વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું,
મમતા રાખીને સાંભળજો, હું તમને બહુ ચાહું છું…
વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી,
મનની કળીઓ પણ ખીલે છે, ત્યારે ધીમી ધીમી…
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં,
વડીલ જેવું કોઈ મળે તો, બહું શરમાઉ છું મનમાં…
પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું,
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું…
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે,
એવી હાલત થાય છે બસ, મિત્રો જ મને સંભાળે છે…
પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં,
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં…
પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી,
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી…
એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે,
પોતાની પ્રેમિકાને સૌ આ રીતે સમજાવે…
દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું,
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું…
શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે,
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે…
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે,
દુનિયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે…
– સૈફ પાલનપુરી
No comments:
Post a Comment