યુ એનમાં પુરસ્કાર મેળવનાર ભારતની બીજી મહીલા મેજર રાધિકા સેન
આપણે સ્કુલ કે કોલેજમાં અભ્યાસ કરતાં હોઈએ ત્યારે આખી સ્કુલ કે કોલેજમાં ટોપર બનીએ એ વખતે આનંદની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે. આ તો સ્કૂલ અને કોલેજની વાત થઇ પરંતુ એનાથી એક બે નહીં પરંતુ અનેકો સ્ટેપ આગળ વધીએ ભારતભરમાં અને વિશ્વકક્ષાએ આપણી નોંધ લેવાય અને આપણા કારણે દેશ ગર્વની લાગણી અનુભવે એવી સ્થિતિ સર્જાય ત્યારે જે આનંદ અનુભવીએ એને શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય બની જાય છે. એમાં રાધિકા સેનનો સમાવેશ કરી શકાય.
ઇન્ડિયન આર્મીએ ફરી એક વખત વૈશ્વિક સ્તર પર ભારતનું સન્માન વધાર્યું છે. ભારતીય સેનાની મેજર રાધિકા સેનને પ્રતિષ્ઠિત જેન્ડર એડવોકેટ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાધિકા સેનને ૨૦૨૩ મિલિટ્રી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરનારી મહિલા સૈન્ય શાંતિરક્ષકોમાં ભારતનું સૌથી મોટું યોગદાન છે. મેજેર રાધિકા સેનને શુભેચ્છા પાઠવતા ગુટેરેસે કહ્યું કે, રાધિકા ખરી નેતા અને લોકો માટે આર્દશ સમાને છે. તેમણે કરેલી સેવા સંયુક્ત રાષ્ટ્ર માટે મોટું યોગદાન છે.
૨૦૦૦માં સુરક્ષા પરિષદના પ્રસ્તાવને પ્રોત્સાહન આપવા માટે
એક પીસ કીપરના પ્રયત્નોને માન્યતા આપવામાં આવી છે. જે મહિલાઓ અને છોકરીઓના સંઘર્ષવાળા વિસ્તારમાં જઈને યૌન હિંસાથી બચાવવાનો પ્રયત્ન કરે છે. સેન મેજર સુમન ગવાની પછી આ સન્માન મેળવનાર મેજર રાધિકા બીજી ભારતીય પીસ કીપર બન્યા છે. મેજર સુમનને ૨૦૧૯માં આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં ૬૦૬૩ ભારતીય કર્મચારીમાંથી ૧૯૫૪ મોનુસ્કોની સાથે કામ કરે છે. એમાં ૩૨ મહિલાઓ છે.
ભારતને આટલું મોટું બહુમાન અપાવનાર મેજર રાધિકા સેન મૂળ હિમાચલ
પ્રદેશના છે. તેમનો જન્મ ૧૯૯૩માં થયો હતો. તેઓ બાયોટેક એન્જિનિયર છે. રાધિકા જ્યારે આઈઆઈટી મુંબઈમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યાં હતાં, ત્યારે ભારતીય સેનામાં ભરતી થવાનો તેમણે નિર્ણય લીધો. આપણે જે ઇચ્છા ધરાવીએ તે તરત જ પૂરી થઇ જાય એવું ક્યારેય બનતું નથી. એ માટે પહેલાં તો પ્રયત્નો કરવા પડે, મહેનત કરવી પડે. રાધિકા સેન પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા દિવસ રાત એક કરી દીધા. છેવટે તેમનો પરિશ્રમ રંગ લાવ્યો અને ૨૦૧૬માં ભારતીય સેનામાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યાં. ઇચ્છા પૂર્ણ થયા પછી રાધિકા સેને જાણે દુનિયા જીતી લીધી હોય એવો એટિટ્યૂટ
રાખીને બેસી ન રહ્યાં. એમાં પણ તેમને કંઇક અનોખું કરવું હતું.
