Friday, 4 July 2025

Gujarat Gram Panchayat Election:સરપંચની ચૂંટણીમાં અધિકારીઓએ ભાંગરો વાટ્યો, નાની વયની ઉમેદવારને બનાવી દીધી સરપંચ

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની ઘોર બેદરકારી સામે આવી છે. મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામમાં વય મર્યાદા નહી ધરાવતી યુવતી ચૂંટણી લડીને સરપંચ બની ગઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચોના સન્માન સમારોહની યાદી તૈયાર કરતી વખતે સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ મંગાવતાં સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો છે.

પ્રાંત અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરી રિપોર્ટ બનાવી રાજ્ય ચૂંટણી આયોગને મોકલવા સૂચના આપી છે.

સામાન્ય રીતે સરપંચ બનવા માટે 21 વર્ષથી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડવા માટે 21 વર્ષની ઉંમર હોવી જરૂૂરી છે. પરંતુ, મહેસાણા તાલુકાના ગીલોસણ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની વય ધરાવતી અફરોજબાનું અબ્બાસમિયા સિપાઈ નામની યુવતી ચૂંટણી લડીને સરપંચ બની ગઈ છે.

યુવતીના આધારકાર્ડમાં 8 ડિસેમ્બર 2004ની જન્મતારીખ લખાયેલી છે. પરંતુ, તેના લિવિંગ સર્ટીફિકેટમાં 7 જાન્યુઆરી 2005ની જન્મ તારીખ છે. લિવિંગ સર્ટીફિકેટ મુજબ યુવતીના 21 વર્ષ પૂરા થતાં નથી. જિલ્લા પંચાયતે સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ મંગાવતા માહિતી સામે આવી છે. હવે તંત્રએ ઓછી વયમર્યાદા ધરાવતી સરપંચનું રાજીનામું લેવા કવાયત હાથ ધરી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરાયું છે.

તે માટે જિલ્લા પંચાયતોને યુવા સરપંચોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતે યાદી તૈયાર કરવા માટે અફરોજબાનુનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મંગાવતાં ભાંડો ફૂટ્યો હતો. આ બાબતે યુવતીને પૂછતાં તેણે રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો છે. તેણીએ કહ્યું કે, સરપંચની ચૂંટણી માટેના ફોર્મમાં ક્યાંય જન્મ તારીખ લખવાની હોતી નથી. તેમાં ફક્ત ઉંમરનો ઉલ્લેખ કરવાનો હતો. તેથી મે મારી ઉંમરનો ઉલ્લેખ કર્યો છે.