Sunday, 25 November 2018

નાવ માં કાણું (શેઠ અને કારીગર )

નાવમાં કાણું

ઘણા સમય પહેલા સાંભળેલી એક વાત... અમારા વર્ગશિક્ષકે કહી હતી.

વાત કંઈક આમ છે.

દરિયા કિનારે આવેલા એક નગરમાં એક વેપારી વસતો હતો. પોતાની આવડત અને સાહસના બળે એણે ખાસ્સી સફળતા મેળવી હતી. એની પાસે વહાણોનો એક મોટો કાફલો હતો જે સાત સમુદ્ર પાર માલ વેચવા માટે હંકારી જતો અને દરિયા પારના દેશોમાંથી નવી નવી ચીજવસ્તુઓ ભરીને પાછો ફરતો.

ઘણું મોટું કામકાજ હતું આ વેપારીને.

પણ આ બધા કાફલામાં એને સૌથી વહાલી હતી એક નાનકડી નાવ.

એ હજુ જ્યારે ઉગીને ઊભો થતો હતો ત્યારે શરૂઆતના દિવસોમાં આ નાવ લઈને દરિયામાં જતો.

નાના પાયે માછીમારી કરતો અને થોડું ઘણું કમાઈ લેતો.

આજે આ દિવસો ઘણા પાછળ રહી ગયા હતા.

હવે તો એ મોટો સોદાગર બની ગયો હતો.

પણ પેલી નાવ સાથેનો એનો નાતો એવો જ રહ્યો હતો.

ક્યારેક ક્યારેક મોજમાં આવે ત્યારે એ આ નાવ લઈને ખુલ્લા આકાશ નીચે ઘૂઘવતા સમુદ્રના મોજા ઉપર નીકળી પડતો.

આ નાવમાં હવે તો એણે થોડાઘણા સુધારા પણ કરાવ્યા હતા.

હવે હલેસા મારવાની જરૂર નહોતી, મોટરથી આ નાવ ચાલતી. બેસવા માટે પણ સારી વ્યવસ્થા અને છએક માણસ સુધી આરામથી નૌકાવિહાર કરી શકાય એવી સવલત હતી.

ક્યારેક ક્યારેક એની સાથે પત્ની અને બાળકો પણ જોડાતા.

ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા અને એમનો પણ આ નાવ માટે એટલો જ લગાવ ઊભો થયો. આ બંને ભાઈઓ હવે ક્યારેક ક્યારેક એકલા જ નૌકાવિહાર માટે નીકળી પડતા.

ચોમાસુ પૂરું થવા આવ્યું હતું અને દરિયો શાંત થવા માંડ્યો હતો.

વેપારીએ આ નાવના મેઇન્ટેનન્સ અને રંગ કરવા માટે એક સારા કારીગરને બોલાવીને કામ સોંપ્યું.

પેલા કારીગરે પણ સરસ મજાનું રંગરોગાન કરી નાવને સજાવી દીધી.

જે મહેનતાણું નક્કી થયું હતું તે ચૂકવાઈ ગયું. વાત પૂરી થઈ.

થોડા દિવસ વિત્યા હશે. પેલો વેપારી પેલા કારીગરની દુકાને પહોંચ્યો.

શેઠને પોતાના ત્યાં આવેલા જોઈ પેલો કારીગર સહેજ નવાઈ પામ્યો.

શેઠને બેસવા માટે અપાય એવી એક સારી ખુરશી પણ એને ત્યાં નહોતી. એ મૂંઝાતો હતો.

પણ પેલા શેઠે તો બાજુમાં પડેલી પાટલી પર જ જમાવી દીધું. અને બેગ ખોલી.

ચકિત થવાનો વારો હવે પેલા કારીગરનો હતો.

બેગ મોટા ચલણની નોટોથી ઠસોઠસ ભરેલી હતી.