સ્ત્રી હોય કે પુરુષ કોઈપણ ફિલ્ડમાં આગળ વધવા માટે સંઘર્ષ અને મહેનત તો કરવી જ રહી. જે રાધિકા સેને કરી. પરિણામે એક પછી એક પ્રગતિના સોપાનો સર કરતાં ગયાં. ૨૦૨૩માં ભારતીય રેપિડ ડિપ્લોયમેન્ટ બટાલિયનની સાથે ઇંગેજમેન્ટ પ્લાટુન કમાન્ડર તરીકે કાંગો લોકતાંત્રિક ગણરાજ્ય (મોનુસ્કો)માં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, રાધિકા સેનને કાંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનની સાથે કામ કર્યું. જ્યાં તેમણે એક એલર્ટ નેટવર્ક બનાવવામાં મદદ કરી, સમુદાયના લોકો, યુવાઓ અને મહિલાઓને પોતાની સુરક્ષા માટે અવાજ ઉઠાવવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવ્યું. રાધિકા સેને મહિલાઓને જાગૃત કરવાનું, અન્યાય સામે વિરોધ કરવાનું, પોતાના પર થતાં શોષણને અટકાવવું વગેરે જેવા કામ કરવાનું શરૂ કર્યું. રાધિકા સેને ફક્ત મહિલાઓ માટે જ કામ કર્યું એવું નથી, તેમણે બાળકો માટે અંગ્રેજી ભાષાના ક્લાસ અને વયસ્કો માટે સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવી. લિંગ અને વ્યાવસાયિક પ્રશિક્ષણને પણ રાધિકા સેને સામેલ કર્યું. રવિંડી શહેરની પાસે કાશલીરાની મહિલાઓને પોતાના અધિકારોની વકિલાત કરવા માટે ભેગા કર્યા અને એ કંઇ રીતે કરાય એ અંગે પ્રોત્સાહન આપ્યું. આમ મેજર રાધિકા સેને ટૂંક સમયમાં જે અસરકારક કામગીરી કરી એ તારીકે કાબિલ છે.
કોઈ અલગ જ શહેરમાં અપરિચિત લોકોની વચ્ચે જઈને રજૂઆત કરવી એ પણ આપણાં જેવા માટે અઘરું છે તો આ તો અલગ જ જાતિ અને સમુદાયને મળવું, તેમને સમજવા એ કંઇ સરળ નથી, પણ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે. એ માટે સૌથી પહેલાં લોકોનો વિશ્વાસ જીતવો પડે. મેજર રાધિકા સેને સમર્પણની ભાવના સાથે મહિલાઓ અને યુવતીઓનો વિશ્વાસ જીત્યો. જેથી તેઓ પોતાના મનનની વાતને, તકલીફોને રાધિકા સમક્ષ રજૂ કરી શક્યાં. પરિણામે ધીરેધીરે મેજર રાધિકા સેને તેમની સમસ્યાને દૂર કરવાં સફળ રહ્યાં અને પોતાનું આગવું સ્થાન બનાવી શક્યા.
ત્રણ દાયકા વટાવી ચૂકેલ રાધિકા સેનનું કહેવું છે કે, લિંગ સંવેદનશીલ શાંતિની સ્થાપના કરવી એ દરેક વ્યક્તિનું કામ છે, ફક્ત મહિલાનું કામ નથી. આ પુરસ્કાર મારા માટે ખાસ છે, કારણ કે આ પુરસ્કાર કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના પડકારજનક વાતાવરણમાં કામ કરનાર બધા શાંતિ સૈનિકોની મહેનત અને સમાજમાં સાકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. તેમણે વધુમાં કહ્યું કે, આંતરાષ્ટ્રીય સ્તરમાં મને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની જે તક મળી એ બદલ હું દેશની આભારી છું. દરેક યુવતીએ જીવનમાં કંઈક કરવાના, કંઈક બનવાના સપના સેવવા જોઈએ. જોયેલા સપનાને સાકાર કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આજે સ્પેસથી માંડીને જંગના મેદાનમાં, પાયલટથી માંડી સાયન્સ જેવા વિવિધ ક્ષેત્રમાં ભારતની દીકરીઓએ પગ પેસારો કર્યો છે. આ વાત સારી છે પરંતુ સૌથી પહેલાં પોતાની સાથે થતા અન્યાયનો વિરોધ કરવો એ પણ એટલું જ જરૂરી છે એવું મેજર રાધિકા સેનનું માનવું છે. તે કહે છે કે, અત્યારની યુવતીઓ પહેલાં કરતાં બોલ્ડ જરૂર થઈ ગઈ છે પરંતુ એ બોલ્ડનેસ પોતાની સાથે થઈ રહેલાં અન્યાયના વિરોધ કરવામાં બતાવતી નથી. નાનું મોટું તો ચાલ્યા કરે એવું વિચારીને ચલાવી લેવામાં માને છે. જે ખોટું છે. બીજુ જ્યારે એક યુવતી અન્યાય સામે વિરોધ કરતી હોય ત્યારે બીજી સ્ત્રીએ તેને ચૂપ કરી દેવાને બદલે તેને પડખે ઊભું રહેવું જોઇએ. ફક્ત ડિગ્રી મેળવી લેવાથી અથવા પોતાના સપના સાકાર કરી લેવાથી સમાજમાં કે દેશમાં પરિવર્તનનહીં આવે.
.
No comments:
Post a Comment