*રાજ્ય સરકારે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણયો કર્યા*
********
*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આપેલ દિશાદર્શનને પગલે રાજ્ય સરકારના પાંચ જેટલા મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને તેમની સાથે વાતચિત કરી આ નિર્ણયો લેવામાં આવ્યા છે*
*આ નિર્ણયોની જાહેરાત પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘણીએ રાજ્ય મંત્રીઓશ્રી હર્ષ સંઘવી અને શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરી*
*સરકારના કર્મીઓને કેન્દ્રના ધોરણે ૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે*
*કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે:સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરાશે*
*કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ અપાશે: કર્મચારીઓને રૂ.૩૦૦ ને બદલે રૂ.૧૦૦૦ મેડિકલ ભથ્થુ અપાશે*
*મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે*
*સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય રૂ.૮ લાખ અપાતી હતી તે વધારીને રૂ.૧૪ લાખ કરાઈ*
*આગામી આંદોલાત્મક તમામ કાર્યક્રમો મોકૂફ રાખવા કર્મચારી મંડળોનો નિર્ણય*
********
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆતો કરવામાં આવી હતી તે સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે.
પ્રવકતા મંત્રીશ્રી કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નો સકારાત્મક નિરાકરણ સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ રાજય મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા,ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ ભાઈ પંચાલની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજીને સુખદ સમાધાન આજે આવ્યું છે જેના પરિણામે આ મહત્વના નિર્ણયો લેવાયા છે.
પ્રવકતા મંત્રીશ્રીએ આ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે.
કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૯ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.
કર્મચારીઓને રૂ.૩૦૦ ને બદલે રૂ.૧૦૦૦ મેડિકલ ભથ્થુ આપવામાં આવશે. જે સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉચ્ચક નાણાકીય સહાય રૂ.૮ લાખ અપાતી હતી તે વધારીને રૂ.૧૪ લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને બઢતી માટે આવશ્યક એવી પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં પણ વિશેષ રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં મુક્તિ માટે ૫૦ ટકા પરિણામે કર્મચારીને પાસ ગણવામાં આવશે તેમજ આ પરીક્ષામાં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પણ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે,કર્મચારીઓને નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દર અને મુદતમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાને બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પરિણામે પ્રત્યેક કર્મચારીઓને નિવૃત્તિ સમયે અંદાજિત રૂ.૬ લાખ જેટલો સંભવતઃ ફાયદો થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવા ઉપરાંત તે પ્રમાણે વીમા કવચ પણ વધારવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
મહિલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે જે અંતર્ગત મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ ૧૮૦ દિવસ એટલે કે છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે.
તેમણે કહ્યું કે,વર્ષ ૨૦૦૬ પછીની ફિક્સ પગારની નીતિથી ભરતી થયેલા તમામ કર્મચારીને પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તા.૧૮ જાન્યુઆરી ૨૦૧૭ના ઠરાવ મુજબ સળંગ ગણવા અંગેનો લાભ આપવામાં આવે છે. પરંતુ વર્ષ ૨૦૦૬ પહેલાના ફિક્સ પગારની નિતીમાં જેટલી કેડરનો સમાવેશ કરવામાં આવેલ છે તે તમામ કેડરને પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા તમામ સરકારી કર્મચારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એડ શિક્ષકોને તા.૧લી એપ્રિલ ૨૦૧૯ની અસરથી સેવાઓ સળંગ ગણવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવશે. તા.૨૭ એપ્રિલ ૨૦૧૧ પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવામાં આવશે.
રાજય સરકાર દ્વારા લેવાયેલા આ કર્મચારી હિતલક્ષી નિર્ણયો માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુકત મોરચાના તમામ હોદ્દેદારોએ ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, હવે તેમણે આગામી કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
********
No comments:
Post a Comment