કારીગરે પ્રશ્નાર્થ નજરે પેલા શેઠ સામે જોયું.

મજૂરીના પૈસા તો એ જ દિવસે ચૂકવાઇ ગયા હતા તો પછી આટલી મોટી રકમ શેને માટે ?

શેઠે કહ્યું, ભાઈ આ રકમ મારા તરફથી તને ભેટ આપવા આવ્યો છું.

મેં તને નાવ રંગરોગાન કરવા માટે કહ્યું હતું પણ ત્યારે હું એ કહેવાનું ભૂલી ગયો હતો કે આ નાવના તળિયે એક નાનું કાણું હતું. આ કાણું રીપેર કરવાનું કહેવાનું હું ચૂકી ગયો.

બેત્રણ દિવસ બાદ બપોરે હું ઘરે જમવા ગયો ત્યારે પત્નીએ કહ્યું કે મારા બંને દીકરાઓ નૌકાવિહાર માટે નીકળી ગયા હતા.

આ વાત સાંભળીને મને પેલું કાણું રીપેર કરવાનું તને કહેવાનું રહી ગયું હતું તે યાદ આવ્યું. મેં ક્ષણનોય વિલંબ કર્યા વગર દરિયા તરફ દોટ મૂકી.

અમંગળની કલ્પનાઓ મને ઘેરી વળી.

હું હાંફળોફાંફળો દરિયાકિનારે પહોંચ્યો ત્યારે જોયું કે મારી નૌકા સલામત રીતે કિનારા તરફ આવી રહી હતી.

મારી ખુશીનો કોઈ પાર ના રહ્યો. નાવ હંકારીને બંને દીકરા કિનારે આવ્યા. બંનેને એક સાથે ભેટી પડ્યો.

નાવને કિનારે મંગાવી તપાસ કરી. પેલું કાણું ગાયબ હતું.

એ કાણું મારા વગર કહ્યે તેં રીપેર કરી દીધું હતું.

મારા વગર કહ્યે તે જે ચીવટથી આ કામ કર્યું એ ન કર્યું હોત તો ?

તારા આ આભારનો બદલો આપવા માટે ગમે તેટલી રકમ ઓછી પડે પણ હું આ એક નાનકડી ભેટ તરીકે રકમ લઈ આવ્યો છું તે તું સ્વીકાર કર.

પેલા કારીગરે કહ્યું, શેઠ મેં તો મારું કામ કર્યું અને એમાં આ કાણું મારી નજરે ચઢ્યું એટલે વ્યવસ્થિત રીતે પૂરી દીધું. એનો કોઈ બદલો ન હોય.

આમ છતાંય લગભગ બળજબરી કરીને પેલા વેપારીએ આ નાણાંથી ભરેલી બેગ એના હાથમાં પકડાવી દીધી અને આભાર વ્યક્ત કરીને ત્યાંથી ચાલવા લાગ્યો.

વાત પૂરી કરતાં એનો સાર અમારા સાહેબે કહેલો તે હજુ પણ યાદ છે.

એમણે કહ્યું હતું કે આપણા ખયાલ બહાર ઘણી વખત આપણા જીવનની નૌકામાં પણ કોઈને કોઈ કાણાં પૂરીને આપણને ઉગારી લેતું હોય છે. મોટા ભાગનો સમય તો આ કાણાં પૂરવાવાળાને આપણે જાણતા પણ નથી હોતા.

પણ જાણ થાય ત્યારે પણ આપણે કોઈ દિવસ કોઈનો આભાર માનવાનું વિચારીએ છીએ ખરા?

જાણ્યા અજાણ્યા આવા અનેકના ઉપકાર આપણી ઉપર છે.

ક્યારેક શાંતિથી વિચારી જોજોને.

આમાંનાં ઘણાં બધાનો બદલો ગમે તેટલા પૈસા ચૂકવશો તો પણ નહીં વાળી શકો.

No comments:

Post a Comment