દુહાઓ આપણને જે તે સમયના સંસ્કાર, રહેણીકરણી, રીતરિવાજ જેવી અનેક બાબત શીખવે છે
લોકસાહિત્ય સાથે ઝવેરચંદ મેઘાણીનું નામ હંમેશાં જોડાયેલું રહેવાનું છે, કારણ કે એમણે જ સૌથી પહેલાં વિસરાતાં જતાં કેટલાંક સાહિત્યનું સંકલન કર્યું અને એને ગ્રંથસ્થ કર્યું. જ્યારે લખવાની કળાનો વિકાસ થયો નહોતો ત્યારે પણ લોકસાહિત્ય તો હતું જ, કારણ કે એ વખતે પણ માણસ જીવન વિશે, કુદરત વિશે ચિંતન તો કરતો જ હતો અને એના એવા જ્ઞાનને નાના નાના શ્લોકો, કવિતાઓ , ગીતો, કહેવતો કે ટૂંકાં વાક્યોમાં પોતાની યાદશક્તિના આધારે મનમાં સંઘરતો હતો.
માણસના જ્ઞાન-વિજ્ઞાનને સાચવી રાખવામાં કાગળની શોધથી બહુ મોટું પરિવર્તન આવ્યું અને આજે તો કમ્પ્યૂટર, સીડી કે પેન ડ્રાઈવમાં પણ એનો સંગ્રહ થઈ રહ્યો છે.
લોકસાહિત્યને માણવું હોય તો એનું અભિન્ન અંગ દુહાઓને વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ, સમજવા જોઈએ. લોકકથા અને વાર્તાઓમાં પણ એના ભાગ રૂપે દુહાઓ વણાયેલા છે.
દુહાઓ ગુજરાત, રાજસ્થાન, સિંધ, ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્ય ભારત, બિહાર, બંગાળ અને ઓરિસામાં પણ એની રચનાઓ જોવા મળે છે. દુહાઓની રચનામાં અનેક જાતિઓનો ફાળો રહ્યો છે, પરંતુ આપણે ત્યાં ચારણ-ગઢવી, બારોટ, મીર જેવી જાતિઓનો ફાળો વિશેષ રહ્યો છે. આ જાતિઓએ પેઢી દર પેઢી આ જ્ઞાનને કંઠસ્થ રાખીને ઘણી સેવા કરી છે. આમ કરવામાં પેઢી દર પેઢી એમાં કશોક વધારો, ઘટાડો કે ફેરફારો પણ થયા છે.
અહીં દુહાઓ વિશે લાંબું લખવાને બદલે કેટલાક દુહાઓનો રસાસ્વાદ માણીએ. દુહાઓ આપણને જે તે સમયના સંસ્કાર, રહેણીકરણી, આચારવિચાર, રીતરિવાજ, સામાજિક સ્થિતિ, લોકોની માન્યતાઓ તથા જ્ઞાનના સ્તર જેવી અનેક બાબતોનું દર્શન કરાવે છે.
ગામના પાદરમાં કોઈ નવી વ્યક્તિ દેખાય તો ગામની વ્યક્તિ એને પ્રશ્ન કરતી કે `ક્યાં રે' વું?' અને અજાણી વ્યક્તિ પોતે ક્યાંની છે અને ગામમાં કોને ત્યાં જઈ રહી છે વગેરે જવાબ આપતી અને જો એ વ્યક્તિ પાદરથી પસાર થઈને આગળના કોઈ ગામે જવાની હોય તો એ અંગે પણ કશોક ઉત્તર આપતી. અહીં આપણે ગામના પાદરમાંથી પસાર થઈ રહેલી એક સ્ત્રીને પુછાયેલા પ્રશ્ન `ક્યાં રે' વું?' ના જવાબમાં રચાયેલા દુહાને જોઈએ.
મન મહુવે, તન બિલખે, કાળજું કોડીનાર,
અડધું અંગ હાટિને માળિયે, સંપેતરું સરધાર.
સ્ત્રીનું માતા તરીકેનું સ્વરૂપ એ એનું ઉત્તમ સ્વરૂપ છે. સ્ત્રી ગમે ત્યાં હોય એનું મન તો એનાં સંતાનોમાં પરોવાયેલું હોય છે. સ્ત્રી જવાબ આપે છે કે મન મહુવે એટલે કે એનાં સંતાનો મહુવા છે, પોતે તનથી, શરીરથી બિલખામાં છે પણ મન તો મહુવામાં છે. કાળજુ કોડીનાર એટલે કે દીકરી કોડીનાર છે. અડધું અંગ એટલે એનો પતિ માળિયા હાટિના ગામે છે અને સંપેતરું સરધાર છે એટલે કે દીકરીનો દીકરો સરધાર ગામે એના મામાને ત્યાં છે.
આ નાનકડા દુહામાં પોતાનાં સ્વજનોથી સંજોગવશાત્ વિખૂટી થયેલી સ્ત્રીની વ્યથા અને દશા બંને કેટલા સચોટ વ્યક્ત થયા છે?
