગઝલમાં રસ પડવા લાગ્યો. ધીરે ધીરે ગઝલની સમજ પણ વધવા લાગી. સુપ્ત પ્રતિભા જાગી અને નૂરમહમદમાંથી આપણને નાઝિર મળ્યા.
મોટા ભાઇ “બેબસ”ના અવસાન પછી નાઝિરના શિરે બે પરિવારની જવાબદારી આવી પડી. હવે ’ઇન્ડીયન અભુ બેન્ડ’ની આવક ઓછી પડવા લાગી. ૧૯૫૬ માં નાઝિર જીલ્લા લોકલ બોર્ડની નોકરીમાં જોડાઇ ગયા. કાર્યકુશળતા અને સરળ સ્વભાવને લીધે બધાના મન જીતી લીધા, ગઝલકાર હોવાથી બધાના પ્રિય થઇ ગયા. સામાન્ય નોકરી કરતા કરતાંજ ગઝલોનું સર્જન થતું ગયું.
શિષ્ટ મુશાયરાઓ, રેડીઓ, સમારંભો, મહેફિલો અને સામયિકોમાં નાઝિરને વિશિષ્ઠ સ્થાન મળવા લાગ્યું ’નાઝિર’ની ગઝલોને મહેફિલમાં વહેતી મુકવાનું શ્રેય, સુરીલા અને મોહક કંઠ વાળા શ્રી મનુભાઇ પટેલને જાય. તેમણે દ્વારકાથી કલકત્તા સુધી ’નાઝિર’ને જાણીતા કરી દિધા. આ કવિ બહુ શિષ્ટ અને સંયમી રચનાઓનો માલિક બની રહ્યા અને ગઝલની અનોખીજ છાપ છોડી ગયા. મસ્તક ઝુકી જાય…. આ કવિ ’જામ’નો નહીં ’રામ’નો લાગે.
No comments:
Post a Comment