Saturday, 13 April 2024

5000 વર્ષ પહેલાં નું શહેર ધોળાવીરા

5,000 વર્ષ પહેલાંનું શહેર

કચ્છમાં આવેલું ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂનું શહેર છે, પણ હવે તેના અવશેષો જ બાકી રહ્યા છે. એ જગ્યાને 'વર્લ્ડ હેરિટેજ (વિશ્વ વિરાસત)' સાઈટ જાહેર કરવામાં આવી છે. પાંચ હજાર વર્ષ પહેલાં નગર કેવું લાગતું હશે એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરેલા આ ફોટામાં જોઈ શકાય છે...
સાઈટ્સ

બાળમિત્રો ઘણી વાર જૂના મકાનો જોઈને આપણને એ બહુ ગમી જતા હોય છે. એટલે જ દિલ્હી જવાનું થાય તો લાલ કિલ્લો જોવો ગમે છે, કે પછી આગ્રાનો તાજ મહેલ ગમે છે.

આવા બાંધકામો આખા જગતમાં છે. એ બધા બાંધકામો સચવાઈ રહે એટલા માટે યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ (વિશ્વ વિરાસત) જાહેર કરવામાં આવે છે.

ભારતની વાત કરીએ તો સમગ્ર દેશમાં કુલ 42 વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ છે. હેરિટેજ સાઈટ્સ એટલે એવા બાંધકામો જેમાં ભૂતકાળ સચવાયો છે અને ભવિષ્ય માટે આપણે તેને સાચવી રાખવાના છે.

આટલું સમજી લીધા પછી હવે ગુજરાતની ચારેય હેરિટેજ સાઈટ્સને ઓળખી લઈએ. એટલે ત્યાં પ્રવાસે જવાનું થાય તો મજા પડી જાય.

ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ્સ

1. ચાંપાનેર અને પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક હેરિટેજ જાહેર થયાનું વર્ષ: 2004

પાવાગઢના દર્શને તો ઘણા જતા હશે. એ ડુંગરની તળેટીમાં જ ચાંપાનેર-પાવાગઢના ખંડેરો, અવશેષો અને બાંધકામો આવેલા છે.

એ જગ્યાએ 16મી સદીમાં એટલે કે લગભગ ચારસો વર્ષ પહેલા ગુજરાતનું પાટનગર વસતું હતું. પાવાગઢ જવાનું થાય તો આ સ્થળે આંટો મારવો જોઈએ.

2. રાણીની વાવ, પાટણ હેરિટેજ જાહેર થયાનું વર્ષ : 2014

ઉત્તર ગુજરાતનું પાટણ શહેર ગુજરાતના ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જો તમે આગળજતાં ઈતિહાસ ભણશો તો તેના વિશે ઘણુ જાણવાનું આવશે. પણ અત્યારે તો ત્યાંનું સૌથી મોટું આકર્ષણ રાણીની વાવ છે, જેને રાણકી વાવ પણ કહેવાય છે. વાવ લગભગ હજાર વર્ષ જૂની છે. વાવની દીવાલમાં કોતરાયેલા શિલ્પો પણ જોવા જેવા છે. વાવની નજીક શહસ્ત્રલિંગ તળાવ છે, જેમાં એક સમયે શહસ્ત્ર એટલે કે એક હજાર શિવલિંગ હતા.

3. અમદાવાદ

હેરિટેજ જાહેર થયાનું વર્ષ: 2017

અમદાવાદ સમગ્ર ભારતનું પ્રથમ નગર છે, જેને હેરિટેજ જાહેર કર્યું છે. પણ યાદ રાખો કે હેરિટેજ જાહેર

થયો એ વિસ્તાર જૂના અમદાવાદ પુરતો જ છે. આજે મોટું બની ગયેલું આખુ અમદાવાદ હેરિટેજ ન ગણાય. અમદાવાદના બાળકોએ તો ખાસ હેરિટેજ શહેરના બાંધકામો જોવા જવા જોઈએ.

4. ધોળાવીરા

હેરિટેજ જાહેર થયાનું વર્ષ: 2021

કવર પર જેની તસવીર આપી છે એ ધોળાવીરા પાંચ હજાર વર્ષ પૂર્વે કચ્છમાં ધમધમતું શહેર હતું. દરિયો પણ નજીક હતો. હવે ત્યાં માત્ર અવશેષો છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે રણમાં હોવા છતાંય ધોળાવીરામાં પાણીની અછત સર્જાતી ન હતી. કેમ કે ત્યારે ત્યાં વોટર મેનેજમેન્ટ થતું હતું. ત્યાં પ્રવાસે જાવ તો ગાઈડને સાથે રાખીને ધોળાવીરાની રચના સમજવી જોઈએ અને ત્યાં આવેલું મ્યુઝિયમ પણ ખાસ જોવુ જોઈએ.

ધોળાવીરાનો કવર પર છપાયેલો ફોટો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નામની ટેકનોલોજીની મદદથી તૈયાર કરાયો છે.

ઘણા બાળમિત્રો મોબાઈલમાં ગેમ્સ રમવા કે પછી વીડિયો જોવામાં સમય પસાર કરતાં હશે. એ વખતે તેમના માતા-પિતા ચીડાતા પણ હશે. પણ બાળમિત્રોએ એવો ટાઈમપાસ કરવાને બદલે એઆઈ જેવી ટેકનોલોજીઓ શીખવી જોઈએ, જે ભવિષ્યમાં કામ લાગશે.

No comments:

Post a Comment