જગતમાં કોઈ દેશ કે પ્રદેશ એવો નહીં હોય કે જ્યાં કવિઓએ રૂપ, પ્રેમ વિરહની વાતો આલેખી ન હોય. સ્ત્રી સૌંદર્ય ઉપરનો એક એવો દુહો છે કે, પૂનમની રાત્રે ચાંદનીમાં મહાલતી એક નવોઢા એટલી તો રૂપાળી હતી કે ચંદ્રનું ગ્રહણ કરવા નીકળેલો રાહુ રૂપસુંદરીને જોઈને એવો તો અચંબામાં પડી ગયો કે ચંદ્રનું ગ્રહણ કર્યા વિના જ પાછો ફરી ગયો. દુહો આ પ્રમાણે છે.
રથ ખેડી રાહો (રાહુ) આવીઓ, ગગન વચાળે જોય,
રાહુને મન અચંબો થયો, આ ચાંદો કે ઓલ્યો હોય.
કવિ કહે છે કે રાહુ રૂપસુંદરી અને ચંદ્ર વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. એક સાથે બે બે ચંદ્ર? આ કે પેલો? ગ્રહણ કયા ચંદ્રનું કરવાનું છે? વિચારમાં ને વિચારમાં, અવઢવમાં પૂનમની રાત પૂરી થઈ ગઈ અને રાહુ ચંદ્રગ્રહણ કર્યા વિના જ પાછો ફરી ગયો.
તો આવી વાત છે દુહામાં સુંદરતાની. પ્રેમ, સ્નેહ, મિત્રતા માટે આ પ્રમાણે એક દુહો છે:
હંસા પ્રીત કાહે કી વિપત પડે ઊડ જાય
સાચી પ્રીત શેવાળની જળ સાથે સુકાય.
સાચો પ્રેમ એ છે કે એક વાર સાથ આપ્યા પછી સાથ છોડે નહીં. પાણી સુકાઈ જાય છે ત્યારે શેવાળ પણ એની સાથે જ સુકાઈ જાય છે. હંસ તો પાણી સુકાતા જ ઊડી જાય છે.
પૈસા માટેનો એક દુહો આ પ્રમાણે છે:
દાટ્યા ઈ દેહવટ થીયા, રાખ્યા ઈ થઈ રાખ,
ખરચ્યા ઈની ખૂબીયું, થીયા એકના લાખ.
સંસાર અસાર છે, જગત મિથ્યા છે એને લગતો એક દુહો આ પ્રમાણે છે:
જટો કહે કે જટડી, કાંઈક લે કાંઈક દે,
સામે ઢેરા રખ્ખજા વો ભી માડુ થે.
જટો એની પત્ની જટીને કહે છે કે આ રાખના ઢગલા સામે નજર કર, ભલભલા અહીં બળીને રાખ થઈ ગયા છે આ દેહ તો ક્ષણભંગુર છે.
ઉપરના દુહા જેવા જ મતલબનો એક શેર છે:
આજ મિટ્ટી હૈ, કલ સિકંદર થા,
લે નસિહત ઈસ સે ભી કભી.
આ દુનિયામાં કાંઈક ખેરખાંઓ આવ્યા અને છેવટે માટીમાં મળી ગયા કે રાખનો ઢગલો થઈ ગયા. કોઈ પોતાની સાથે કંઈ લઈ ગયાનો દાખલો નથી.
છેલ્લે એક દુહો લખીને લેખ પૂરો કરું છું.
કૂટ,ક્રોધ, શિશુ, મુકુર, પ્રિયા, સ્વજન, નિશા, દુ:ખ, ફાગ
હોત સયાને બાવરે, નવો ઠોર ચિત્ત લાગ.
દુહો કહે છે કે ઉપર વર્ણવેલી નવ બાબત-વસ્તુઓ એવી છે કે જે શાણા માણસને પણ બાવરો બનાવી દે છે. ડાહ્યા માણસો પણ ગાંડા કાઢવા માંડે છે.
કૂટ એટલે કૂટીને-ઘૂંટીને તૈયાર થતો કેફ, અફીણ, ગાંજો વગેરે
ક્રોધ ચડે છે ત્યારે માણસને સારાસારનું ભાન રહેતું નથી.
શિશુ-બાળક સાથે રમતી વખતે મુછાળો પણ હરખઘેલો જ દેખાય છે.
મુકુર એટલે અરીસો.
પ્રિયાને મળતી વખતે કેટલા માણસમાં શાણપણ રહે છે,
નિશા-રાત્રિ પણ માણસને ભાન ભુલાવે છે તો દુ:ખમાં કોઈક વિરલ જ ચિત્તનું ભાન ગુમાવતો નથી. એવું જ હોળીનું છે. હોળી ખેલનારને સારા-નરસાનું ભાન રહેતું નથી.
No comments:
Post a Comment